Health

બાળકો માટે શ્રેષ્ઠ છે યોગ, શરીર સાથે મગજ પણ રહેશે તેજ

આપણા દેશમાં પ્રાચીન કાળથી જ બધી ઉંમરનાં લોકો યોગ અને મેડિટેશન કરતા આવ્યા છે. છેલ્લાં બે વર્ષથી કોવિડને કારણે બાળકો અને યુવાનો લગભગ ઘરમાં જ રહ્યાં છે. સ્કૂલ તથા સોશ્યલ ફંકશન ન થવાને કારણે તેઓ પોતાની ઉંમરનાં સાથે હળીમળી શકયાં નથી. ઘણાંને ભાવનાત્મક રીતે ઘણી મુશ્કેલીઓ ઊભી થઇ છે. પરિણામે બાળકોમાં ગુસ્સો અને આક્રમકતા વધ્યાં છે. ત્યારે યોગ તેમને ઘણા મદદરૂપ થઇ શકે છે.

બાલાસન (શિશુ મુદ્રા)
ગુસ્સાવાળા સ્વભાવના બાળકો માટે આ આસન બેસ્ટ છે. આ આસનથી મગજ શાંત થાય છે અને શરીર મજબૂત થાય છે.
આ આસન કરવા માટે બાળકને જમીન પર ઘૂંટણ ટેકવી એડી પર બેસાડો. ત્યાર બાદ આગળની તરફ ઝૂકી છાતી જાંઘને અડકે ત્યાં સુધી વાંકા વાળો. હાથ જમીનને અડકેલા જ રાખો. થોડી વાર આ સ્થિતિમાં રહી ધીરે ધીરે પ્રારંભિક સ્થિતિમાં લાવો.

ગોમુખાસન
આ આસન કરવા માટે યોગ મેટ પર બેસો. હવે બંને પગને એકબીજા પર રાખો. આ પછી ડાબા હાથને નીચેથી પાછળ લઈ જાઓ અને જમણા હાથને ઉપરની બાજુથી પાછળ લઈ જાઓ અને બંને હાથને પકડી રાખો.ભુજંગાસન
જો બાળકોની લંબાઈ વધતી ન હોય તો ભુજંગાસન કરવાથી ફાયદો થશે.
આ આસન કરવા માટે બાળકને ઊંધા સૂવડાવી એની હથેળીઓને જમીન પર રાખો. હવે શરીરના ઉપરના ભાગને આકાશ તરફ ઊંચો કરો અને આ દરમિયાન ઊંડો શ્વાસ લો અને છોડો. હાથને ફ્લોર પર રાખીને શરીરના ઉપરના ભાગને ઉપરની તરફ ધકેલાવો.

તાડાસન
અભ્યાસ માટે એકાગ્રતા જરૂરી છે. બાળકોના મનને એકાગ્ર કરવા માટે તાડાસન યોગનો અભ્યાસ કરાવો. તાડાસનથી બાળકોની શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. તાડાસનનો યોગાભ્યાસ એનર્જી લેવલ વધારવામાં પણ મદદ કરે છે. યોગાસનથી તેમનો મૂડ સારો રહે છે અને ઊંચાઈ પણ વધે છે. આનાથી કરોડના હાડકાંને આરામ મળે છે.
બાળકને સીધા ઊભા રાખો. બંને હાથની આંગળીઓને લોક કરી દો અને તેને ઉપર તરફ ખેંચો. ધીમે-ધીમે પંજા પર ઊભા રહી શરીરને ઉપર તરફ ખેંચો.
સર્વાંગાસન
આ યોગ કરવા માટે જમીન પર સીધા સૂઈ અને બંને પગને ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાઓ. જ્યારે પગ કમર સુધી સીધા થઈ જાય ત્યારે હાથથી કમરને સપોર્ટ આપી અને શરીરને શક્ય હોય તેટલું સીધું કરો. આ સ્થિતિમાં થોડી સેકન્ડ રહી ધીરે ધીરે શરીરને નીચે લાવો અને પછી ફરીથી આ આસન કરો.

પદ્માસન
આનાથી એકાગ્રતા વધે છે અને મગજ તેજ થાય છે.
આ આસન બેસીને કરાય છે. આના માટે પલાંઠી વાળીને બેસી જવું, બુદ્ધ ભગવાન જે મુદ્રામાં બેસે છે તે રીતે બેસી જાવ. અને હવે આંખો બંધ કરી તમારા શ્વાસ પર ધ્યાન આપો.
પવન મુક્તાસન
આનાથી ગેસ અને કબજિયાત દૂર થાય છે. કમર અને નીચેના ભાગમાં આરામ મળે છે.
બાળકને સીધા સૂવડાવો. પગને 45 ડિગ્રી પર વાળો અને ઘૂંટણ વાળી છાતી પર અડાડો. મોઢાને ઘૂંટણ પર લઇ આવો અને આંગળીઓને લોક કરી ઘૂંટણ પર રાખો.

અધોમુખશ્વાસન
અધોમુખશ્વાસનના અભ્યાસથી શરીરમાં લચીલાપણું આવે છે. ઉત્સાહ વધે છે અને સુસ્તી દૂર થાય છે. આ આસન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. તેનાથી બાળકોના હાથ-પગ પણ મજબૂત થાય છે. કેટલીક વાર બાળકોને અભ્યાસ કરતી વખતે ઊંઘ આવે છે. આ આસનથી તેના માથામાં રક્ત પરિભ્રમણ વધે છે, મગજમાં યોગ્ય રીતે ઓક્સિજન પહોંચે છે અને એકાગ્રતા વધે છે.
ધનુરાસન
જ્યારે બાળકો સતત અભ્યાસ કરે છે ત્યારે તેમને આખો દિવસ બેસી રહેવું પડે છે. જેના કારણે તેમની પીઠ પર દબાણ આવે છે. કમરના દુખાવાની પણ શક્યતા રહે છે. પરંતુ ધનુરાસનનો અભ્યાસ બાળકોની પીઠને મજબૂત બનાવે છે. તેમના હાથ અને પીઠના દુખાવામાં પણ રાહત મળે છે અને શરીરમાં લચીલાપણું આવે છે.

મેરૂદંડાસન
આ આસન કરવાથી કરોડરજ્જુમાં લચક wwઆવે છે અને લંબાઈ વધે છે.
આ આસન કરવા માટે બંને પગ સાથે રાખી ઊભા રહો અને હાથને ઉપરની તરફ લઈ જાઓ અને હાથ જોડી રાખો. હવે શ્વાસ અંદરની તરફ ખેંચી એક વખત ડાબી બાજુ તેમ જ એક વખત જમણી તરફ વારાફરતી ઝૂકવું.
ત્રિકોણાસન
આ આસન કરવાથી સમગ્ર શરીરમાં ખેંચાણ સર્જાશે અને કબજિયાત દૂર થશે. એ નર્વસ સિસ્ટમને રેગ્યુલેટ કરે છે. ગભરાટ અને ચિંતા દૂર થાય છે.
બાળકને બંને પગ ખુલ્લા કરી ઊભા રાખો. ધીમે-ધીમે નીચેની તરફ વાળો અને જમણા હાથથી ડાબા પગને અડો અને બાદમાં ડાબા હાથે જમણા પગને અડો. આવું 15-20 વાર કરો.

બાળકો ગુસ્સે અને શરમાળ શા માટે?
બાળકો ગુસ્સે થાય એ વાતનો સંકેત છે કે તેઓ નિરાશ – હતાશ છે અને તેમને પડકારજનક પરિસ્થિતિનો સામનો કઇ રીતે કરવો તે ખબર પડતી નથી. જો એનું કારણ જાણવા મળે તો ઉકેલ મેળવી શકાય. કયારેક આવું વર્તન ચિંતા, ઓટિઝમ, ADHD કે અન્ય સમસ્યાઓનો સંકેત હોઇ શકે છે. એટલે મૂળ કારણ જાણવું જરૂરી છે. આત્મવિશ્વાસની ઊણપ કે સામાજિક ડરને કારણે પણ બાળકો શરમાળ અને ચિંતિત હોય છે.

યોગ
યોગ લોકોને જે વસ્તુમાં બદલાવ કે ધ્યાન આપવાની જરૂર હોય એવી વસ્તુની ઓળખ કરવા અને એના પર કામ કરવામાં મદદ કરે છે. યોગાથી શરમાળ, ઓછા આત્મવિશ્વાસુ બાળકોને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. એનાથી બાળકનો ગુસ્સો શાંત થઇ શકે છે. શારીરિક અને માનસિક તાકાત વધવા સાથે એકાગ્રતામાં પણ વધારો થાય છે. અનુલોમ – વિલોમ (ઊંડો શ્વાસ લેવો અને પછી ધીરેધીરે શ્વાસ છોડવો) જેવા યોગ બાળકોમાં ચિંતા અને તનાવ દૂર કરવામાં મદદ કરે છે. બાળકોને યોગ કરવા માટે એક યોગ મેટ અને ખુલ્લો – હવાઉજાસવાળો રૂમ આપો. બાળકો ચંચળ હોય છે અને વધુ સમય ધ્યાન એકાગ્ર થઈ શકતા નથી આથી શરૂઆતમાં થોડો સમય જ યોગ કરાવો. પછી ધીરે ધીરે સમય વધારતાં જાવ. વિરાસન આ આસન કરવા માટે યોગ મેટ પર બેસો. હવે બંને પગના અંગૂઠાને પાછળ લઈ જાઓ અને તેમને હિપ્સની નીચે રાખો. તમારા બંને હાથને ઘૂંટણ પર રાખો. શક્ય હોય ત્યાં સુધી આ સ્થિતિમાં રહો.

  • યોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
    યોગ હંમેશાં પૂરતી જાણકારી
  • અને વડીલની દેખરેખમાં કરો.
  • કોઇ પણ આસન વધારે પડતું જોર લગાવી ન કરો. આનાથી ઇજા પહોંચી શકે છે.
  • હંમેશાં શ્વાસ લેવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખો. દરેક યોગમાં શ્વાસ અલગ-અલગ રીતે લો.
  • 6 વર્ષ સુધીનાં બાળકોએ એક યોગાસન 1 મિનિટથી વધુ ન કરવું. કુલ 15 મિનિટથી વધુ યોગ ન કરો.
  • યોગ કરવાના 2-3 કલાક પહેલાં
  • કંઇ ખાવું ન જોઇએ
  • બની શકે તો સવારે યોગ કરો,
  • શાળામાં પણ અચૂક યોગ શીખો.

Most Popular

To Top