શું તમે તમારા સ્કિન કેર રૂટિનને વધુ રોચક અને અપગ્રેડ કરવા ઈચ્છો છો? તો બબલ માસ્ક એમાં ચોક્કસ જ સામેલ કરો. યુવતીઓમાં આજકાલ બબલ માસ્કનો ક્રેઝ જોવા મળે છે. એને મીની ફેસિયલ પણ કહેવામાં આવે છે. એ ત્વચા પર જામેલી ગંદકીને સહેલાઈથી કાઢે છે. આ એક કોરિયન સ્કિન કેર બબલ માસ્ક છે. એને યુઝ કરવો પણ સહેલો છે. આવો જાણીએ બબલ માસ્ક શું છે અને ત્વચા માટે કેટલા ફાયદાકારક છે?
શું છે બબલ માસ્ક?
બબલ માસ્ક એક કલીંઝિંગ માસ્ક છે. જે ઓક્સિજનેશન પ્રક્રિયા દ્વારા ત્વાચા પર ફીણ કે પરપોટા બનાવે છે. આ બબલ્સ તમારી ત્વચાની ગંદકી મૂળમાંથી દૂર કરી ચહેરા પર ચમક લાવે છે. માર્કેટમાં એની ઘણી વેરાયટીઝ મળે છે. જેમાં શીટ માસ્ક, ક્રીમ, કલે માસ્ક, હાઈડ્રેટિંગ, કોલેજન સપ્લીમેન્ટ અને એકિટવેટેડ ચારકોલ માસ્ક સામેલ છે.
બબલ માસ્ક કેવી રીતે કામ કરે છે?
એક બબલિંગ ફેસ માસ્ક ફોમિંગ એજન્ટ અને ઓકિસજન પર દબાણ લાવી બબલ્સ બનાવે છે. એ ત્વચાને એકસફોલિએટ કરવામાં મદદ કરે છે. બ્લેકહેડ્સ દૂર કરે છે. એ ત્વચામાં ઊંડે સુધી પોષક તત્ત્વો પહોંચાડે છે અને ઓકિસજન સેલ રીજનરેશનમાં મદદ કરે છે. આ માસ્ક કોલેજન ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
બબલ માસ્કમાં ફલોરો કાર્બન હોય છે જે ઓકિસજનને ઓગાળવામાં મદદ કરે છે. જયારે તમે આ માસ્કને ત્વચા પર લગાડો ત્યારે તમે ઓકિસજનને બબલ બનાવતાં જોઇ શકશો. આ રીતે બબલ માસ્ક ઓક્સિજન ફેસિયલનો સસ્તો વિકલ્પ છે. જે તમારી ત્વચામાં એન્ટી ઓક્સિડન્ટ અને પોષક તત્ત્વોને પંપ કરે છે.
ફાયદા
# બબલ માસ્ક બ્લડ સરકયુલેશન વધારવાની સાથે કોશિકાઓમાં સુધારો કરે છે જેથી એને બધાં પોષક તત્ત્વો મળી શકે.
# ઓપન પોર્સને સાફ કરવા ઉપરાંત બબલ માસ્ક મેકઅપ રીમુવ કરવાનું પણ કામ કરે છે.
# એ ત્વચામાંથી વધારાનું સિબમ દૂર કરે છે એટલે ત્વચા વધારે ઓઇલી થતી નથી અને ખીલ, બ્લેકહેડ્સથી બચી શકાય છે.
# ત્વચાને મોઈશ્ચરાઈઝ્ડ કરવાની સાથે એ કાળા ડાઘ-ધબ્બા દૂર કરવા મદદ કરે છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
# સૌથી પહેલાં સારા કિલન્ઝર અને હૂંફાળા પાણીથી ત્વચા સાફ કરો.
# ત્યાર બાદ માસ્ક લગાડી 10-15 મિનિટ રહેવા દો. જો તમે એનો ક્રીમની જેમ ઉપયોગ કરતાં હો તો માસ્કને કાઢી ચહેરા પર સ્પેચ્યુલાથી એક સરખો લગાડી દો. આંખ, નાક, મોં, હેરલાઈનની નજીક લગાડો નહીં. પેકેટ પર જણાવ્યા અનુસાર રહેવા દો.
# બબલ ફોર્મ થાય ત્યાં સુધી રાહ જુઓ. એને 20 મિનિટથી વધારે ન રાખો કારણ કે એ ત્વચાને ડ્રાય કરી શકે છે. હૂંફાળા પાણીથી ધોઈ નાખો.
# ત્યાર બાદ સિરમ કે મોઇશ્ચરાઈઝર લગાડો.
કેટલી વાર ઉપયોગ કરશો?
અઠવાડિયે કમ સે કમ એક વાર માસ્કનો ઉપયોગ કરી શકાય છે. તમે એને સ્ક્રબમાં મિકસ કરી ઉપયોગ કરી શકો. સૂતાં પહેલાં મેકઅપ રીમુવરની જેમ પણ ઉપયોગ કરી શકાય.
ઘરે કેવી રીતે બનાવશો બબલ માસ્ક?
તમે ઘરે પણ બબલ માસ્ક બનાવી શકો છો.
સામગ્રી
2 ટેબલસ્પૂન મુલતાની માટી
1 ટેબલસ્પૂન ચારકોલ
1 ટેબલસ્પૂન બેકિંગ સોડા
1/2 ટેબલસ્પૂન ગ્લિસરીન
રીત – બધી સામગ્રી મિકસ કરી પેસ્ટ બનાવો. આ મિશ્રણનું એક પાતળું લેયર ચહેરા પર કરો. લગાડયા બાદ દસ મિનિટ રહેવા દો. બબલ ફોમ થવાની રાહ જુઓ. સુકાઈ જાય એટલે હળવેથી કાઢી નાખો. હૂંફાળા પાણીથી ચહેરો ધોઇ મોઇશ્ચરાઈઝર લગાડો.