વડોદરા તારીખ 23
પ્રતાપનગર રેલ્વે કોલોની પાછળ આવેલી વિજયવાડી ખાતે ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી. પોલીસને જોઈને દારૂ વેચનાર શખસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેના ત્રણ થેલામાંથી 25 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે કબજે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસને સોંપ્યો છે.
વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું રહેતું હોય છે. પરંતુ પોલીસ જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરતી નથી.જેવી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વડોદરા શહેર કે જિલ્લામાં આવીને રેડ કરે છે ત્યારબાદ જ પોલીસ વિભાગની વિવિધ ટીમ એક્શનમાં આવીને નાના મોટા દારૂનું વેચાણ કરનાર શખ્સોને પકડીને સંતોષ માણતી હોય છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતાપનગર રેલ્વે કોલોની પાછળ આવેલ વિજયવાડી ખાતે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેઇડ કરતાં થેલામાં દારૂ ભરીને ઉભેલા શખ્સે પોલીસને જોઇ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ સાથે અમન દિપકભાઇ વર્મા ( રહે. વિજયવાડી, પ્રતાપનગર રેલ્વે કોલોની પાછળ વડોદરા) ઝડપી પાડ્યો હતો. તેની પાસેના થેલામાંથી કિ.રૂ.25 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે દારૂ અને આરોપીને આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આરોપી અમન વર્મા ગુનાહીત ઇતિહાસ ધરાવે છે તેના અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીના 4 ગુનામાં પકડાયો છે.