Gujarat

ગુજરાતના 20 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ, 47 ડિગ્રી ગરમીમાં અમદાવાદમાં 57 લોકો બેભાન થયા

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત હાલમાં એકદમ હિટેવેવની (Heat Wave) ચપેટમાં આવી ગયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, આગામી તા.28મીમે સુધી ગુજરાતને ગરમીના પ્રકોપમાંથી કોઈ રાહત મળવાની નથી. આજે દિવસ દરમ્યાન અમદાવાદ 47 ડિગ્રી ગરમીમાં શેકાયુ હતું. જેના પગલે બેભાન થઈને પડી જવાના, ચક્કર આવવાના કેસો વધી ગયા હતા.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આગામી તા.28મી મે સુધી ગુજરાતને તીવ્ર ગરમીના પ્રકોપમાંથી કોઈ રાહત મળવાની નથી. આજે દિવસ દરમ્યાન રાજયમાં જુનાગઢ, ભાવનગર, દીવ , સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા અને વડોદરામાં તીવ્ર હિટ વેવની કાતિલ અસર જોવા મળી હતી. બપોરના સમયે આ શહેરોમાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતું. આગામી તા.27મી મે સુધી ગુજરાતમાં ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયું છે. જરૂરત ના હોય તો ઘરની બહાર નહીં નીકળવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે. હજુયે આગામી 26મી મે સુધી ગરમીનો તીવ્ર પ્રકોપ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ગરમ તથા ભેજવાળી હવાના કારણે સ્થાનિક લોકોને બેચેની અનુભવાશે.

આગામી તા.૨7મી મે સુધી હવામાન વિભાગ દ્વારા હિટ વેવનું ઓરેન્જ અને યલ્લો એલર્ટ જારી કરી દેવાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક માટે ગરમીનું રેડ એલર્ટ જારી કરી દેવાયુ છે. જયારે સુરેન્દ્રનગર , ભાવનગર , જુનાગઢ, બોટાદ , દીવ , કચ્છ, આણંદ , બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા , પાટણ, અરવલ્લી , ખેડા , પંચમહાલ , દાહોદ , મહીસાગર , વડોદરા અને છોટા ઉદેપુરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટજારી કરાયુ છે. આ જિલ્લાઓમાં વૃદ્ધ તથા નાના બાળકોએ ઘરની બહાર નહીં નીકળવાની સલાહ અપાઈ છે. ખાસ કરીને સતત પાણી પીતા રહેવું , છાશ , લસ્સી , લીંબુ શરબત પીવું તેવી સલાહ અપાઈ છે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 47 ડિ.સે.,ડીસામાં 45 ડિ.સે.,ગાંધીનગરમાં 46 ડિ.સે.,વડોદરામાં ૪5 ડિ.સે.,સુરતમાં 37 ડિ.સે.,વલસાડમાં 37 ડિ.સે.,દમણમાં 36 ડિ.સે., ભૂજમાં 43 ડિ.સે.,નલિયામાં 38 ડિ.સે.,કંડલા પોર્ટ પર 39 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 45 ડિ.સે.,અમરેલીમાં 44 ડિ.સે.,ભાવનગરમાં 42 ડિ.સે.,રાજકોટમાં 44 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 46 ડિ.સે.,મહુવામાં ૪2 ડિ.સે., અને કેશોદમાં ૪2 ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ છે.

છેલ્લા બે દિવસની અંદર 16ના મોત
છેલ્લા બે દિવસની અંદર ગુજરાતમાં 16 લોકોએ ગરમીને કારણે મોતને ભેટ્યા છે. જેમાં સૌથી વધારે સુરતમાં 9 લોકોને ગરમી ભરખી ગઈ છે.ગરમીમાં લૂ લાગવાને કારણે સૌથી વધુ મોતને ભેટ્યા છે. સુરતમાં સૌથી વધુ 9 લોકોના મોતની સાથે વડોદરામાં 4, મોરબીમાં એક, જામનગરમાં એક અને રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. એકલા વડોદરામાં ગરમીથી અત્યાર સુધી 23 લોકો મોતને ભેટ્યા છે. ગરમીને કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક સહિતના કેસમાં વધારો થયો છે. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીને કારણે થતી બીમારીઓના કેસમાં વધારો થયો છે, લૂ લાગવી, માથુ દુખવું, બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક સહિતના લક્ષણો ધરાવતા 41 કેસ માત્ર બે દિવસમાં જ સામે આવ્યા છે. હાલ જે 41 દર્દીઓ દાખલ છે તેમાંથી 10 દર્દીની હાલત ગંભીર જોવા મળી રહી છે.

47 ડિગ્રી ગરમીમાં એકલા અમદાવાદમાં 57 લોકો બેભાન થઈ ગયા
અમદાવાદ: અમદાવાદમાં આજે ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચી જતાં અચાનક 57 લોકો બેભાન થઈને નીચે પ઼ડી ગયા હતા. જો કે આ તમામને સમયસર સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અબોલ પશુ પંખીઓને અસર થવા પામી છે. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર , આજે 57 લોકો, તા.23મીના રોજ 47, તા.22મી મેના રોજ 35 , અને 21મી મેના રોજ 36 લોકો બેભાન અને ચક્કર આવવા સાથે પડી ગયા હતા. તેઓને હિટ સ્ટ્રોકની સારવાર કરાઈ છે.
તા.16મી મેના રોજ હિટ વેવની શરૂઆત થઈ હતી, ત્યારથી તા.23મી મે સુધીમાં અમદાવાદમાં 276 લોકો બિમાર પડયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદ માટે રેડ એલર્ટ એટલે કે ગરમીનો પારો 46 ડિગ્રીને ક્રોસ કરે તેવી સંભાવના છે. જયારે તા.26 અને 27મી મે દરમ્યાન હિટ વેવનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જેના પગલે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જઈ શકે છે.

Most Popular

To Top