National

વાવાઝોડા “યાસ” ની અસર દેખાવાની શરૂ: બંગાળ ઓડિશામાં વરસાદ, સાંજ સુધી ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા

બંગાળ અને ઓડિશામાં (Bengal and Odisha) યાસ વાવાઝોડું (Yaas Cyclone) ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે મંગળવારની સાંજ સુધીમાં તે વધુ ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. તે 26મી મેના રોજ ઓડિશાના બાલાસોર પાસે દસ્તક આપશે. 26મી મેના રોજ તેની તીવ્રતા વધશે. જો કે તેની અસર કેટલીક જગ્યાઓ પર સોમવારે જ દેખાવવા માંડી હતી. જેના કારણે હવામાન ખાતાએ યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની અલર્ટ (Alert) જાહેર કરી છે. 26મીની સવારે ઓડિશાના તટ પર ઓછા દબાણના આ વિસ્તારના કારણે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આ પહેલાં મંગળવારથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત યાસ આગામી 24 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાશે. યાસ બુધવારે બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. ચક્રવાત ટકરાયા બાદ લોકોને ભારે આફતથી બચવા સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. તે જ સમયે, ગૃહમંત્રાલયે ચક્રવાત યાસથી પ્રભાવિત તમામ રાજ્યોને ખાતરી આપી છે કે મંત્રાલય તેમની સહાય માટે 24 કલાક તૈયાર રહેશે.

આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે 26 મેની બપોરે ચક્રવાત યાસ ઉત્તરી ઓડિશા અને બંગાળના દરિયાકાંઠે ટકરાશે. પવન 165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને 2 મીટરથી 4.5 મીટર સુધી મોજાં ઊછળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાકાંઠે ત્રાટકતાં પહેલાં યાસ ખૂબ જોખમી હોઈ શકે છે. દરિયાકાંઠાથી પસાર થયા પછી બુધવારે બપોર સુધીમાં એની અસરમાં વધુ વધારો થવાની સંભાવના છે.

ઓડિશામાં મહત્તમ 52 અને પશ્ચિમ બંગાળમાં 45 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બાકીની ટીમો આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઝારખંડ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને ટ્વિટ કર્યું છે કે પ્રથમ વખત મહત્તમ ટીમો બે રાજ્ય ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગોઠવવામાં આવી છે. વાવાઝોડા મુદ્દે ઓડિશાના બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંઘપુર, મયૂરભંજ અને કેઓનઝાર જિલ્લાઓને હાઇ રિસ્ક જાહેર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top