એ તો નક્કી છે કે કોઈ અભિનેત્રી ગમે તેટલી સારી હોય, બ્યુટીફુલ હોય પણ તેથી તે પોતાના દમ પર કારકિર્દી બનાવી શક્તી નથી. તેણે વ્યવસાયિક રીતે ટોપ પર જવું હોય તો મોટા સ્ટાર્સનો આધાર લોવો જ પડે છે. શું તાપસી પન્નુ આ સમજી ગઈ છે કે પછી પોતાના દમ પર જ પૂરવાર થવાની જીદમાં છે? રાજકુમાર હીરાનીની ‘ડંકી’માં તે શાહરૂખખાનની હીરોઈન લેવા ટેવાયેલો નથી. ‘મુન્નાભાઈ MBBS’માં સંજય દત્ત સામે ગ્રેસી સિંઘ હતી. લગે રહો મુન્નાભાઈમાં વિદ્યા બાલન. હા ‘થ્રિ ઈડિયટ્સ’માં તેણે કરીના કપૂરને લીધી હતી અને ‘પીકે’માં અનુષ્કા શર્મા હતી. ‘સંજુ’માં ય ત્રણેક અભિનેત્રી ભેગી કરેલી પણ બેઝિકલી તેની ફિલ્મમાં હીરોઈનનું મહત્વ હીરો અને તેના સાથી અભિનેતાથી ઓછુ હોય છે.
હવે ‘ડંકી’માં તાપસી છે. શાહરૂખ હવે ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ને ‘કુછ કુછ હોતા હે’સમયની પોઝિશન પર નથી. તેની સ્ટારવેલ્યુ હવે દરેક ફિલ્મે રહસ્ય ઊભું કરે છે ને એવા સમયે તાપસી તેની હીરોઈન બની છે. આ રીતે ‘ખેલ ખેલ મેં’તે અક્ષયની સાથે આવશે. ક્યારેક થાય કે રણબીર, વરુણ, કાર્તિક, શાહીદ પ્રકારના હીરોની સાથે કામ કેમ નથી કરતી? તેણે પોતાની દિશા હવે નક્કી કરવી પડશે. હમણાં તેની એકેય ફિલ્મ સફળ નથી રહી. ‘દોબારા’,‘શાબાશ મીઠુ’,‘તડકા’, ‘બ્લર’સહિતની ફિલ્મો માર ખાય ગઈ છે.
ખૂબ આશા જગાવ્યા પછી તે પછડાટ અનુભવી રહી છે. શું હવેની પાંચ ફિલ્મમાં તે પોતાની નિયતી બદલી શકશે? તે પ્રતિક ગાંધી, વિક્રાંત મેસ્સી વગેરેના પોતાના હીરો તરીકે માન્ય રાખશે તો તેની સ્ટાર વેલ્યુ ડાઉન જશે. અભિનેત્રી જ્યારે ચમક ગુમાવવા માંડે તો પ્રેક્ષકો સામે ઓશિયાળી લાગવા માંડે છે. અલબત્ત, તાપસીની દશા હજુ એવી નથી પણ હવે દરેક કળાકારો માટે નિર્ણયાત્મક રીતે કામ કરવાનો વખત આવી ગયો છે. કઈ ફિલ્મ ચાલશે ને કયા કળાકારો ચાલશે તેનો અંદાજ બાંધવો મુશ્કેલ બની ગયો છે.
અભિનેતા હોય કે અભિનેત્રી હવે તેમને મોટા બનવા માટે મોટા બેનરની ફિલ્મ જરૂરી બની ગઈ છે કારણ કે એવા બેનર પોતાની ફિલ્મો અને પોતાના અભિનેતા-અભિનેત્રીનો ઘણો પ્રચાર કરી શકે છે. પ્રચાર વિના સ્ટાર્સની પબ્લિક ઈમેજ બનતી નથી તાપસી એવી ફિલ્મો પસંદ કરે છે જે ઘણીવાર તેને ધીમી પાડે છે. લોકો સારા પર્ફોમન્સ માત્રથી ખુશ નથી થતા તેમને મનોરંજન જોઈએ છે. પોતાની અભિનય પ્રતિભા અંગત પ્રશંસા પૂરતી મર્યાદિત બની જાય તે ન ચાલે. તાપસી પન્નુએ ડંકો વગાડવો હોય તો ‘ડંકી’જેવી વધુ ફિલ્મો લેવી જોઈએ. બાકી, તેનામાં કંગના બનવાની તાકાત નથી. •