મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani Home) દક્ષિણ મુંબઈના (South Mumbai) નિવાસસ્થાનની બહાર સોમવારે સુરક્ષામાં (Security) વધારો કરવામાં આવ્યો હતો. કારણ કે, એક ટેક્સી ડ્રાઈવરે પોલીસને (Police) જાણ કરી હતી કે તેમની સાથે બેગ લઈને આવેલા બે શંકાસ્પદ મુસાફરોએ તેમને ‘એન્ટીલિયા’ના સ્થાન અંગે પૂછ્યું હતું એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અલ્ટામાઉટ રોડ પર સ્થિત 27 માળની ઇમારત ‘એન્ટિલિયા’ની બહાર પોલીસ દ્વારા વધુ બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. તેમજ પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.
- બેગ લઈને આવેલા અને ઉર્દુ બોલતા બે પ્રવાસીઓએ પોતાને મુકેશ અંબાણીના ઘરનું સરનામુ પૂ્છ્યું હતું તેવી માહિતી ટેક્સી ડ્રાઇવરે પોલીસને આપતા ખળભળાટ: એન્ટિલિયાની બહાર અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ
અધિકારીએ જણાવ્યું કે, ટેક્સી ડ્રાઈવર દક્ષિણ મુંબઈમાં કિલ્લા કૉર્ટ પાસે ઊભો હતો ત્યારે એક કાર તેની પાસે આવી ગઈ હતી અને તેમાં સવાર લોકોએ તેમને અંબાણીના નિવાસ સ્થાન અંગે પૂછ્યું હતું. અધિકારીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરનાર કેબીને ટાંકીને જણાવ્યું હતું કે, કારમાં બે મુસાફરો ઉર્દૂમાં વાતચીત કરતાં હતા અને તેમની સાથે બે બેગ લઈ ગયા હતા. આઝાદ મેદાન પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, પોલીસ દાવાની ચકાસણી કરી રહી છે અને એક વરિષ્ઠ અધિકારી આ ઘટના અંગે નજર રાખી રહ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ વિસ્ફોટકોથી ભરેલી એસયુવી ‘એન્ટિલિયા’ની બહાર પાર્ક કરેલી સ્થિતિમાં મળી આવી હતી. જેનાથી ગભરાટ ફેલાયો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી એસયુવી કેસમાં મુંબઈ પોલીસના તત્કાલિન સહાયક પોલીસ નિરીક્ષક (આપી) સચિન વઝેની કથિત ભૂમિકાની તપાસ કરી રહી છે અને તેની ધરપકડ કરવામાં આવી હતી.