દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની મહત્વપૂર્ણ બેઠકમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ટ્રોફી વિવાદે નવો વળાંક લીધો છે. બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવી બંનેએ સ્વીકાર્યું કે જે થયું તે યોગ્ય નહોતું.
તેમ છતાં નક્વીએ એશિયા કપની ટ્રોફી અને મેડલ BCCI ને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.
સૂત્રો કહે છે કે મિટિંગમાં વાતાવરણ ખૂબ જ ગરમ હતું. નકવીએ BCCI ને કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી સ્વીકારવા માટે દુબઈ આવવાની જરૂર છે. ત્યારે BCCI એ સામો સવાલ કર્યો કે “જ્યારે તમે (નક્વી) ત્યાં હતા ત્યારે તેમણે (સૂર્યએ) ટ્રોફી સ્વીકારી ન હતી. તો શું તમને લાગે છે કે તે હવે તેઓ આવશે?”
મીટિંગમાં થયેલા ખુલાસા મુજબ નકવીએ માફી માંગી હતી પરંતુ ટ્રોફી અને મેડલ પરત કરવાના પોતાના વલણ પર અડગ રહ્યા હતા. આનાથી ક્રિકેટ વર્તુળોમાં એશિયા કપ 2025 ટ્રોફીને લગતા વિવાદને વધુ વેગ મળ્યો છે.
દરમિયાન મોહસીન નકવી આજે લાહોર જવા રવાના થશે પરંતુ આ વિવાદની અસર અને તેના પરિણામો ઘણા દિવસો સુધી મીડિયા અને ચાહકોમાં ચર્ચાનો વિષય રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર ACC માં મતભેદો હતા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપ જીત્યો
એશિયા કપ 2025 ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. જોકે, મેચ પછીનું દ્રશ્ય આઘાતજનક હતું. ભારતીય ટીમે ટ્રોફી વિના પોતાની જીતની ઉજવણી કરી. ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ત્યારબાદ મોહસીન નકવી ટ્રોફી લઈને પોતાના હોટલ પરત ફર્યા.
ભારતીય ખેલાડીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં અને ઇચ્છે છે કે તે અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના ઉપાધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવે. જોકે, નકવીએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. મેચ જીતવા છતાં ભારતીય ખેલાડીઓએ લગભગ એક કલાક રાહ જોઈ આખરે ટ્રોફી વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા. આ ઘટના ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચાનો વિષય બની.