Columns

લિઝ ટ્રસે શા માટે રાજીનામું આપવું પડયું?

બે મહિના કરતાં ઓછા સમય માટે બ્રિટનના વડા પ્રધાનપદે રહ્યા પછી લિઝ ટ્રસે રાજીનામું આપ્યું. તેમના રાજીનામાનું મુખ્ય કારણ ચોક્કસપણે બ્રિટનના અર્થતંત્રની અવદશા છે. લિઝ ટ્રસ સરકારે તેનું કુખ્યાત ‘મિની-બજેટ’રજૂ કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં, વડા પ્રધાનને તેમના કન્ઝર્વેટિવ પાર્ટીમાં બળવાને પગલે રાજીનામું આપવાની ફરજ પડી છે. ટ્રસ હવે બ્રિટિશ ઈતિહાસમાં સૌથી ઓછા સમય સુધી સેવા આપનાર પીએમ છે. યુકે એક તરફ આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે અને બીજી તરફ યુક્રેનમાં યુદ્ધના પગલે બે આંકડામાં ફુગાવો છે. આ બધા વચ્ચે ટ્રસ પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

ટ્રસ વ્યાપક ટેક્સ કાપ દ્વારા વૃદ્ધિને પુનઃજીવિત કરવાના એજન્ડા પર ચાલી હતી તેમજ ફુગાવા સામે ઊર્જા કિંમતની ગેરંટી પૂરી પાડી હતી. તેના મુખ્ય પ્રતિસ્પર્ધી ઋષિ સુનકે વારંવાર ચેતવણી આપી હતી કે બિનફંડેડ ટેક્સ કાપ અને ખર્ચમાં વધારો કરવાનો તેમનો એજન્ડા આપત્તિ નોંતરશે. ૨૩ સપ્ટેમ્બરના રોજ, ટ્રસના ચાન્સેલર અને લાંબા સમયના મિત્ર, ક્વાસી ક્વાર્ટેંગે એક મિની-બજેટ રજૂ કર્યું હતું જે આવશ્યકપણે ખર્ચમાં વધારો અને કરની આવકમાં ઘટાડો કરતું હતું. આ બજેટથી એક પછી એક એવી ઘટનાઓ બની જે આખરે ટ્રસના પતનનું કારણ બની.

મિની-બજેટે બજારને ડરાવી દીધું હતું કારણ કે એવા સમયે સરકારી ઉધારીમાં તીવ્ર વધારો કરવો જ્યારે યુકેની વૃદ્ધિની સંભાવનાઓ શંકાના દાયરામાં હોય તે સૂચવે છે કે સરકાર તેના સંચિત દેવાની ચૂકવણી કરી શકશે નહીં. ગભરાટને કારણે રોકાણકારોએ યુકેમાં પોતાની સંપત્તિઓ વેચવાનું શરૂ કર્યું. પાઉન્ડ સ્ટર્લિંગ યુએસ ડૉલર સામે ઐતિહાસિક નીચા સ્તરે આવી ગયો; આના લીધે આયાતી ફુગાવો વધુ વકર્યો કારણ કે તેનાથી આયાત મોંઘી થઈ હતી. તેવી જ રીતે, રોકાણકારો યુકે સરકારમાં નાણાં રોકવા તૈયાર ન હતા. તેઓએ ગિલ્ટ (સરકારી બોન્ડ) વેચવાનું શરૂ કર્યું. જેમ જેમ ગિલ્ટના ભાવમાં ઘટાડો થયો તેમ તેમ તેમની ઉપજ (અથવા નાણાં ધિરાણ માટેનો અસરકારક વ્યાજ દર) આકાશને આંબી ગઈ. થોડા જ સમયમાં બેંક ઓફ ઈંગ્લેન્ડે નાણાંકીય પતન રોકવા માટે પગલું ભરવું પડ્યું.

મિની-બજેટના પરિણામે ગિલ્ટના ભાવમાં ઘટાડા (અને ગિલ્ટ યીલ્ડમાં વધારા)ને કારણે યુકેમાં પેન્શન ફંડમાં કટોકટી સર્જાઈ. ઘણા પેન્શન ફંડ મેનેજરોએ વ્યાજદરમાં તીવ્ર વધારા સામે હેજિંગ કર્યું. પરંતુ ગિલ્ટ ઉપજમાં અચાનક ઉછાળાને કારણે તેમની અસ્કયામતો, ગિલ્ટ્સ, મૂલ્ય ગુમાવી રહી હતી. આનાથી પેન્શન ફંડની સદ્ધરતા પર ભારે ગભરાટ અને વાસ્તવિક શંકાઓ ઊભી થઈ. વ્યાજદરોમાં તીવ્ર વધારાને કારણે હોમ લોનધારકોએ કાં તો પુનર્ધિરાણ કરવું પડે અથવા તેમનાં ઘરો ગુમાવવાં પડે એવું જોખમ ઊભું થયું. નવી લોન નોંધપાત્ર રીતે મોંઘી બની અને આ બધું એવા સમયે બન્યું છે, જ્યારે યુકેમાં લાખો લોકો જીવનનિર્વાહના ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ઊર્જાના ઊંચા ભાવને પગલે આગામી શિયાળામાં કેવી રીતે ગરમ રહેવું તેની ચિંતામાં હતા. વિપક્ષી લેબર પાર્ટી એ સંદેશ સાથે લોકોમાં ગઈ કે ખામીયુક્ત ‘ટ્રુસોનોમિક્સ’ના કારણે દરેક ઘરમાલિકોના મોર્ગેજ રેટમાં વધારો થયો છે.

પીએમએ અનિચ્છાએ યુ-ટર્નની જાહેરાત કરવાનું શરૂ કર્યું. પૈસાદારો પરનો ટેક્સ ઘટાડવા જેવા એક પછી એક પોતાનાં પગલાં પલટાવવાનું શરૂ કર્યું. સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે ટ્રસે પોતાના ચાન્સેલરને કાઢી મૂક્યા. માર્કેટ દ્વારા આને હકારાત્મક રીતે જોવામાં આવ્યું હતું, પણ આના કારણે એક રાજકીય પ્રશ્ન ઊઠ્યો: ટ્રુસની આર્થિક યોજનાઓની જાહેરાત કરનાર ક્વાર્ટેંગને તેણે બરતરફ કર્યો ત્યારે શા માટે તે પદ પર રહેવા લાયક હતી? આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. નવનિયુક્ત ચાન્સેલર જેરેમી હન્ટે અગાઉ સુનકનો સાથ આપ્યો હતો. તેણે ચાર્જ સંભાળતાંની સાથે જ ટ્રુસની કાર્યસૂચિમાંથી બાકી રહેલી દરેક વસ્તુને રદ કરી નાખી. ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે ભલે ટ્રસ વડાપ્રધાન હોય અસલી સત્તા હન્ટના હાથમાં છે. ત્યારથી જ ટ્રસની વિદાયની ઘડીઓ ગણાવા લાગી હતી.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top