મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે યુક્રેન શહેર બરબાદ થઇ ગયું છે. યુદ્ધની જંગ શરૂ કરતા વિશ્વના અનેક દેશોએ રશિયાનો બહિષ્કાર કર્યો હતો અને તેના પર આર્થિક પ્રતિબંધો લાગુ કરી દીધા હતા. જો કે રશિયા આ આર્થિક પ્રતિબંધો વિરૂદ્ધ હતો. આ બધા વચ્ચે રશિયાનો એક વિડીયો સામે આવ્યો છે. જેને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વિડીયોમાં રશિયા દ્વારા અન્ય દેશોનો બહિષ્કાર કરતા પોતાના રોકેટ પર લગાવવામાં આવેલા કેટલાક દેશોના ઝંડાઓનાં ફોટા હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેણે ભારત દેશનાં તિરંગાને હાથ પણ નથી લગાવ્યો.
- યુદ્ધના પગલે અન્ય દેશોના પ્રતિબંધોથી રશિયા નારાજ
- પ્રતિબંધ લગાવનાર દેશોનો કર્યો બહિષ્કાર
- સ્પેસ રોકેટ પરથી કેટલાક દેશોના ઝંડાઓનાં ફોટા હટાવાયા
- ભારતનાં તટસ્થ વલણનાં કર્યા વખાણ
રશિયા સ્પેસ એજન્સીનાં વડાએ વિડીયો વાયરલ કર્યો
આ વીડિયો રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને ટ્વીટ કર્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો બૈકોનુરનો છે. આ દક્ષિણ કઝાકિસ્તાનમાં સ્થિત સ્પેસ કોસ્ટ છે, જે રશિયા દ્વારા લીઝ પર આપવામાં આવે છે. દિમિત્રી રોગોઝિને ટ્વિટ કરેલા વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સ્પેસ સ્ટેશનનો સ્ટાફ અમેરિકા સહિત કેટલાક દેશોના ધ્વજને ઢાંકી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા દિમિત્રી રોગોઝિને લખ્યું છે કે, ‘બાઈકોનુરમાં લોન્ચર્સે માન્યું કે અમારા રોકેટ કેટલાક દેશોના ધ્વજ વિના વધુ સુંદર લાગશે.
યુદ્ધ મામલે ભારતનું સ્ટેન્ડ ક્લીયર
ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પર તટસ્થ વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમારી પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવાની છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત યુદ્ધવિરામનું સમર્થન કરે છે. આ સાથે તેણે યુક્રેનના પડોશી દેશોને પણ સરહદ પાર કરવાની પરવાનગી આપવા બદલ આભાર માન્યો હતો. ભારતે યુએનમાં કહ્યું કે મતભેદો માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે.
યુદ્ધ દરમ્યાન આ વેબસાઈટ કરાઈ હતી હેક
ઉલ્લેખનીય છે કે યુદ્ધ દરમિયાન રોસકોસમોસની વેબસાઈટને પણ હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જોકે, સ્પેસ સ્ટેશનનું સર્વર આ સાયબર હુમલાથી સુરક્ષિત હતું. આ માહિતી રશિયન સ્પેસ એજન્સીના ચીફ દિમિત્રી રોગોઝિને આપી હતી. નોંધનીય છે કે અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની સહિત ઘણા દેશો રશિયા વિરુદ્ધ છે. બધાએ તેના પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. જેની સામે પુતિને નારાજગી દર્શાવી છે તેમજ તે દેશોને ચેતવણી પણ આપી છે.