Entertainment

અર્જૂનનાં નિશાન કેમ ખાલી જાય છે?

અર્જૂન કપૂરે શું કહેવું છે તે ખબર નથી પણ મલાઇકા અરોરાએ જરૂર કહ્યું છે કે હું મારું ભવિષ્ય અર્જૂનની સાથે જોવા માંગુ છું. હું તેને કહું છું તારી સાથે મારે વૃધ્ધ થવું છે. મલાઇકાની અર્જૂન માટેની લાગણી એકદમ સ્પષ્ટ છે પણ અર્જૂન આ વિશે કશું બોલતો નથી. હા, તેને મલાઇકા સાથે રહેવામાં વાંધો નથી, ફકત કબૂલવામાં જ વાંધો છે. મલાઇકા તો એક બાળકની મા છે અને અર્જૂનથી ઉંમરમાં પણ મોટી છે એટલે તેને અસલામતી હોય એટલી અર્જૂનને પણ હોય.

અર્જૂનને અસલામતી હશે તો તેના સ્ટારડમ વિશે હશે. આકાશમાં ઉડાન ભર્યા પછી કોઇ વિમાન સ્થિર થઇ જાય તેવું તેના દાખલામાં બન્યું છે. ફિલ્મલાઇનમાં આવ્યાને ૧૦ વર્ષ થયા પણ તે એકદમ ગૌરવથી કહી શકે એવી સફળતા કોઇ નથી. જો તમારી ફિલ્મો કરોડો કમાવી ન આપે તો હવે તેને સફળતા ગણવામાં આવતી નથી. ફિલ્મ જગત મોટું બજાર છે તો તેમાં મોટી કમાણી કરાવી આપનારની જ વેલ્યુ થતી હોય છે. અર્જૂનની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ હતી અને સમજો કે ત્યારથી તે ફરાર જ છે. અલબત્ત તેની પાસે અત્યારે છ ફિલ્મ છે એટલે બાજી પર તો બેઠો છે. આ બાજીમાં તેને જીતાડે તેવું પત્તુ હશે ખરું? મલાઇકા અરોરા સાથેના સંબંધથી યા તે તેનાથી ૧૨ વર્ષ મોટી છે એ બાબતથી ચર્ચામાં રહેવું કોઇપણ સ્ટાર માટે યોગ્ય ન કહેવાય. ચર્ચા હોય તો ફિલ્મોની હોવી જોઇએ. અર્જૂન કરતાં તો તેના કાકા અનિલ કપૂર વધારે ચર્ચામાં રહે છે. જો કુટુંબની જ વાત કરવાની હોય તો જાન્હવી કપૂર અને હવે સનાયા કપૂર પણ ચર્ચામાં આવી ગઇ છે. તો અર્જૂન કયાં છે?

હિન્દી ફિલ્મોમાં રોમેન્ટિક હીરો ચાલે છે યા એકશન સ્ટાર ચાલે છે. ત્રીજા ચાલનારામાં કોમેડી કરી શકતા હીરો છે. અર્જૂન કપૂર આ ત્રણમાંથી એકેયમાં બેસતો નથી. અત્યારે સાઉથના સ્ટાર્સ એકશન ફિલ્મની જે વ્યાખ્યા સેટ કરી રહ્યા છે તેમાં તો તે કયાંય નથી. અર્જૂન સલમાન જેવો નથી, અક્ષય કુમાર યા અજય દેવગણ જેવો નથી, ઋતિક યા રણબીર કે રણવીર જેવો નથી તો તેની જગ્યા કઇ છે? દસ વર્ષ ફિલ્મોમાં રહ્યા પછી પણ પોતાની જગ્યા નકકી ન થાય તો નિર્માતા તેને કયા સ્લોટમાં નાંખે? સિધ્ધાર્થ મલ્હોત્રા સફળ નહોતો ગણાતો પણ ‘શેરશાહ’થી તેણે તેની જગ્યા બનાવી એજ રીતે વિકી કૌશલે પણ પોતાની જગ્યા બનાવી. અર્જૂન હજુ અટવાયા કરે છે. તેના પિતા બોની કપૂર આમ તો મોટા નિર્માતા ગણાય જેણે અનિલ કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી હતી પણ તે પોતાના જ દિકરા સાથે સફળ જોડી બનાવી શકયા નથી. બોનીને જાન્હવી સાથે ફિલ્મ બનાવવામાં રસ છે એટલો અર્જૂન સાથે બનાવવામાં નથી.

અર્જૂનને યશરાજ ફિલ્મે પહેલી ફિલ્મ ‘ઇશ્કઝાદે’ આપી હતી. બોની કપૂરે નહીં. તેની બીજી ફિલ્મ ‘ઔરંગઝેબ’ પણ યશરાજની જ હતી અને ત્યારબાદ ‘ગુંડે’ પણ યશરાજની જ છે. અર્જૂન કોઇ નિર્માતાને કાયમી લાગ્યો નથી એટલે તેના નિર્માતા – દિગ્દર્શક બદલાયા કરે છે. તેણે તેના કાકા સંજય કપૂરની ‘તેવર’માં ય કામ કર્યું પણ સ્ટાર તેવર બતાવી ન શકયો. અર્જૂનને તક તો સતત મળી છે અને આર. બાલ્કી જેવાએ તેને કરીના કપૂર સાથે ‘કી એન્ડ કા’માં પણ તક આપી હતી. મોહિત સૂરીએ પણ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં તેને શ્રધ્ધા કપૂર સાથે ચાન્સ આપેલો. પણ કહે છે કે જણનારીમાં જોર નહીં હોય તો સુયાણી શું કરે? ફિલ્મ જગતમાં સલાહકારો તેને જ મળે છે જેને તેની જરૂર નથી હોતી એટલે કે ખૂબ સકસેસ હોય તેને સલાહકાર મળશે પણ નિષ્ફળને કોઇ છોડાવી ન શકે. •

Most Popular

To Top