વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ રોકવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ ભારતના મણિપુર રાજ્યમાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા રોકવામાં તેઓ નિષ્ફળ ગયા છે. ૧૫ નવેમ્બરની રાત્રે અહીં ફરી હિંસા શરૂ થઈ. આ વખતે તોફાની ટોળાએ મુખ્યમંત્રીના જમાઈનું ઘર સળગાવી દીધું હતું. એટલું જ નહીં, કેટલાક ધારાસભ્યોનાં ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. મણિપુરમાં મીતેઈ, કુકી અને નાગા આદિવાસીઓ વચ્ચેનો ઝઘડો જૂનો છે. મીતેઈ લોકો પોતાના માટે એક આદિજાતિનો દરજ્જો મેળવવા માંગે છે, પરંતુ નાગા અને કુકી તેમને આ દરજ્જો ન આપવા માટે આંદોલન કરી રહ્યા છે.
મીતેઈ બહુમતીમાં હોવાથી અને રાજ્ય સત્તામાં ઘણો પ્રભાવ ધરાવતાં હોવાથી તેઓનું જોર વધારે છે, પરંતુ મામલો એટલો સરળ અને સ્પષ્ટ નથી. સત્યની હકીકત કંઈક બીજી જ છે, નહીંતર છેલ્લા કેટલાય દાયકાઓથી શાંતિપૂર્ણ રહેલા મણિપુરમાં અચાનક હિંસાનો લાવા કેવી રીતે ફાટી નીકળ્યો? મીતેઈ કોમ હિંદુ હોવાથી ભાજપને તેના માટે સહાનુભૂતિ છે, જ્યારે નાગા અને કુકી મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે. જો આ સમીકરણને સમજીને તેનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો મણિપુરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે.
કેન્દ્ર સરકારની સમસ્યા એ છે કે મણિપુર સાથે કેવી રીતે વ્યવહાર કરવો? વાસ્તવમાં મીતેઈ સમુદાયનાં લોકો ખીણમાં રહે છે અને કુકી અને નાગા આદિવાસીઓ પહાડીઓમાં રહે છે. નાગાઓ સંપૂર્ણપણે ખ્રિસ્તી છે, જ્યારે કુકીઓ બૌદ્ધ, હિંદુ અને ખ્રિસ્તી છે. મીતેઈ સમુદાય વૈષ્ણવ હિંદુ છે. તેમની કેટલીક વસ્તી મુસ્લિમ બની ગઈ છે. ત્યાંના આદિવાસી કાયદા અનુસાર મીતેઈ પહાડી વિસ્તારોમાં જઈને સ્થાયી થઈ શકતાં નથી. મીતેઈને માત્ર ખીણમાં સ્થાયી થવાની છૂટ છે.
પહાડી વિસ્તારો આદિવાસીઓ માટે આરક્ષિત વિસ્તારો છે. અગાઉની સરકારોએ આ વિસ્તારને નિયંત્રણમાં રાખ્યો હતો. મણિપુરના પહાડી વિસ્તારો લીલાછમ છે. ત્યાંનાં લોકો શિક્ષિત છે, કારણ કે ચર્ચે ત્યાં ઘણું કામ કર્યું છે. આ સિવાય મ્યાનમારથી પણ ત્યાં હથિયારો આવતાં રહે છે. આથી જો ત્યાં ચાલી રહેલી હિંસા પર કાબૂ નહીં રાખવામાં આવે તો સ્થિતિ વિસ્ફોટક બની શકે છે.
કુકી અને નાગા પ્રભુત્વ ધરાવતા પહાડી વિસ્તારોમાંથી ૨૦ વિધાનસભા બેઠકો છે. આ તમામ અનામત બેઠકો છે. ૬૦ સભ્યોની વિધાનસભામાં ૪૦ બેઠકો ખીણ માટે છે, જ્યારે મણિપુરના કુલ વિસ્તારનો માત્ર ૧૦ ટકા વિસ્તાર ખીણમાં છે. ખીણમાં જગ્યાની અછત છે, તેથી મીતેઈ લોકો પર્વતોમાં સ્થાયી થવા માંગે છે, પરંતુ આદિવાસી કાયદો તેમાં નડે છે. હવે ૫૩ ટકા મીતેઈ લોકો ક્યાં જાય? એટલા માટે તેઓ પોતાના માટે આદિવાસી દરજ્જાની માંગ કરી રહ્યા છે.
ભાજપ સરકાર તેના સમર્થનમાં છે, પણ નાગા તથા કુકી આદિવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, કુકી અને નાગા લોકો પહાડી વિસ્તારો માટે અલગ રાજ્યનો દરજ્જો માગી રહ્યા છે. હવે જો કેન્દ્ર સરકાર દરેક રાજ્યોને વિભાજિત કરતી રહેશે તો એક દિવસ ભારત અસંખ્ય અલગ અલગ રાજ્યોનો સંગ્રહ બની જશે. દરેક રાજ્યની પોતાની ભાષા અલગ હશે અને તેના નિયમો અને કાયદાઓ પણ અલગ હશે. તેથી જ આ હિંસા પર સરકાર હજુ સુધી મૌન છે.
મણિપુર માત્ર આજે જ નહીં પરંતુ ભૂતકાળમાં પણ મુશ્કેલીગ્રસ્ત રાજ્ય રહ્યું છે. તેનું કારણ અહીં લગભગ ૩૦ ટકા સશસ્ત્ર જૂથોની હાજરી છે. પડોશી મ્યાનમારના ચિન રાજ્યમાંથી પણ ઘૂસણખોરો મણિપુર આવતા રહે છે. ભારતના નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ અને મણિપુરનાં લોકો તેમની વંશીય ઓળખને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. અગાઉ અહીં મોટા ભાગે તિબેટીયન મૂળનાં લોકો હતાં, પરંતુ બૌદ્ધ ધર્મ તેમને ભારત સાથે જોડે છે.
મહાભારત પછી ભારતના ઘણા ભાગો અલગ થઈ ગયા હતા. બાદમાં બૌદ્ધ ધર્મે તેમને ભારતમાં ઉમેર્યા હતા. પરંતુ હર્ષવર્ધન પછી અહીં કોઈ પ્રતાપી સમ્રાટ થયો નહોતો. ભારત દેશ નાના નાના શાસકોમાં વહેંચાયેલો હતો. માત્ર બૌદ્ધ ધર્મે જ તેમને ક્યાંક જોડ્યા હતા. દરમિયાન તુર્કો દ્વારા હુમલાઓ થયા અને સલ્તનતનો સમયગાળો આવ્યો. આ પછી મોગલો આવ્યા પરંતુ ભારતનો આ ભાગ ઉપેક્ષિત જ રહ્યો.
બ્રિટિશ શાસન દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓએ અહીંનાં આદિવાસીઓ વચ્ચે ચર્ચની સ્થાપના કરી અને તેમને તેમના ધર્મની દીક્ષા આપી. તેમની વચ્ચે શાળાઓ ખોલી અને તેમને અંગ્રેજી શીખવ્યું. પરિણામ એ આવ્યું કે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં તેમની અલગ ઓળખ અંગે જાગૃતિ વધી. પરંતુ અંગ્રેજોનું હિત એમાં હતું કે બ્રિટિશ ભારત એક રહે અને તેમની નીચે રહે. તેથી જ ઉત્તર-પૂર્વનાં રાજ્યોની પ્રજાની આ બેચેની બહાર ન આવી શકી. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે બ્રિટન નબળું પડ્યું અને ત્યારે બ્રિટનને ભારતથી છુટકારો મેળવવાની ઉતાવળ હતી. છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને ભારતને શક્ય તેટલી વહેલી તકે આઝાદ કરવા માટે ભારત મોકલવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે ભારત ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયું.
બાંગ્લાદેશની આઝાદીમાં ભારતનું યોગદાન કોઈનાથી છૂપાયેલું નથી, પરંતુ તેનાથી ભારતને લાભ કરતાં રાજકીય નુકસાન વધુ થયું. પ્રથમ તો પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં ભારત સામે વિરોધનું એવું મોજું ઊભું થયું કે લાખો પ્રયત્નો પછી પણ તેને દબાવી ન શકાયું. બીજી તરફ બાંગ્લા દેશ તેની વિશાળ વસ્તીને સંભાળી શક્યું નહીં અને બાંગ્લા દેશથી ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી શરૂ થઈ ગઈ. જ્યારે પણ ભારતે તેનો વિરોધ કર્યો ત્યારે બાંગ્લા દેશ વધુ ભારતવિરોધી બન્યો.
એક તરફ પાકિસ્તાન પંજાબમાં ખાલિસ્તાની વિચારસરણીને ઉશ્કેરે છે તો બીજી તરફ ભારતમાં મૈત્રીપૂર્ણ સંબંધો વચ્ચે બાંગ્લા દેશ ઉત્તર પૂર્વના ઉગ્રવાદીને હથિયારો મોકલે છે. ખાસ કરીને આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં બાંગ્લા દેશથી હથિયારો પહોંચે છે. ખાલિદા ઝિયાના સમયમાં આ અભિયાન તેજ હતું. હસીનાના સમયમાં આ ઘૂસણખોરી બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે ફરી બાંગ્લા દેશમાંથી આ પ્રકારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે.
૧૯૫૦ પહેલાં મણિપુર એક સ્વતંત્ર રજવાડું હતું. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ મહારાજા બોધચંદ્રે ભારત સાથે જોડાણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે પણ કુકી અને મીતેઈ વચ્ચે અણબનાવ હતો, પરંતુ રાજા બોધચંદ્રે તેને કાબૂમાં રાખ્યો હતો. ભારતને સ્વતંત્રતા મળી ત્યારથી મણિપુર કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ હતો. મણિપુર રાજ્યની રચના ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ થઈ હતી. તેના થોડા દિવસો પહેલાં જ બાંગ્લા દેશ આઝાદ થયું હતું.
બાંગ્લા દેશ ભલે તેની સરહદ મણિપુર સાથે વહેંચી ન શકે પરંતુ આસામ થઈને ત્યાં પહોંચવું સરળ છે. મણિપુરમાં ભાજપનું શાસન છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ છે, જેઓ મીતેઈ સમુદાયમાંથી આવે છે. કુકી સમુદાયનું કહેવું છે કે હેરોઈનના વેપાર માટે અફીણની ખેતી સામેના બિરેન સિંહના તાજેતરના યુદ્ધે કુકી વિસ્તારોને જ નિશાન બનાવ્યા છે. તેના કારણે કુકી લોકો રોષમાં છે. બિરેન સિંહની સરકારે કુકી વિદ્રોહી જૂથો પર કુકી સમુદાયને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે. હકીકતમાં અફીણની ખેતી અને મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ગાઢ સંબંધ છે.
મણિપુરમાં જાતિય હિંસાને કારણે વિસ્થાપિત થયેલાં ૬૦,૦૦૦ લોકો રાહત શિબિરોમાં રહે છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મણિપુરનો મુદ્દો જોરથી ઉઠાવ્યો હતો. તેમણે જીરીબામ અને ચુરાચંદપુર જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને ત્યાં રહેતાં લોકો સાથે વાતચીત કરી હતી. રાજ્યમાં મીતેઈ અને કુકી સમુદાયનાં લોકો વચ્ચે વંશીય હિંસા ગયા વર્ષે મે મહિનામાં શરૂ થઈ હતી. આમાં ૨૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. ભાજપનો ટેકો મીતેઈ કોમને હોવાથી જ્યાં સુધી મીતેઈ કોમને લાભ થતો હશે ત્યાં સુધી આ હિંસા ચાલુ જ રહેવાની છે.