પૃથ્વી પર વાસ્તવિક જન્મ પામતાં અગાઉ શું હશે તે માત્ર એક શક્યતા અને કલ્પનાનો વિષય બને છે. પરંતુ જન્મની પ્રથમ ક્ષણથી જ આ જગતનો અતૂટ સ્પર્શ પ્રારંભાય છે. પ્રતિક્ષણ જીવન સ્પર્શતું જ રહે છે. સુખ-દુઃખમિશ્રિત અગણિત લાગણીઓનાં રૂકાવટહીન સ્પર્શ જ જીવન છે એમ નહીં કહી શકાય? જીવન માત્ર અને માત્ર સ્પર્શયાત્રા જ છે એવી સમજ મોખરે રાખી શકાય? સામાન્ય અર્થમાં ત્વચાસ્પર્શને સ્પર્શ યા અડકવું ગણાય, જેમાં માત્ર એક જ સ્પર્શેન્દ્રિય પ્રસ્તુતિ પામે. પરંતુ લાગણીઓ આંતરિક પ્રક્રિયા છે જેનો સીધો સંબંધ બાહ્ય બળો (stimulus) પર અવલંબે છે. ઈન્દ્રિયો દ્વારા બાહ્ય પરિસ્થિતિની અસર આપણી આંતરિકતામાં સતત પહોંચતી રહે છે.
લાગણી આંદોલનો (emotional vibrations)નું ઉદ્ભવસ્થાન (epicenter) સ્પર્શ છે જે ત્વચાસ્પર્શ ઉપરાંતનો પણ હોય છે. જ્ઞાનેન્દ્રિયોની સતેજતાના પ્રમાણમાં એનો અનુભવ થાય છે. આવો ચેતનાસ્પર્શ પોતે મૂક પ્રક્રિયા છે પરંતુ એમાંથી સર્જાતા કંપનો મૂક યા બિનઅસરકારક નથી હોતાં. આપણે એને અનુભવ કહીએ છીએ જે ખરેખર તો ઘણી જટિલ (complex) પ્રક્રિયાનું પરિણામ છે. દરેક અનુભવ અનોખો હોવાથી તેની વિવિધ અસર માનસપટ પર કરતો હોય છે.
સ્મૃતિશક્તિના સપ્રમાણ અનુભવોની અસર વત્તીઓછી ટકતી હશે અને એનું આંતરિક ગૂંજન (echo) પણ થતું રહે છે જેને કદાચ આપણે યાદદાસ્ત તરીકે જાણીએ છીએ. ક્રોધ, ચિંતા, નિરાશા, ભય, અદેખાઈ, હતાશા, શંકા, નિરસતા જેવી અગણિત લાગણીઓ તેમજ એથી વિપરીત આનંદ, ઉલ્લાસ, હર્ષ, સંતોષ, પરિતૃપ્તિ જેવી સુખદ લાગણીઓનો ઉદ્ભવ પણ બાહ્ય ઉત્તેજક બળોથી અનુભવાતો હોય છે. બહારથી ઈલેકટ્રીસીટી મેળવવા માટે ફ્યુઝ (fuse)નો ઉપયોગ કરવાનો હોય છે તેમ બાહ્યબળો ઈન્દ્રિયોના ફ્યુઝ થકી આપણી આંતરિકતા યા ચેતના (consciousness)માં પ્રવેશ પામી વિવિધ લાગણીઓ પેદા કરે છે. ઈન્દ્રિયોનું કર્મ જ બાહ્ય પરિસ્થિતિને આંતરિકતામાં પહોંચતું કરવાનું છે. તમામ લાગણીઓના ઉદ્ભવ માટે બાહ્ય-આંતરિકનું એક અદ્ભુત સ્પર્શમિશ્રણ જરૂરી બને છે.
કદાચ આપણી આંખ સૌથી વધુ કંપનો જન્માવે છે પણ અંધજન પણ લગભગ દૃષ્ટિવાળા જેટલા જ અનુભવ કરે છે જે બાબત પુરવાર કરે છે કે દૃષ્ટિસ્પર્શ અનિવાર્ય નથી. અંધજનને દૃષ્ટિ સિવાયના કોઈ બીજા જ સ્પર્શ સરખી જ અસર પેદા કરે છે. વિકલાંગો યા ખોડખાંપણવાળો વર્ગ કયારેક અદ્ભુત નિપુણતા પ્રાપ્ત કરે છે. તેમનામાં ખૂટતી ઈન્દ્રિયના સ્પર્શ ઉપરાંતના સ્પર્શનું બળ કામ કરે છે. જે બાહ્ય દેખીતી ક્ષતિને અવરોધક નથી બનવા દેતું. અર્જુનની અદ્વિતીય આંતરિક ક્ષમતા શ્રીકૃષ્ણે બરાબર ઓળખી હતી. ગીતા ઉપદેશ માત્ર અર્જુનને ગહન વાસ્તવિકતાના ઊંડાણનો માનસિક સ્પર્શ કરાવવાની ઉત્કૃષ્ટ ચેષ્ટા છે. શ્રીકૃષ્ણના શબ્દધ્વનિની માર્મિકતા અંતે અર્જુનની વિવેકસીમા સુધી સ્પર્શી શકી જેના પરિણામરૂપ કુરુક્ષેત્ર યુધ્ધ પ્રયોજાયું. અર્જુનના વિવેકસ્પર્શ માટેનો અનોખો વ્યાયામ એ જ ગીતાસર્જન છે. ગીતા અધ્યયન એ કદાચ કૃષ્ણસ્પર્શ ગણી શકાય?
આવા અભિગમને બળ એટલા માટે મળવું ઘટે કારણ આ માત્ર માનસિક પ્રક્રિયા છે જે તેટલી ક્ષણો પૂરતી પણ પવિત્રતા યા જ્ઞાનાનુભવ કરાવવાની ક્ષમતા ધરાવે જ છે. વર્તનમાં કહેવાતી ધાર્મિકતાનું મિશ્રણ કઠીન અને વિવાદાસ્પદ છે. પરંતુ અધ્યયન દ્વારા અનુભવાતાં ક્ષણિક સ્પંદનો મૂલ્યવાન ગણાય. બીજા કોઈ પણ ધાર્મિક યા વર્તન વિષેના ઉપદેશ અંગે પણ આ બાબત કદાચ એટલી જ સાચી હશે. ધાર્મિકતા અંગેનું શ્રવણ, અધ્યયન યા મનન પણ પોતાના અસ્તિત્વ વિષે ક્ષણિક (ephemeral) ભલે પણ કાંઈક લાક્ષણિક (distinct) સ્પર્શ કરાવે છે. આવી ભાવનાશીલતાનો સીધો સંબંધ હૃદય સાથે છે પણ ફરી એ ક્ષણિક સ્પર્શની અસર વિખરાઈ જઈ મગજના કાબૂમાં આવી જાય છે.
દિલીપ કાપડીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.