World

યમનમાં હુથી બળવાખોરોએ અમેરિકન યુદ્ધ જહાજ પર મિસાઇલથી હુમલો કર્યો

નવી દિલ્હી: યુએસ સેનાના (USArmy) યુદ્ધ જહાજ (Warship) યુએસએસ મેસન (USS Mason) પર રવિવારે રાત્રે હુથી વિદ્રોહીઓના (Houthi rebels) નિયંત્રણવાળા યમનના (Yaman) વિસ્તારમાંથી બેલેસ્ટિક મિસાઇલથી હુમલો (ballistic missile attack) કરવામાં આવ્યો હતો. યુદ્ધ જહાજ પર બે વખત મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. અમેરિકી સેનાએ જણાવ્યું કે બંને મિસાઇલો એડનની ખાડીમાં જહાજથી 11 માઇલ દૂર પડી હતી. 

યુએસએસ મેસન એ આઈઝનહોવર કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો એક ભાગ છે. રિપોર્ટ્સ અનુસાર, M/V સેન્ટ્રલ પાર્ક નામના વેપારી જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી મળતા જ જહાજની સુરક્ષા માટે યુએસએસ મેસન સેન્ટ્રલ પાર્ક પહોંચ્યું હતું.

યુએસએસ મેસનને જોઈને વેપારી જહાજને હાઈજેક કરનારા ચાંચિયાઓ ભાગવા લાગ્યા પરંતુ યુએસએસ મેસન દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ જ્યારે યુએસએસ મેસન ઓપરેશન પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે અદનની ખાડીમાં તેના પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. 

સેન્ટ્રલ પાર્ક શિપ ફોસ્ફોરિક એસિડ વહન કરતું ટેન્કર જહાજ હતું અને જ્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમાં 22 ક્રૂ મેમ્બર્સ હતા. તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

તમને જણાવી દઈએ કે જે જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે લંડન સ્થિત ઝોડિયાક મેરીટાઇમ કંપનીનું છે અને તે ઈઝરાયેલના અબજોપતિ અલ ઓફરના ઝોડિયાક ગ્રુપનો ભાગ છે. યમનના હુથી વિદ્રોહીઓએ હજુ સુધી અમેરિકન જહાજ પર મિસાઈલ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. યમન સરકારે આરોપ લગાવ્યો છે કે હુથી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો છે. 

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં પણ હુથી વિદ્રોહીઓએ એક ટ્રાન્સપોર્ટ જહાજ કબજે કર્યું હતું. જે જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું તે પણ ઈઝરાયેલનું હતું. હકીકતમાં, હુથી બળવાખોરોએ યમનની સરહદ નજીક ઇઝરાયેલના જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી. 

Most Popular

To Top