Madhya Gujarat

સંતરામપુરમાં ભારત ફાયનાન્સના 3 કર્મીએ 2.43 લાખની ઉચાપત કરી

સંતરામપુર: સંતરામપુર ખાતે આવેલી ભારત ફાયનાન્સ ઇન્કલુઝમ પ્રા. લી.ના યુનિટ મેનેજર સહિત ત્રણ શખસે 79 લોન ધારકના હપ્તાની રૂ.2.43 લાખ જેવી રકમ જમા કરાવી ન હતી અને અંગત કામમાં વાપરી નાંખી હતી. સંતરામપુરમાં આવેલી ભારત ફાયનાન્સ ઇન્કલુઝમ પ્રા. લી.માં યુનીટ મેનેજર તરીકે મહેશકુમાર કજોડકુમાર યાદવ (રહે. જયપુર, રાજસ્થાન), ફિલ્ડ વર્કર સચિનકુમાર મહેશ પટેલ (રહે. મોરવા, જિ. પંચમહાલ) અને ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઠાકોર (રહે. બાલાસિનોર) ફરજ બજાવતાં હતાં. ફાયનાન્સમાં ફિલ્ડ વર્કર કામ કરતા કર્મચારી લોનના હપ્તાની રકમ ઉઘરાવી જમા કરાવતાં હોય છે.

દરમિયાનમાં સંતરામપુર બ્રાંચનું 1લી મે,22થી 31મી ઓગષ્ટ,22નું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્ડ વર્કર સચિન પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઠાકોર દ્વારા સંતરામપુર, કડાણા, લુણાવાડા, ફતેપુરા વિગેરે તાલુકાના અલગ અલગ ગામોમાં આશરે 540 લોન ધારકોને લોન આપી હતી. જે લોનના હપ્તાની રકમ ઉપરોક્ત બન્ને કર્મચારી તેમને ફાળવેલા વિસ્તારમાં ફિલ્ડ વર્કર તરીકે નોકરી કરતાં હોવાથી તે ગામોમાંથી લોન ધારકો પાસેથી રિકવરી કરી બ્રાંચમાં જમા કરાવતાં હતાં. જોકે, આ 540 પૈકી 75 લોન ધારકો પાસેથી રૂ.2,07,647 ઉઘરાવ્યા બાદ નાણાની એન્ટ્રી કે સહી જે તે લોન ધારક પાસેના કાર્ડમાં કરી નહતી.

આમ બન્ને કર્મચારીએ આ રકમની ઉચાપત કરી હતી. આ ઉપરાંત જે તે વખતના યુનિટ મેનેજર મહેશકુમાર કજોડકુમાર યાદવ (રહે.રાજસ્થાન)એ પણ ચાર લોન ધારકો પાસેથી હપ્તાની રકમ જે તે લોન ધારકના ખાતામાં જમા કરાવવાનું કહી રૂ.36,173 લીધાં હતાં. જે જમા કરાવી નહતી. આમ બ્રાંચમાં કુલ રૂ.2,43,820ની ઉચાપત થઇ હતી. આથી, ત્રણેયને છુટા કર્યાં હતાં. આ અંગે સરફરાજ પઠાણની ફરિયાદ આધારે સંતરામપુર પોલીસે મહેશ, સચિવ અને ધર્મેન્દ્રસિંહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top