નવી દિલ્હી : સોમવારે જ્યારે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (World yoga day) છે ત્યારે કોવિડ-19ના રોગચાળાને પગલે દેશમાં જાહેર મેળાવડાઓ પર મૂકાયેલા નિયંત્રણોને ધ્યાનમાં રાખીને કોઇ જાહેર યોગ કાર્યક્રમો (no public event) આ વર્ષે પણ નહીં થાય પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિન-2021 નિમિત્તે યોજાનાર મુખ્ય કાર્યકમનું ટેલિવિઝન પર પ્રસારણ (telecast) કરવામાં આવશે, જેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન (pm modi address) પણ દર્શાવવામાં આવશે એમ આયુષ મંત્રાલયે આજે જણાવ્યું હતું.
આ કાર્યક્રમ 21 મી જૂને સવારે 6.30 કલાકે દૂરદર્શનની તમામ ચેનલો પર શરૂ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના પ્રવચન ઉપરાંત રાજ્ય કક્ષાના આયુષ મંત્રી કિરણ રિજિજુનું સંબોધન અને મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગા દ્વારા જીવંત યોગ પ્રદર્શનનું પણ પ્રસારણ કરવામાં આવશે એ મુજબ આયુષ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એવા સમયે આવ્યો છે કે જ્યારે વિશ્વ હજી પણ કોવિડ-19ના રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. ગયા વર્ષે તો આ સમયે વૈશ્વિક સ્થિતિ વધુ ખરાબ હતી.
આયુષ મંત્રાલય એ યોગ દિન માટેનું નોડલ મંત્રાલય છે અને તેણે વ્યક્તિના આરોગ્યમાં યોગની ભૂમિકાને પ્રદર્શિત કરવાનું કાર્ય કર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ યોગ ફોર વેલનેસ છે. આ દિવસે જાહેર કાર્યક્રમોના અભાવે અનેક ડિજિટલ કાર્યક્રમોનું આયોજન આ વખતે આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. વિદેશોમાંના ભારતીય મિશનો પણ તેમના પોત પોતાના દેશમાં યોગ દિન નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે એમ નિવેદનમાં જણાવાયું હતું.