Gujarat

એપીએમસી અને અમુલ પાર્લર પરથી 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક મળશે

રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે સાત જેટલા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં સંક્રમિતોની સારવાર માટે ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે તેવો મહત્વનો નિર્ણય પણ લેવાયો છે. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના ૬૦ ટકા કોરોના સંક્રમણ નિયંત્રણ માટે તબીબી સુવિધાઓ હેતુસર આરોગ્ય ક્ષેત્ર માટે આપવાના રહેશે. માત્ર ૪૦ ટકા ઉત્પાદન સપ્લાય તેઓ ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લઇ શકશે.

રાજ્યમાં મહાનગરપાલિકા ધરાવતા ૮ મહાનગરોમાં પ૦૦-પ૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તેમજ તેની તબીબી કામગીરીના સુપરવિઝન, દેખરેખ સંકલન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે ૮ IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજૂરી આપી શકશે.

રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને કોર કમિટિમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમ, ક્લિનિક આઇ.સી.યુ કે વેન્ટિલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે.

આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થકેર સેન્ટર માટે પ્રતિદિન વધુમાં વધુ રૂ. બે હજાર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર માટે પ્રતિદિન મહત્તમ ૧પ૦૦ રૂપિયા ચાર્જ લઇ શકાશે. આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થતો નથી એટલે કે આવા ઇન્જેકશનનો ચાર્જ અલાયદો લેવામાં આવશે.

રાજ્યમાં સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ તેમજ એલ.જી. અને નગરી હોસ્પિટલ અમદાવાદ આ બધી જ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે રેમડિસીવીર ઇંન્જેકશન આગામી ત્રણથી પાંચ દિવસમાં નહીં નફો નહિ નુકશાનના ધોરણે સંબંધિત હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સમાંથી ઉપલબ્ધ કરાવાશે તેવો પણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટિમાં કરવામાં આવ્યો છે. કોર ગ્રુપની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી નજીકના ભવિષ્યમાં ટ્રિપલ લેયર માસ્ક માત્ર રૂ. ૧ ની નજીવી કિંમતે ઉપલબ્ધ કરાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top