Editorial

બેવડા ધોરણો અપનાવવામાં ચીન ચેમ્પિયન છે

યુએનની સુરક્ષા પરિષદમાં વિટો પાવરની એક વિચિત્ર વ્યવસ્થા છે જેના હેઠળ કોઇ પણ ઠરાવ વિટો પાવર ધરાવતો દેશ પોતાનો વિટો વાપરીને ઉડાવી દઇ શકે છે. જે પાંચ મહાસત્તાઓ પાસે વિટો પાવર છે તેમાંનો એક દેશ વળી ચીન છે  અને તે બાબત એક મોટી વક્રતા ઘણી વખત સાબિત થાય છે. પાકિસ્તાન સ્થિત કેટલાક ત્રાસવાદીઓને, ખાસ કરીને મસૂદ અઝહરને ભારત અને અમેરિકા દ્વારા હાલના ભૂતકાળમાં અનેક વખત યુએનની ત્રાસવાદી યાદી પર મૂકવાના પ્રયાસો  થયા અને દરેક વખતે ચીને ભારત અને અમેરિકાના આ માટેના સંયુક્ત પ્રસ્તાવ સામે ટેકનીકલ હોલ્ડ મૂકીને આ પ્રસ્તાવ નિષ્યળ બનાવ્યો છે.

આ ચીને હાલમાં યુએન સુરક્ષા પરિષદના હંગામી પ્રમુખ તરીકેની પોતાની હેસિયતથી યુએન  સુરક્ષા પરિષદની એક ખાસ બેઠક સામાન્ય સુરક્ષાના મુદ્દે બોલાવી હતી! અને આ બેઠકમાં યુએન ખાતેના ભારતના પ્રતિનિધિએ વાજબી રીતે જ ચીન પર તેના બેવડા ધોરણો માટે આકરા  પ્રહારો કર્યા હતા. ચીન પર એક દેખીતા ચાબખામાં  ભારતે ત્રાસવાદ સામે લડવાના મુદ્દે કોઇ પણ બેવડા ધોરણો અપનાવવા સામે ચેતવણી આપી હતી અને એ બાબત પર ભાર મૂક્યો હતો કે યથાવત સ્થિતિ બદલવા માટે કોઇ પણ બળપ્રયોગના કે એકપક્ષીય પગલાઓ એ સામાન્ય સુરક્ષાના  સિધ્ધાંતોનું અપમાન કરનાર છે. ચીન અનેક વખતે ભારતીય હદમાં ઘૂસણખોરી કરી ચુક્યું છે, દક્ષિણ ચીની સમુદ્રમાં માથાભારેપણુ કરે છે અને તે ક્ષેત્રમાં અનેક દેશો સાથે તેને સંઘર્ષ છે અને તે યુએન સુરક્ષા પરિષદમાં સામાન્ય સુરક્ષા માટે  સહકારનો ઉપદેશ આપે છે! ભારતીય પ્રતિનિધિએ તેને યોગ્ય રીતે જ ઝાટકી નાખ્યું છે.

યુએન ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે યુએનની સુરક્ષા પરિષદની બેઠકને સંબોધન કરતા કહ્યું હતું કે તમામ દેશોએ એકબીજાના સાર્વભૌમત્વને અને પ્રાદેશિક અખંડિતાને માન આપવું જોઇએ અને આંતરરાષ્ટ્રીય સંધિઓને  માન આપવું જોઇએ. તેઓ મંત્રણા અને સહકારના માર્ગે સામાન્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાના મુદ્દે મળેલી બેઠકને સંબોધન કરી રહ્યા હતા. આ બેઠક ચીન વતી બોલાવવામાં આવી હતી જે દેશ ઓગસ્ટ માટે સુરક્ષા પરિષદનું પ્રમુખ હતું અને  ૧૫ દેશોની પરિષદનો વીટો પાવર ધરાવતો સભ્ય દેશ છે.

પોતાની ટિપ્પણીઓમાં કંબોજે એ વાતની નોંધ લીધી હતી કે પ્રમુખ દેશ દ્વારા જે સામાન્ય સુરક્ષાની વાત કરવામાં આવી છે તે શું છે? સામાન્ય સુરક્ષા પણ ત્યારે જ વાજબી રીતે  શકય બને છે જ્યારે તમામ સભ્ય દેશો સમાન ખતરાઓ જેવા કે ત્રાસવાદ સામે ભેગા થઇને ઉભા રહે અને ઉપદેશ આપતી વખતે બેવડા ધોરણો અપનાવે નહીં એમ કંબોજે ચીન પર અને તેના ગાઢ સાથીદાર પાકિસ્તાન પર દેખીતો કટાક્ષ  કરતા કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચીને પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી મસૂદ અઝહરને યુએનની ત્રાસવાદી યાદી પર મૂકવાના ભારત અને અમેરિકાના પ્રયાસો અનેકવાર અવરોધ્યા છે, હાલ થોડા દિવસ પહેલા અઝહરના ભાઇને પણ  ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત સામે પણ ચીને ટેકનીકલ હોલ્ડ મૂક્યો હતો. કંબોજે પોતાના પ્રવચનમાં ચીનની આક્રમક વર્તણૂક પર પણ છૂપો પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે બળપૂર્વક કે એકપક્ષી રીતે યથાવત સ્થિતિ બદલવા માટેના  પગલાઓ પણ સમાન સુરક્ષાની વાત માટે અપમાનજનક છે. વધુમાં સમાન સુરક્ષા ત્યારે જ શક્ય છે કે જ્યારે દેશો એકબીજાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાને માન આપે એમ તેમણે કહ્યું હતું. કંબોજના પ્રહારો યોગ્ય જ છે. ચીનને  પ્રાદેશિક અને રાજકીય સંઘર્ષો જેટલા દેશો સાથે છે તેટલા સંઘર્ષો દુનિયાના બીજા કોઇ દેશને હશે નહીં. ચીન તાઇવાન સાથે દાદાગીરી કરે છે. હોંગકોંગની લોકશાહી તરફી પ્રજાને દબડાવે છે અને ત્યાં પોતાની કઠપૂતળી સરકારને બેસાડી રાખે  છે. લદાખમાં અને અરૂણાચલ પ્રદેશમાં ઘૂસણખોરીના પ્રયાસો કરે છે અને આ મુદ્દે તેને ભારત સાથે સંઘર્ષો સર્જાય છે. દક્ષિણ ચીની સમુદ્રમાં તે અન્ય દેશોના વહાણવટાને અવરોધે છે, આ પ્રદેશના અનેક દેશો સાથે તો  તેને સંઘર્ષ છે જ,  પરંતુ  અમેરિકા અને ઓસ્ટેલિયા સાથે પણ તેને સંઘર્ષ સર્જાય છે અને વળી તે સુરક્ષા અંગે સહકારની વાતો કરે છે.

ચીનના બેવડા ધોરણોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ યુઘુર મુસ્લિમો સાથેનું તેનું વર્તન છે. વિશ્વમાં અન્યત્ર ક્યાંય નહીં હોય તેવી દમન છાવણીઓ તે ચલાવે છે. હજારો યુઘુર મુસ્લિમોને તેણે આ છાવણીઓમાં ત્રાસવાદના આરોપો મૂકીને કેદ કર્યા હોવાનું  કહેવાય છે અને આ ચીન ભારતને માનવ અધિકારોના પાલનનું ઉદાહરણ આપે છે! ચીની સામ્યવાદી શાસકોએ લોકશાહી માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને બૈજિંગના તિયેનાનમેન ચોકમાં જે ક્રૂર રીતે રહેંસી નાખ્યા હતા તે જોઇને આખી  દુનિયા હચમચી ગઇ હતી. ચીનમાં દાયકાઓથી આપખુદ સામ્યવાદી શાસન છે. ત્યાં ચૂંટણીઓમાં સામાન્ય પ્રજાની તો સીધી કોઇ ભાગીદારી જ નથી અને ચીન પોતાને રિપબ્લિકન એટલે કે પ્રજાસત્તાક તરીકે ઓળખાવે છે! દુનિયામાં સૌથી વધુ  બેવડા ધોરણો અપનાવનાર દેશોની યાદીમાં ચીન ટોચ પર મૂકાઇ શકે તેમ છે.

Most Popular

To Top