નવી દિલ્હી: ભારતીય કુશ્તીમાં નામના મેળવનાર કુસ્તીબાજો (Wrestlers) આજે બીજા દિવસે પણ જંતર-મંતર ખાતે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીના દિગ્ગજ ખેલાડીઓ (Players) સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય ખ્યાતનામ ખેલાડીઓ સતત બીજા દિવસે જંતર-મંતર પર બેસીને કુસ્તી મહાસંઘ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ધરણા દરમિયાન તમામ કુસ્તીબાજોએ મહાસંઘના પ્રમુખ પર અનેક આક્ષેપો કર્યા છે. આ દરમિયાન રમતગમત મંત્રાલયના અધિકારીઓએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે પણ ચર્ચા કરી હતી. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પોતે કહ્યું છે કે ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે. હું આજે જ બધા સાથે ચર્ચા કરીશ. આ માટે અનુરાગ ઠાકુરે આજે તમામ ખેલાડીઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.
આ વચ્ચે રમત મંત્રી અનુરાગ ઠાકુરે પહેલીવાર મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. ખેલ મંત્રી ઠાકુરે કહ્યું કે તેઓ આજે રાત્રે તમામ ખેલાડીઓને મળશે અને તેમની ફરિયાદો સાંભળશે. જાણકારી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુરાગ ઠાકુરે તમામ ખેલાડીઓને રાત્રે 10 વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર ડિનર માટે બોલાવ્યા હતાં. આ મામલા અંગે અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. હું ચંદીગઢથી દિલ્હી પાછો જઈ રહ્યો છું અને તમામ ખેલાડીઓને મળીશ. તેઓની વાત સાંભળીશ, ખેલાડીઓ અને રમતના હિતમાં જે પણ પગલું ભરવાનું હશે તે હું ઉઠાવીશ.
વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ફેડરેશનની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ધરણા પર બેઠેલા કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી ગુનેગારોને સજા નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે. કોઈપણ રમતવીર કોઈપણ ઈવેન્ટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને દંગલ ગર્લ અને બીજેપી નેતા બબીતા ફોગટનું પણ સમર્થન મળ્યું છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રમત મંત્રાલય તરફથી બ્રિજ ભૂષણ સિંહને 1 દિવસમાં ફેડરેશનના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને મંત્રાલય તરફથી ફોન કરીને સૂચના આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તે આમ નહીં કરે તો તેને હટાવી દેવામાં આવશે.