Vadodara

દિવેર મઢી નર્મદામાં ભરૂચના બે ડૂબ્યા, શોધખોળ જારી

શિનોર :શિનોર તાલુકાના દિવેર ગામ પાસે મઢી નર્મદા નદીમાં ભરૂચ જિલ્લાના 22 સહેલાણીઓ ઉનાળામાં નદીમાં નાહવા આવેલા તે પૈકી એક યુવક અને એક કિશોર મળી કુલ બે વ્યક્તિઓ નર્મદા નદીના પાણીના વેનમાં તણાઈ ગયા હતા. બનાવની શિનોર પોલીસને જાણ થતા દિવેર નર્મદા કિનારે નાહવા આવેલા મોટી સંખ્યામાં આવેલા લોકોને નદીમાંથી બહાર આવી જવાના આદેશ આપી કરજણથી ફાયર બ્રિગેડને બોલાવી લાપતા થયેલા બેની શોધખોળ શરૂ કરી છે. આ લખાય છે ત્યાં સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.

શિનોર તાલુકાના દિવેર ગામ પાસે મઢીનો નર્મદા નદીનો કિનારો ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા નાહવા માટે આકર્ષણરૂપ બન્યો છે અને ગુજરાતના સહેલાણીઓ માટે ગરીબોના ગોવા તરીકે જાણીતું થયું છે. હાલ દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ઉનાળો હોવાથી નહાવા માટે આવતા હોય છે. ત્યારે આજે સવારે 11 વાગ્યે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અને ભરૂચ નજીકના પાંચ મોટરસાયકલ અને રીક્ષાઓ લઈને નજીકના સગા સંબંધીઓ મળી કુલ 22 સહેલાણીઓ દિવેર નજીકના મઢી નર્મદામાં નહાવાનો આનંદ લેવા આવ્યા હતા. બપોરના એકાદ વાગે 22 જેટલા સગા સંબંધીઓ નહાવાનો આનંદ માણતા હતા. તે સમયે પરિમલ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 31 રહેવાસી માંડવા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ અને તેમની નજીક નહાતો યશકુમાર રાકેશભાઈ પટેલ ઉમર વર્ષ 16 રહેવાસી મકતમપુર તા.જી. ભરૂચનાઓ એકાએક નર્મદા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા બૂમાબૂમ થઈ ગઈ હતી. પણ જોત જોતા માં નર્મદાના પાણીના વહેણમાં બન્ને લાપતા થઈ ગયા હતા. બનાવની જાણ તરત શિનોર પોલીસને કરતા ઘટના સ્થળે દોડી આવેલી શિનોર પોલીસે નર્મદા નદીમાં મોટી સંખ્યામાં નહાતા સહેલાણીઓને બહાર નીકળી જવાના આદેશો કરી કરજણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને બોલાવી પાણી માં તણાઈ લાપતા બનેલાની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરવામાં આવી છે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા બંને સહેલાણીઓ હજુ લાપતા છે.

Most Popular

To Top