Comments

શિક્ષણમાં શોધ-સંશોધનની વાસ્તવિક સ્થિતિ શું!

‘‘શિક્ષકો અને અધ્યાપકો સંશોધન જ કરતા નથી!’’ સાચી વાત છે. તદ્દન સત્ય. જુઓ દેશમાં મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓએ ભારતમાં લોકશાહી સંચાલન સિધ્ધાંતો અને વ્યવહારોનું છેલ્લાં વીસ વર્ષમાં શું થયું તેનો અભ્યાસ જ કર્યો નથી. એક પણ અર્થશાસ્ત્રની નામી સંસ્થાએ છેલ્લાં વર્ષોમાં દેશભરમાં બનતા મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન જેવા સરકારી પ્રોજેક્ટનું ખર્ચ લાભ વિશ્લેષણ અને સોશીયો ઈકોનોમીક ઓડીટ રજૂ નથી કર્યું!

દેશભરમાં ખ્યાતિપાત્ર, લાખોની ફી અને પ્રવેશ પરીક્ષા દ્વારા એડમિશન આપતી સંસ્થાઓએ દેશમાં જી.એસ.ટી. લાગુ કર્યા પછી જૂની પધ્ધતિ અને નવી સ્થિતિના ફાયદા ગેરફાયદાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યાનું સાંભળ્યું નથી. ન જી.એસ.ટી. ની દેશના સમવાય માળખા પર થયેલી અસર અને કેન્દ્ર- રાજ્યના સંબંધો સંદર્ભે સંશોધનપત્રો રજૂ કર્યા છે એક લાંબી પણ સંમતિદર્શક વાત સાંભળવા છતાં. શિક્ષક અધ્યાપક સંશોધન નથી કરતા એ આક્ષેપ કરનારાને આપણે વિરોધી લાગ્યા અને લાગીએ કારણ તેમની ફરિયાદ એ હતી કે શાળા કોલેજના શિક્ષક અધ્યાપકો સંશોધન કરતા નથી! વાત સાચી છે. પણ આ સાચી વાત માટે જવાબદાર કોણ તે પણ ચકાસવું રહ્યું!

ભારતમાં શિક્ષણ સરકારી નિયમોથી ચાલે છે. રસ ધરાવતાં લોકોએ સમજવાની જરૂર છે કે કોલેજના અધ્યાપકો માટે યુ.જી.સી. અને શાળાના શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગે નિયમો બનાવ્યા છે. અહીં કામના કલાકો અને આ કલાકોમાં શું કરવાનું એ બધું જ ઉપરથી નક્કી થાય છે. જેમ આપણો વિદ્યાર્થી વર્ગખંડથી બહાર નથી નીકળતો તેમ આપણો શિક્ષક અધ્યાપક ‘‘સંસ્થા’’ના ખીલે બંધાયો છે. તે સંસ્થા છોડીને ક્યાંય જઈ શકતો નથી.

સંસ્થા કે સરકાર સંશોધન માટે સમય કે નાણાંની કોઈ ખાસ વ્યવસ્થા આપતી નથી. અને જે વ્યવસ્થા કાગળ ઉપર છે તેને અમલમાં મૂકવામાં ખૂબ વ્યવહારુ પ્રશ્નો છે. સંસ્થાના સંચાલકો કે આચાર્ય પોતાના શિક્ષક અધ્યાપકને સંસ્થા છોડીને સંશોધનની મોકળાશ આપતા જ નથી! એટલે શિક્ષક કે અધ્યાપક પાસે હવે એક જ રસ્તો બચે છે અને તે છે સંસ્થાના પરિસરમાં જ શિક્ષણકાર્ય, પરીક્ષણકાર્ય, રોજિંદુ વહીવટીય કામ પતાવ્યા પછી ઉપલબ્ધ તક વચ્ચે સંશોધન કરવું! ટૂંકમાં પુસ્તકાલયમાંથી ઉપલબ્ધ પુસ્તકો દ્વારા ટેબલ ખુરશીકેન્દ્રી વર્ણનાત્મક સંશોધન કરવું જે મોટે ભાગે સારા સંપાદનથી વધુ હોય નહીં!

યુ.જી.સી.ના લેખિત નિયમો મુજબ અધ્યાપકે 40 કલાક સંસ્થામાં ઉપલબ્ધ રહેવું જોઈએ. દસ કલાક વાચન-અભ્યાસના બાદ કરતાં ત્રીસ કલાક તો તેણે સંસ્થામાં જ રહેવાનું છે. આ ત્રીસમાં સોળ કલાક તેણે વર્ગખંડમાં લેક્ચર લેવાના છે. જ્યારે બાકીના 14 કલાકમાં શું કરવું તે પણ યુ.જી.સી એ જ લખેલું છે. મજાની વાત એ છે કે યુ.જી.સી.એ જ ક્યાંય શોધ-સંશોધન માટે સમય ફાળવ્યા નથી. આપણે ત્યાં વિદેશો સાથે તુલનાત્મક અભ્યાસ કરનારા હરતા-ફરતા સંશોધકો ખૂબ હોય છે. તેમના લાભાર્થે જણાવવાનું કે શિક્ષણ ક્ષેત્રે નામનાપાત્ર દેશોમાં અધ્યાપકો, શિક્ષકો સંશોધન નથી કરતા. સંશોધકોને શિક્ષક અને અધ્યાપકોને એક સેમેસ્ટરમાં વીસ લેક્ચર લેવા માટે બાંધવામાં આવે છે. અઠવાડિયાના 16 લેખે લેક્ચર લેવા માટે નહીં! સંસ્થામાં ભરતી જ બે પ્રકારની હોય છે.

એક તજજ્ઞ-સંશોધક જે સંસ્થામાં માત્ર ભણાવવા પૂરતા જ આવે અને બાકીના સમયમાં પોતાનું શોધ-સંશોધન કરે અને બીજા કાયમી સ્ટાફ જે સંસ્થામાં નિયમિત આવે, ભણાવે અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિમાં પણ જોડાય. ત્યાં કોલેજના ઉપરના વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ નીચેના વર્ગમાં ભણાવી પણ શકે છે. પી.એચ.ડી.ના સ્ટુડન્ટસ માસ્ટર્સના સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપી શકે છે. આપણે આવી ઉદારવાદી શિક્ષણવ્યવસ્થાની કલ્પના જ નથી કરી શકતા. સરકાર અને શિક્ષણ વિભાગ શિક્ષણ-સંશોધનની ક્ષિતિજ વિસ્તારવા માંગે તો આ અંગે વિચારવાની જરૂર છે.

આપણે ત્યાં સક્રિય કક્ષાએ જુનિયર રીસર્ચ ફેલોશીપ યોજના બોલે છે. તેની પરીક્ષા હોય છે.(જે.આર.એફ) જે પાસ કરનારાને દર મહિને સ્ટાઈપેન્ડ મળે છે. પણ તેમણે કરેલા સંશોધન ક્યાંક કામ લાગ્યાં હોય તેવું સાંભળ્યું નથી. એકદમ ‘‘એકેડેમિક’’કહી શકાય તેવાં સંશોધનપત્રો રજૂ કરીને વાત પૂરી થાય છે. ડીગ્રી માટે એમ.ફીલ, પી.એચ.ડી કરનારાના સંશોધન માટે સરકાર કે શિક્ષણ વિભાગને જવાબદાર ગણી શકાય નહીં, પણ ધૂમકેતુએ લખ્યું છે કે ‘‘પડે છે ત્યારે સઘળું પડે છે’’એ ન્યાયે એટલા કથળ્યા છે કે ત્યાં પણ કશું નવું હાથ લાગતું નથી.

‘‘અમને દરેક દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાવ’’એવા ઉપનિષદ વાક્યથી જ્ઞાનની દિશામાં રત રહેનાર ‘ભારત’માં ‘‘નવા વિચાર’’ની જ ભૂખ રહી નથી. ન વ્યવસ્થામાં ન વ્યક્તિમાં! અને જે થોડા ઘણા મહેનત કરીને નવું શોધી લાવે તે વ્યવસ્થામાં બેઠેલા વિદ્વાનોને સ્વીકારવામાં વાર લાગે છે. રહે છે માત્ર વ્યક્તિગત નિષ્ઠા અને નૈતિક જવાબદારીની નિસ્બત. શિક્ષક, અધ્યાપકે વાચનથી વિમુખ ન થવું! અને વિચારવાનું બંધ ન કરવું! સરકારી નિયમો, સંસ્થાના નિયમો, સમાજની જવાબદારીઓ આ બધામાંથી રસ્તો કાઢીને પણ જો ચાલતા રહીશું તો નવી દિશા મળશે. મંઝિલ ભલે ન મળે. તે તરફ અંતર તો ઓછું થશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top