National

દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ, ગુજરાતના બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

દેશના અનેક ભાગોમાં ગુરુવારે હવામાનમાં (Atmosphere) પલટો આવ્યો હતો. આકાશમાં ઘેરા વાદળો ઘેરાઈ ગયા, જોરદાર પવન (Wind) ફૂંકાવા લાગ્યો હતો. અનેક જગ્યાએ હળવા ઝરમર વરસાદ (Rain) સાથે મધ્યમ વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ વાવાઝોડું ફુંકાયું હતું અને કરાં પણ પડ્યા હતાં. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બનતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગે પહેલાથી જ આશંકા વ્યક્ત કરી હતી કે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

ગુરુવારે બપોરે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પવનના સુસવાટા સાથે પડેલા મુશળધાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અનેક જગ્યાએ રસ્તાઓ પર પણ પાણી જમા થયા હતા. ગુરુવારની સવાર તડકો હતો. પરંતુ બપોર બાદ વાદળોના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલો ઝડપી વરસાદ થઈ રહ્યો છે.

બીજી તરફ આજે ગુજરાતના અનેક ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. થરાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડીસામાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. કચ્છના લખપત તાલુકામાં પણ ગાજવીજ તથા પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ભચાઉ તાલુકાના કણખોઈ અને રાપર તાલુકાના ખેંગારપરમાં જોરદાર પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. લાખણી પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો.

ખેડૂતો ચિંતામાં મુકાયા
વાતાવરણમાં વારંવાર પલટાના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. પાછલા દિવસોમાં પણ ગુજરાતમાં અનેક જગ્યાએ કરાં અને ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ફરી કરાં અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠાથી ગુજરાતના ખેડૂતોને ઘઉં, એરંડા સહિતના પાકમાં નુકસાનની ચિંતા સતાવી રહી છે. આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોની ખૂબ જ માઠી દશા થઈ છે.

Most Popular

To Top