SURAT

સુરતની ભાવિકાએ માત્ર 14 વર્ષની ઉંમરમાં રામાયણ પર સંશોધન કરી પુરસ્કાર જીત્યો

સુરત: રામનવમી પર્વ પર સુરતની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે શહેરનું ગૌરવ વધાર્યું છે. ભોપાલમાં આયોજિત ત્રણ દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ અધિવેશનમાં આદર્શ જીવન વિષય પરની ચર્ચામાં સુરતની ભાવિકા માહેશ્વરીને રામાયણ પર આધારિત સંશોધન પત્ર માટે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તુલસી માનસ પ્રતિષ્ઠાન અને રામાયણ કેન્દ્ર (ભોપાલ)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિષ્ઠિત વક્તાઓએ રામાયણ સંબંધિત વિષયો પર તેમના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. આ દરમિયાન દેશ- વિદેશની અલગ- અલગ ભાષાઓમાં રજૂ થયેલા રિસર્ચ પેપરમાંથી ઘણા રહસ્યો સામે આવ્યા હતા.આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં જ્યારે ભારતીય સંસ્કૃતિ પર ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે અને આપસમાં લડાવાઈ રહ્યું છે સાથે જ યુવા પેઢીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે ત્યારે ધાર્મિક અને વૈજ્ઞાનિક આધારો પર રામ પ્રત્યેની આસ્થાને મજબૂત કરવાનો હતો.

કાર્યક્રમમાં સુરતની ભાવિકા માહેશ્વરીએ રામાયણમાંથી કોર્પોરેટ, લીડરશીપ અને મેનેજમેન્ટના પાઠ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવિકા ઉપરાંત 7 દેશોએ ભાગ લીધો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રોફેસર, ભાભા પરમાણુ કેન્દ્ર અને આઈઆઈટી રૂડકીના સ્પર્ધકો સામેલ હતા. એટલું જ નહીં સ્પર્ધકોમાં સૌથી મોટી ઉંમરના એટલે કે 84 વર્ષના અને સૌથી નાની ઉંમર એટલે કે 14 વર્ષ સંશોધકો હતા. ડૉ. એન.આર. લઘ્વાલા મેમોરિયલ આઉટ સ્ટેન્ડિંગ પેપર એવોર્ડ માં ભાવિકા માહેશ્વરી વિજેતા રહી હતી. આચાર્ય ઓમ નીરવ, કામાક્ષી મિશ્રા અને માનવી ગોયલ ને પણ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર અપાવમાં આવ્યો હતો.

14 વર્ષની ભાવિકાએ 10 વર્ષ સુધી રામકથા કરી 52 લાખ ભેગા કર્યા
સુરતની 14 વર્ષની ભાવિકા માહેશ્વરી મોટીવેશનલ સ્પીકર, લેખક અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડધારક, TEDx સ્પીકર અને BBBP બ્રાન્ડ એમ્બેસેડર છે. વીતેલા 10 વર્ષ દરમિયાન રામ કથા દ્વારા 52 લાખનું સમર્પણ ફંડ એકઠું કર્યું અને રામમંદિર અયોધ્યાને અર્પણ કર્યું છે. આ ઉપરાંત ભાવિકાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવનચરિત્ર પર એક પ્રેરક પુસ્તક લખ્યું, જેની સમગ્ર દેશ અને વિદેશની મીડિયાએ નોંધ લીધી હતી. દેશના 9 રાજ્યો અને 100 થી વધુ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર પ્રેરક સેમિનાર અને રામ કથા ભાગવત કથા કરી છે.

Most Popular

To Top