Charchapatra

શ્રાવણ મહિનાનું એ સુરત યાદ આવે છે

પવિત્ર શ્રાવણ માસનાં આગમન થતાં ઝરમર વરસાદી ઝાપટા માહોલમાં વર્ષો પૂર્વે હરિપરા ચારરસ્તા ત્થા ગલીઓ ભરાંતા જન્માષ્ટમી મેળાની યાદો હજુ સ્મરણપટ પર અંકિત છે. આ મેળામાં વૈધિવ્ય સ્ટોલો, જાદુના ખેલો, ઊંચા ઊંચા વાસ પર ચાલતાં, સિગારેટની જાહેરાત કરતાં માણસો, વાંસળી વેચનારને મનમોહક વાંસળી વાદન, ત્થા મોતનાં કૂવામાં જીવસટોસટનાં ખેલ કરતાં મોટર સાઈકલ વીર, આ બધ્ધુંજ બાળપણને યાદ કરાવે છે.  આ ઉપરાંત રમકડાં, વાસણો ત્થા સોલાપુરી ચાદર, શાલનાં સ્ટોલો ત્થાં ચોકસી બજારમાં પ્રવેશતાં જ મદ્રાસ કાફેની ઈંડલી-સંભારની ખાવાની અદમ્ય ઈચ્છા અને બાજુમાં જ ચિના આઈસ્ક્રીમ – બસ દિલ બાગ બાગ થઈ જતું.

– આ ઉપરાંત બાળકોની નાની નાની ચકડોળ ત્થા મોટેરા માટેની ચકડોળનાં ઉપરના પારણેથી સુરત શહેર જોવાનો આનંદ અનેરો હતો. વળી મેળામાં બે-ત્રણ વખત તો જવાનું જ ! અને રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ કૃષ્ણનો આરતી ત્થા ઘંટારવ સાથે, ઘરોમાં ત્થા મંદિરોમાં પ્રેમથી ઊજવાતો અને બીજા દિવસે ઘારી, ઘૂઘરા, સૂંઠની ગોળી અને પંજરીનો પ્રસાદ, ખાવાની મઝા ઓર જ હતી !
રાંદેર રોડ, સુરત- દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top