Madhya Gujarat

ખેડાના યુવકના રૂ.10.50 લાખ પરત ન ચુકવનાર પ્રોફેસરને 1 વર્ષની કેદ

ખેડામાં રહેતાં એક યુવક પાસેથી 10,50,000 રૂપિયા હાથઉછીના લીધાં બાદ કોલેજના પ્રોફેસરે તેને ચેક આપ્યો હતો. આ ચેક સતત ત્રણ વખત બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો તેમજ પુરાવાનો અભ્યાસ કર્યાં બાદ પ્રોફેસરને કસુરવાર ઠેરવી, ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુનામાં 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ યુવકને 10,50,000 રૂપિયા ત્રણ માસની અંદર ચુકવવાનો પણ ચુકાદામાં ઉલ્લખ કર્યો છે. આદેશ કર્યો હતો.

ખેડાના પરાદરવાજા વિસ્તારમાં આવેલ આઝાદપોળમાં રહેતાં 26 વર્ષીય અક્ષર કેતનભાઈ પટેલને તેના મિત્ર અમનભાઈ શાહ મારફતે કતારપુરા રોડ પર આવેલ કોલેજના પ્રોફેસર અશ્વિનભાઈ જે પટેલ (રહે.તક્ષશીલા કોલોની, મણીનગર, અમદાવાદ) સાથે પરિચય થયો હતો. સમય જતાં બંને વચ્ચે ઘર જેવા સબંધો બંધાયા હતાં. દરમિયાન પ્રોફેસરે પોતાનો પુત્ર પાર્ટીઓનો ઈન્વેસ્ટ મેનેજર હોવાનું જણાવી અક્ષર પટેલને વિવિધ પાર્ટીઓમાં આવવા આમંત્રણ આપવા લાગ્યાં હતાં. એવામાં સન 2018 ની સાલમાં 31 ડિસેમ્બરની પાર્ટી અગાઉ પ્રોફેસરના પુત્રને નાણાંની ઓચિંતી જરૂર પડી હતી.

જેથી પ્રોફેસરે અક્ષર પાસે 10,50,000 રૂપિયા હાથ ઉછીના માંગ્યાં હતાં અને 31 મી ડિસેમ્બરની પાર્ટી પુરી થયાં બાદ તમામ રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી હતી. જે તે વખતે અક્ષરે માતાની જમીન વેચી હોવાથી રૂપિયાની વ્યવસ્થા હતાં. જેથી અક્ષરે પ્રોફેસર અશ્વિનભાઈને 10,50,000 રૂપિયા આપ્યાં હતાં. જેના થોડા મહિનાઓ વિત્યાં બાદ અક્ષરે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. જેથી પ્રોફેસરે રૂ.10,50,000 રૂપિયાનો ચેક અક્ષરને આપ્યો હતો. અક્ષરે તા.26-8-19 ના રોજ આ ચેક બેંકમાં જમા કરાવતાં પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર ના શેરા સાથે પરત ફર્યો હતો.

જે બાદ પ્રોફેસરના જણાવ્યાં મુજબ અક્ષરે તા.17-9-19 અને ત્યારબાદ તા.22-10-19 ના રોજ ફરી વખત બેંકમાં ચેક ભર્યો હતો. પરંતુ, બંને વખતે ચેક બાઉન્સ થયો હતો. જેથી અક્ષરે તેના વકીલ મારફતે તા.15-11-19 ના રોજ પ્રોફેસરને રોજ નોટીસ મોકલાવી હતી. જોકે, પ્રોફેસરે આ નોટીસનો ઉડાવ જવાબ આપી, રૂપિયા પરત આપ્યાં ન હતાં. જેથી અક્ષરે આ મામલે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ પુરાવાને ધ્યાનમાં રાખી પ્રોફેસર અશ્વિનભાઈ જે પટેલને કસુરવાર ઠેરવી ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુના હેઠળ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ આ હુકમના ત્રણ માસની અંદર ફરીયાદી અક્ષરને રૂ.10,50,000 ચુકવી આપવા ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે.

Most Popular

To Top