Business

તમારો જન્મ કોઈ કારણસર જ થયો છે

આ પૃથ્વી પર મનુષ્યો આવે છે અને જીવન પૂરું થાય એટલે ચાલી જાય છે. આખા જીવન દરમિયાન ઘણા લોકો આશાભર્યું જીવન જીવી જાય છે તો વળી કેટલાક સર્વત્ર નિરાશા અને હતાશા જ છે એવું જ વિચારીને જીવન પુરુ કરે છે. મૂળ તો આપણે કેવું જીવન જીવીએ છીએ તેનો આધાર આપણી વિચારસરણી પર જ રહે છે. કેટલાક સદા નિરાશાવાદી હોય છે તેથી તેઓના મનમાં હતાશા અત્ર, તત્ર, સર્વત્ર, અનાચાર એવું જ ભરેલું હોય છે. આવા નિરાશાવાદી લોકો હતાશાભર્યું જીવન જીવીને જ પૃથ્વી પરથી વિદાય લે છે. જયારે આશાવાદી લોકો આ સમાજ, આ વસુધા અને લોકોમાં સારથ પણ છે એવું સમજીને જીવન જીવે છે તેઓ ભર્યું ભર્યું જીવન જીવી જાય છે. ગઇ કાલ કરતાં આજનું વિશ્વ અધિક ઉત્તમ છે. એવું તેઓ મનથી માને છે તેથી પોતાના જીવન દરમિયાન તેઓને જીવન જીવવા જેવું જ લાગે છે.

આ પૃથ્વી પર કેટલુંક બરાબર પણ નથી પરંતુ વ્યવસ્થિત કરવા માટે તો પ્રભુ એ મને જન્મ આપ્યો છે. એ કામ એ મારા જીવનનું લક્ષ્ય બનો. આવા લોકો સમાજમાં પોતાનું કામ કરીને પોતાની પગલી પાડતા જાય છે. જીવન કેટલું લાંબું કે ટૂંકું એ અગત્યનું નથી પરંતુ આપણે જગતને શું આપી જઇએ તે અગત્યનું છે. વિવેકાનંદ કે આદિશંકરાચાર્ય એ બન્નેના જીવન બહુ લાંબા ન હતાં પરંતુ જગતમાં તેઓ પોતાની પગલી પાડીને ગયા છે. આવા લોકોની વિચારસરણી આશાથી ભરેલી હતી.

આપણું જીવન અન્ય જીવિતોને સહાયભૂત થઇ પડે તેવું હોય તો તે જીવન જ ઉત્તમ જીવન છે અથવા સફળ જીવન છે. જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર તો આપણા મનમાં કેવા વિચારોથી આપણે જીવીએ છીએ તેના પર જ છે. જયાં હતાશા છે ત્યાં આશાનું કિરણ તેઓ જ લાવી શકે છે કે જેઓ આશાસ્પદ વિચારોથી જીવ્યા છે. માણસના મનમાં નિકૃષ્ટ વિચારો પણ આવે છે અને ઉત્તમ વિચારો પણ આપે છે. આ બન્નેમાંથી કેવા વિચારોનું આપણું મન ચાલીસ કલાક ચિંતન કરે છે તેના પર જ જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર છે.

Most Popular

To Top