એક દિવસ એક ચા ની રેંકડી પર એક દાદા આવ્યા. મોઢા પર અનુભવની કરચલીઓ અને તેમાં ચમકતા જ્ઞાનનું તેજ અને હોઠો પર મીઠું સ્મિત.આવીને તેમણે ચાવાળાના ખબર પૂછ્યા અને સાથે પૂછ્યું, ‘દોસ્ત, બધાને ચા પીવડાવે છે, તેં ચા પીધી કે નહિ?’ આજુબાજુ ચા પીતાં લોકોને લાગ્યું, આપણે જોયા નહિ હોય પણ આ દાદા અહીં રોજ આવતા લાગે છે.ચાવાળાને નવાઈ લાગી કે આ દાદાને પહેલી વાર જોઈ રહ્યો છું અને આજ સુધી મને કોઈએ નથી પૂછ્યું કે તેં ચા પીધી કે નહિ તેવો પ્રશ્ન પૂછી મારા ખબર પૂછે છે.
આ છે કોણ? ચાવાળાએ હસીને દાદાને કહ્યું, ‘વડીલ, મેં ચા પીધી કે નહિ એવું તો આજ સુધી મને કોઈએ પૂછ્યું નથી.તમારો આભાર …બોલો તમારી કેવી ચા બનાવું.’ દાદાએ કહ્યું, ‘દોસ્ત તને જેવી ભાવે છે તેવી બનાવ. આપણે બે અને બીજા આ બધામાંથી જેને પીવી હોય સાથે ચા પીશું.’ ચાવાળા અને દાદાની વાત પરથી બધાને સમજ્યું કે આ દાદા પહેલી વાર જ અહીં આવ્યા છે, પણ બધાને પોતાના ગણીને વાત કરે છે.
ચા બની ગઈ. મીઠી કડક ચા દાદાને આપતાં ચાવાળો બોલ્યો, ‘દાદા , આ લો તમારી ચા …’ દાદા બોલ્યા, ‘ના એમ નહિ, હું એકલો ચા પીતો જ નથી.તું બધાને આપ અને તારો કપ લે. બે ઘડી મારી પાસે બેસ. આપણે સાથે વાતો કરતાં કરતાં ચા પીએ.’ ચાવાળો બોલ્યો, ‘દાદા ,મને ચા બનાવતાં આવડે.વાતો કરતાં શું આવડે અને તમને પહેલી વાર મળું છું. શું વાતો કરીશું બોલો તમે જ કહો.’ દાદા બોલ્યા, ‘દોસ્ત, તું રોજ આટલાં લોકોને મળે છે.તેમની વાતો સાંભળે છે.ચા પીવડાવે છે તેની વાતો કર.મારો તો નિયમ છે રોજ એક કે બે અજાણ્યા જણને મળું છું અને અલકમલકની વાતો કરું છું.આ જીવન તો બહુ સરળ છે જે છે …જેમ જીવીએ છીએ તે જ વાતો કરવાની તેમાં કંઈ આવડતની જરૂર નથી.’
બધાને દાદાની વાતોમાં રસ પડ્યો.ચાવાળો પણ પોતાના જીવનમાં ક્યારથી રેંકડીની શરૂઆત કરી …કેટલા લોકોને ચા પીવડાવી ..કેટલા પ્રકારની ચા બનાવે છે તેની વાતો કરવા લાગ્યો. દાદાએ કહ્યું, ‘દોસ્ત, આ તારો ચા નો કપ મજેદાર હોય છે તેવું જ જીવન લિજ્જતદાર છે.જીવનમાં મુશ્કેલી તો આવે અને જાય, ક્યારેય અટકવાનું નહિ.થાકી જઈએ તો બેસવું.એક કપ ચા કે કોફીનો પીવો ..મુશ્કેલીઓ સામે ફરી લડવું, તેનાથી ડરીને ભાગવું નહિ.દૂર ભાગશો તો મુશ્કેલીઓ મોટી થઇ સામે આવશે.જીવનમાં તકલીફો આવે, ડરવું નહિ.પરિવર્તન આવે સ્વીકારી લેવું.જખમ પડે તો દવા લગાડીએ તેમ જીવનના જખમ પર પણ સ્મિતનો લેપ લગાડી આગળ વધવું.દોસ્તોને યાદ કરવા અને રોજ અજાણ્યા સાથે ચા પીને તેને દોસ્ત બનાવતાં રહેવું….’ બસ આવી સરસ અનુભવભરી વાતો કરી દાદા ચા પીને ચાલતા થયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.