National

ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની સઘન સુરક્ષા

નવા દિલ્હી: (New Delhi) પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને (Yasin Malik) ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની વિશેષ અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે. આ પહેલા NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરી હતી. સજાની જાહેરાત પહેલા કોર્ટરૂમની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. યાસીન મલિકના વકીલના કહેવા પ્રમાણે, તેમની સંપત્તિની જાણ થઇ છે. મલિક પાસે 11 કનાલ એટલે કે લગભગ 5564 ચોરસ મીટર જમીન છે, જેને તેણે વડીલોપાર્જિત ગણાવી છે. કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ કાશ્મીર ઘાટીમાં યાસીન મલિકના ઘરની બહાર મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા, જેઓ યાસીનના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરી દેવાઈ છે. ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વાતાવરણ તંગ છે, પોલીસ અને અન્ય સુરક્ષા દળો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

પટીયાલા કોર્ટ બહાર સુરક્ષા વધારી
આ પહેલા ગુરુવારે કોર્ટે યાસીનને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. આ પહેલા યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સજા પર કોર્ટમાં ચર્ચા થઈ હતી. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પટિયાલા કોર્ટ સંકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. CAPF, સ્પેશિયલ સેલના જવાનોને પટિયાલા કોર્ટની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શ્રીનગરમાં બજારો બંધ કરાવી દેવાયા છે.

યાસીન મલિકનાં ઘરની બહાર પણ સુરક્ષા વધારી
યાસીન મલિકનું ઘર શ્રીનગર પાસે મૈસુમામાં છે. મલિકના ઘરની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. યાસીન મલિકના ઘર પાસે મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. તેમજ ઘરની બહાર પથ્થર કરવામાં આવ્યા હતો. જેથી સુરક્ષાબળોએ ટીયર ગેસના સેલ છોડયા હતા.

સજા પર કંઈ નહીં બોલીશ – યાસીન મલિક
કોર્ટરૂમમાં હાજર વકીલ ફરહાને જણાવ્યું કે યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે તે સજા પર કંઈ નહીં બોલે. કોર્ટે તેને ખુલ્લેઆમ સજા કરવી જોઈએ. મલિકે કહ્યું, મારી તરફથી સજાની કોઈ વાત થશે નહીં. સાથે જ NIAએ યાસીન મલિકને ફાંસી આપવાની માંગ કરી હતી. આ પછી યાસીન મલિક 10 મિનિટ સુધી શાંત રહ્યો. યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે મને જ્યારે પણ કહેવામાં આવ્યું ત્યારે મેં આત્મસમર્પણ કર્યું, બાકી કોર્ટ જે યોગ્ય લાગે તે કરવા તૈયાર છે.

કોર્ટે દોષિત જાહેર કર્યા
કોર્ટે કહ્યું છે કે મલિકે ‘આઝાદી’ના નામે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી વિશ્વવ્યાપી નેટવર્ક સ્થાપ્યું હતું. એનઆઈએએ આ મામલામાં 30 મે 2017ના રોજ કેસ નોંધ્યો હતો. આ કેસમાં 18 જાન્યુઆરી 2018ના રોજ એક ડઝનથી વધુ લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કોર્ટમાં કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન, JKLF, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાનની ISIના સમર્થનથી ભારતમાં મોટા પાયે નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા કરી ખીણમાં મોટા પ્રમાણમાં હિંસાને અંજામ આપ્યો હતો.

યાસીન મલિકે ગુનો કબૂલી લીધો
યાસીન મલિકે કોર્ટને જણાવ્યું હતું કે તે કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્યો કરવાનું કાવતરું), અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) માટે દોષિત છે. UAPA અને ભારતીય તે પીનલ કોડની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતા નથી.

યાસીન મલિકને સજા સંભળાવવા પર પાકિસ્તાન લાલઘુમ
યાસીન મલિકને લઈને પાકિસ્તાનમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તમામ દેશોને મોદી સરકારના આ પગલાનો વિરોધ કરવાની અપીલ કરી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ યાસીન મલિકને દોષિત ઠેરવવા બદલ ભારતની ટીકા કરી છે. આ ઉપરાંત ઇમરાન ખાને યાસીન મલિક મામલે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેને જણાવ્યું કે, મોદી સરકારે યાસીન સામે ખોટા આરોપો લગાવી ગેરકાયદેસર રીતે જેલમાં બંધ કર્યો છે. તો પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભૂટ્ટોએ જણાવ્યું કે, યાસીન મલિકને દોષિત જાહેર કરવા બદલ ભારતીય અદાલતની નિંદા કરું છે. તો ઇમરાનખાનનાં સુચના મંત્રી ફવાદ ચૌધરીએ યાસીન મલિકને હીરો ગણાવ્યા હતા.

Most Popular

To Top