નડિયાદ: નડિયાદના વીઝા એજન્ટે રોમાનીયા વર્ક પરમીટ માટે 40 ક્લાયન્ટો તેમજ યુ.કે સ્ટુડન્ટ વીઝા માટે 20 ક્લાયન્ટો તૈયાર કરી તેમના ઉપરી વીઝા એજન્ટને રૂપિયા જમા કરાવ્યાં હતાં. પરંતુ, તેઓએ ખોટા જોબ ઓફર લેટર તેમજ સ્પોન્સરશીપ લેટર મોકલી કુલ રૂ.57,00,000 ની છેતરપિંડી આચરી હતી. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે છેતરપિંડી આચરનાર ત્રણેય વીઝા એજન્ટ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના અમદાવાદી બજારના ગાંધીપોળમાં રહેતાં સંદિપભાઈ નવીનચંન્દ્ર પરીખ છેલ્લા ચારેક વર્ષથી વીઝા એજન્ટનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ વડોદરાના રોનક પરીખ પાસેથી ડેસ્ટીની વિઝા વર્લ્ડ પ્રા.લિ ની ફ્રેન્ચાઈઝી લઈ, શહેરના ખેતા તળાવ નજીક તેની ઓફિસ પણ ખોલી છે. દરમિયાન જાન્યુઆરી-2021 માં રોનક પરીખે ઓછું ભણેલા યુવકો માટે રોમાનીયા વર્ક પરમીટની ઓફર સંદિપભાઈને સમજાવી હતી.
જે મુજબ સંદિપભાઈએ 40 જેટલાં ક્લાયન્ટોને રોમાનીયા વર્કપરમીટ મેળવવા માટે તૈયાર કર્યાં હતાં અને તમામ પાસેથી ટોકન પેટે 40-40 હજાર મળી કુલ રૂ.16,00,000 ઉઘરાવી, રોનક પારેખને મોકલાવ્યાં હતાં. જેના એકાદ મહિના બાદ રોનક પારેખે રોમાનીયાની ફાર્મિંગ કંપનીના એગ્રીકલ્ચર વર્કર તરીકેના જોબ ઓફર લેટર મોકલ્યાં હતાં. જે બાદ સંદિપભાઈએ જોબલેટર ઉપર જે તે ક્લાયન્ટની સહી કરાવી પરત રોનક પારેખને મોકલ્યાં હતાં. તેની સાથે દરેક ક્લાયન્ટના પી.સી.સી અને મેડિકલ પણ મોકલ્યાં હતાં. જોકે, તેના ઘણાં દિવસો વીતી ગયાં બાદ પણ પરમીટ લેટર ન આવતાં સંદિપભાઈએ તપાસ કરી હતી. જેમાં રોનક પારેખે મોકલેલા દરેક ક્લાયન્ટોના જોબ ઓફર લેટર ખોટા હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી સંદિપભાઈએ આ મામલે રોનક પારેખ સાથે વાતચીત કરી હતી અને ક્લાયન્ટોએ ટોકન પેટે ભરેલાં રૂપિયા પરત માંગ્યાં હતાં. જે તે વખતે રોનક પારેખે થોડા-થોડા કરી માત્ર 4,00,000 રૂપિયા જ સંદિપભાઈને પરત આપ્યાં હતાં. જ્યારે સંદિપભાઈએ બાકીના 12,00,000 રૂપિયા પરત માંગતાં રોનક પારેખે જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે બાદ સંદિપભાઈએ પોતાની સાથે તેમજ ક્લાયન્ટો સાથે છેતરપિંડી આચરનાર રોનક પારેખ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
જે બાદ સંદિપભાઈએ પોતાના મિત્ર આશીષ (રહે.નડિયાદ) અને તેના પાર્ટનર જીગરભાઈ (રહે.પેરિસ, ફ્રાન્સ) સાથે કામ શરૂ કર્યું હતું. દરમિયાન આશીષે હાલ, આઈ.ઈ.એલ.ટી.એસની પરીક્ષા આપ્યાં વિના સ્ટુડન્ટ વીઝા થકી યુ.કે ની કોલેજમાં એડમીશનની સ્કીમ ચાલતી હોવાનું સંદિપભાઈને જણાવ્યું હતું જે બાદ સંદિપભાઈએ આ સ્કીમ હેઠળ 20 ક્લાયન્ટોને યુ.કે ના સ્ટુડન્ટ વીઝા માટે તૈયાર કરી ફી પેટે કુલ 45,00,000 લઈ આશીષભાઈને જમા કરાવ્યા હતાં. જેના થોડા દિવસો બાદ લંડનથી ક્લાયન્ટોના અવોડીંગ બોર્ડીના સર્ટી તેમજ સર્ટીફિકેટ ઓફ સ્પોન્શરશીપ લેટર આવ્યાં હતાં. આ બંને કિસ્સાઓમાં મળી કુલ રૂ.57,00,000 ની છેતરપિંડી થઈ હોવાની ફરીયાદ સંદિપભાઈ પરીખે નડિયાદ ટાઉન પોલીસમથકમાં આપી છે.