Vadodara

મિલકતો પચાવી પાડવા ડાંગો સાથે ધસી આવેલા ભરવાડોની વેપારીઓને મારી નાખવાની ધમકી

વડોદરા : વડોદરા શહેરમાં આજવા રોડ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં આવેલી જમીન પર બંધાયેલી દુકાનો અને મકાનમાલિકો લાખો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડ સપાટી પર આવ્યા છે. ડાંગો સાથે ધસી આવેલી માથાભારે ભરવાડ ટોળકીએ વેપારીઓને બેફામ અપશબ્દો બોલી રાતોરાત જગ્યા ખાલી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધી ટોળકી પૈકીના સાત શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ ઉપર રહેતા રાજેશભાઈ પારવાણી કિશનવાડી ચાર રસ્તા ખાતે ફર્નિચરની દુકાન ધરાવે છે. નવઘણ ભરવાડ,  ઝાલા ભરવાડ સહિત અન્ય ચાર ઈસમો ડાંગો લઇ ધસી આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ અમારી મિલકત છે તમારા મકાનનું રીનોવેશન બંધ કરો. જેથી રાજેશભાઈએ પુરાવાની માંગણી કરતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત શખ્સોએ ફિલ્મી ઢબે ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આજવા રોડ ઉપર રહેતા મહેશભાઈ પરમાર ઘર નીચે જ હાર્ડવેરની દુકાન ધરાવે છે. તેમનો પુત્ર દુકાને હાજર હતો તે સમયે નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ, ગોવિંદ ભરવાડ સહિત અન્ય બે શખ્સો હાથમાં લાકડીઓ સાથે ઝનૂનભેર ધસી આવ્યા હતા. અને અપશબ્દો બોલી તાત્કાલિક દુકાન ખાલી કરી નાખવાની ચીમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સ્થાનિક લોકો સામે આતંક મચાવનાર આરોપીઓએ ધમકાવ્યા હતા કે અમારી ઉપર ઘણા કેસ છે તમારો એક કેસ વધશે તો કોઈ ફરક નહીં પડે. આજવા રોડ પર રહેતા કલ્પેશભાઈ પંડ્યા જનકલ્યાણ સોસાયટી ખાતે પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. તેઓ પણ ટોળકીનું નિશાન બન્યા હતા. નવઘણ ભરવાડ,  ઝાલા ભરવાડ અને ગોવિંદ ભરવાડ હાથમાં ડાંગ લઇ હોંકારા પડકારા કરતા તેમની દુકાનમાં બળજબરી પુર્વક ધસી ગયા હતા અને ધમકી આપી હતી કે, પાણીની નવી પાઇપ લાઇન નાખવાનું કામ બંધ કરાવી દે. તારા મકાનમાં અમે ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરીશું.

ભરવાડ ટોળકીનો ભોગ બનનાર સ્થાનિક રહીશોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ.મિલકતોના ભાવ વધી જતા પચાવી પાડવાના ઈરાદે છેલ્લા ઘણા સમયથી હાહાકાર મચાવે છે પોલીસને બોલાવી એ છે તો પણ ભરવાડોની સામે હરફ સુદ્ધા ઉચ્ચારી શકતા નથી. કાયદા કાનૂનને ઘોળીને પી ગયેલા ભરવાડોના આતંકથી પરિવાર થરથર ધ્રૂજે છે. સુરક્ષા અને સલામતી નેવે મૂકાઇ ગઇ હોય તેમ હવે અમારે અહીરહેવું કેવી રીતે એ જ સમજાતું નથી. જૉ કે લેન્ડ ગ્રેબલિંગ જેવી ઘટના અંગે બાપોદ પોલીસ મથકના પી.આઈ યુ જે જોશી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ઘટના સ્થળના તમામ સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. જેની ઉંડી ચકાસણી બાદ આરોપીઓની વિરુદ્ધમાં કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

Most Popular

To Top