Madhya Gujarat

નડિયાદમાં રૂ.19.75 લાખની ચોરીમાં 4 તસ્કરો ઝડપાયાં

નડિયાદ: નડિયાદના દેસાઈવગા વિસ્તારના એક બંધ મકાનમાંથી રૂ.19,75,000 ની ચોરી કરનાર ચાર તસ્કરોને નડિયાદ ટાઉન તેમજ એલ.સી.બી પોલીસની ટીમે ઝડપી પાડ્યાં છે. પોલીસે તસ્કરો પાસેથી મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરના દેસાઈવગા વિસ્તારમાં આવેલ દેસાઈ સંસ્કાર કેન્દ્ર નજીક રહેતાં ભાવેશભાઈ કનુભાઈ પટેલના બંધ મકાનમાં ગત તારીખ 3જી નવેમ્બરના રોજ ત્રાટકેલાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.19,75,000 ના મુદ્દામાલની ચોરી કરી હોવા અંગેની ફરીયાદ નડિયાદ ટાઉન પોલીસમથકે નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી અજાણ્યાં તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.

આ ચોરીનો ભેદ ઉકેલવા માટે નડિયાદ ટાઉન ઉપરાંત ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની ટીમે નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોના 100 કરતાં વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં હતાં. તદુપરાંત ટેકનીકલ ઈન્ફોર્મેશન, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ લઈ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર તસ્કરોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આ તસ્કરો પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડનો મુદ્દામાલ રિકવર કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવઘણ સામે ચોરીના 22 ગુના નોંધાયા છે
પોલીસે પકડાયેલાં તસ્કરોની ક્રાઈમ કુંડળી તપાસતાં આરોપી નવઘણ તળપદા વિરૂધ્ધ નડિયાદ ટાઉનમાં 12, વસોમાં 1, ચકલાસી પોલીસમથકમાં 1, કપડવંજ ટાઉન પોલીસમથકમાં 2, આણંદ ટાઉન પોલીસમથકમાં 1, વિદ્યાનગર પોલીસમથકમાં 4 તેમજ ગાંધીનગર પોલીસમથકમાં 1 મળી ચોરીના કુલ 22 ગુના નોંધાયેલાં છે. આ ઉપરાંત રીઢા ગુનેગાર નવઘણ તળપદા વિરૂધ્ધ મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં પણ ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બે તસ્કરોએ બંધ મકાનની માહિતી એકત્રિત કરી, બાકીના બેએ ચોરીને અંજામ આપ્યો
ચોરીના ગુનામાં પકડાયેલાં ચારેય તસ્કરો પૈકી રીઢા ગુનેગાર નવઘણ તળપદા અને લાલાભાઈ તળપદા અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલાં છે. તેઓએ આ ચોરીના ગુનાને અંજામ આપવા માટે બ્રિજેશ પંચાલ અને મિતેશ તળપદાને નડિયાદ શહેરના બંધ મકાનોની મહિતી મેળવવા માટેના કામે લગાડ્યાં હતાં. જે મુજબ બ્રિજેશ અને મિતેશે આ બંધ મકાનની માહિતી એકત્રિત કરી હતી. જેમાં આ ઘરમાં રહેતાં પરિવારજનો લાંબા સમય માટે બહારગામ ગયેલ હોવાનું આસપાસના રહીશો પાસેથી જાણવા મળ્યું હતું. તદુપરાંત મળેલ માહિતી પરથી આ ઘરમાંથી મોટી રકમ હાથ લાગી શકે તેવો અંદાજ લાગ્યો હતો. જેથી તેઓએ નવઘણ અને લાલાભાઈને આ ઘરને ટાર્ગેટ બનાવવા જણાવ્યું હતું. જેના આધારે નવઘણ અને લાલાભાઈ ગત તારીખ 3 નવેમ્બરના રોજ રીક્ષા લઈ ચોરી કરવા આવ્યાં હતાં અને ગણતરીની મિનીટોમાં સમગ્ર કારનામાને અંજામ આપી રીક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતાં. જે બાદ ચોરી કરેલ મુદ્દામાલનો ભાગ પાડીને સંતાડી દીધો હતો. પોલીસને કોઈ કડી ન મળે તે માટે તસ્કરોએ ચોરીમાં ઉપયોગમાં લીધેલાં સાધનો તળાવમાં ફેંકી દીધાં હતાં અને નવઘણ તળપદાએ ચોરી કરતા સમયે પહેરેલાં કપડાં પણ સળગાવી દીધાં હતાં.

18 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો
નડિયાદમાં ચોરી કરનાર લાલા રમણભાઈ તળપદા, નવઘણ પુજાભાઈ તળપદા, બ્રિજેશ ઉર્ફે સોની અશોકભાઈ પંચાલ અને મિતેશ ભીખાભાઈ તળપદાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યાં હતાં. પોલીસે પકડાયેલાં આરોપીઓ પૈકી લાલા અને નવઘણ પાસેથી રૂ.16,50,000 કિંમતના સોનાના દાગીના તેમજ રૂ.1,25,000 કિંમતના ચાંદીના દાગીના જપ્ત કર્યા હતાં. આ ઉપરાંત બ્રિજેશ પંચાલ અને મિતેશ તળપદા પાસેથી રોકડા રૂ.25.700 જપ્ત કર્યાં હતાં. આમ, પોલીસે ચારેય તસ્કરો પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.18,00,700 નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Most Popular

To Top