નવી દિલ્હી: દેશમાં કરોડો લોકો ખાનગી નોકરી કરે છે, તેમના માટે પ્રોવિડન્ડ ફંડ (PF) એક મોટો આધાર છે. કારણ કે પીએફ પર સૌથી વધુ વ્યાજ મળે છે અને તેમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે જેના લીધે પીએફ ખાતાધારકોને મોટો ઝટકો લાગી શકે છે.
આવનારા દિવસોમાં પીએફ પરનું વ્યાજ ઘટી શકે છે. જો આમ થશે તો 6.5 કરોડથી વધુ લોકોને અસર થશે. સરકાર પીએફ પર વ્યાજ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. કારણ કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, EPFOને સરપ્લસના અંદાજ બાદ ભારે નુકસાન થયું હતું.
ખરેખર 2021-22ના સમયગાળા દરમિયાન ઈપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયા સરપ્લસ રહેશે તેવું અનુમાન હતું, પરંતુ તેનાથી વિપરિત 197.72 કરોડનું નુકસાન થયું હતું. ત્યાર બાદ પીએફ પર આપવામાં આવતા વ્યાજના દર પર ફેરવિચારણા કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે સરકાર તરફથી આ મામલે કોઈ અધિકૃત માહિતી ઉપલ્બ્ધ કરાવાઈ નથી.
આ સંદર્ભે સરકારે વધુ એક નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે ઈપીએફઓ ડિપાર્ટમેન્ટ શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે. સમાચાર અનુસાર હવે નાણામંત્રાલયની મંજૂરી વિના ઈપીએફઓ પીએફ પર વ્યાજ દર અંગે કોઈ જાહેરાત કરશે નહીં. ખરેખર અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) કેન્દ્રીય ન્યાસી બોર્ડ (સીબીટી) દ્વારા નાણામંત્રાલયની મંજૂરી પહેલાં વ્યાજ દરો વિશે માહિતી આપી શકતી હતી. જોકે હવે સરકાર ગ્રીન સિગ્નલ આપે ત્યાર બાદ જ લોકોને પીએફ પર વ્યાજ દરમાં ફેરફાર અંગે માહિતી મળી શકશે.
નિયમ અનુસાર હવે પીએફ પર પ્રસ્તાવિત વ્યાજ દરની મંજૂરી માટે ઈપીએફઓ નાણામંત્રાલયને મોકલશે. મંત્રાલયની મંજૂરી પછી જ આંકડા સાર્વજનિક કરી શકાશે. જાણાકારો આ નિર્ણયને વ્યાજ દરમાં ઘટાડા તરીકે જુએ છે.
સરકારે પીએફ પર આપવામાં આવતા વ્યાજ દરો અંગે નવેસરથી વિચાર કરવાનો નિર્ણય કેમ લીધો છે. તેની પાછળ એક તર્ક એવો છે કે અત્યારે પણ પીએફ પર મળતા વ્યાજ નાની બચત યોજનાઓની સરખામણીએ વધુ છે. માત્ર સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમમાં જ પીએફ કરતા વધુ વ્યાજ મળે છે.સિનિયર સિટિઝન્સ સ્કિમમાં 8.20 ટકા વાર્ષિક વ્યાજ છે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત તમામ નાની બચત યોજનામાં વ્યાજ દર પીએફની સરખામણીએ ઓછા છે. નાણામંત્રાલય તેથી લાંબા સમયથી વ્યાજ દર ઘટાડીને 8 ટકાથી ઓછી કરવાની દલીલ કરી રહ્યું છે.