કૂવો એ આપણા ખેડૂત જીવનનું એક અવિભાજય સાધન છે. કૂવાના પાણીને બળદ વડે કોસથી ખેંચીને ખેડૂત પાક પકવે છે. વીજળીની સગવડો થવાથી, ઇલેકટ્રીક મોટર કૂવા ઉપર મૂકીને પાણી કાઢીને ફસલો પકવવામાં આવે છે. હવે નહેરોની સગવડ હોવાથી ઘણી જગ્યાએ કૂવાના પાણીનો વપરાશ લગભગ ઘટી ગયો છે. એટલે મોટા ભાગના કૂવાઓ અવાવરુ બની ગયા જોઇ શકાય છે. કેટલાય કૂવાઓ સુકાઇ જતા હોય છે અને એ કૂવાઓ કાળક્રમે પુરાઇ જતા પણ હોય છે. આમ છતાં ઘણા કૂવાઓ સારી સ્થિતિમાં હોય છે. એમાં પાણી પણ હોય છે. પાણીવાળા ઘણા કૂવા ઊંડા પણ ખૂબ હોય છે. આવા કૂવાઓમાં બળદ, ગાય, પાડા, ભેંસ, ગધેડા જેવાં પ્રાણીઓ અનાયાસે પડી પણ જતાં હોય છે. કયારેક આવા પાણીવાળા કૂવાઓમાં ઘણી વ્યકિતઓ ઝંપલાવીને આત્મહત્યા પણ કરી દેતી હોય છે.
તો કયાંક વળી વ્યકિતનું ખૂન કરીને લાશને કૂવામાં પણ ફેંકી દેવામાં આવતી હોય છે. હમણાં જ એક બાપે એના બાર ચૌદ વર્ષના પુત્રને કૂવામાં ફેંકી દીધો હતો. જે છેવટે મરેલી હાલતમાં હાથ લાગ્યો હતો. સૌરાષ્ટ્રના ગીર પ્રદેશમાં અવાવરુ કૂવાઓમાં સિંહ પણ પડી ગયાની ઘટનાઓ બનેલી છે. ગામડાંઓમાં તો ઘરકંકાસથી કંટાળીને કેટલીક મહિલાઓ કૂવો પૂરતી હોય છે. ઘેંટાં બકરાં જેવાં નાનાં પ્રાણીઓ ચરતાં ચરતાં ભૂલથી અવાવરુ કૂવાઓમાં પડી જતા હોય છે. સાપ તથા અજગર જેવા સરિસૃપ જાનવરો પણ કયારેક કૂવામાં પડી જતા હોય છે. જેના નસીબમાં જીવવાનું લખ્યું હોય છે તેને કૂવામાંથી બહાર પણ કાઢવામાં આવતા હોય છે. આમ હવે જે કૂવાઓનો કોઇ ઉપયોગ નથી થતો એવા તમામ કૂવા સરકારે પૂરાવી દેવા જોઇએ. ગામડાંઓમાં સરપંચને આવા ઉપયોગવિહોણા કૂવા પૂરવાની કાયદાકીય ફરજ પાડવામાં આવવી જોઇએ. જે કૂવાઓનો ઉપયોગ થતો હોય એવા કૂવાઓની આજુબાજુ મજબૂત આવરણ કે લોખંડની જાળીઓ લગાડવાની સરકારી રાહે તાકીદ કરવી જોઇએ. એ જ રીતે ખુલ્લા બોરવેલ ઉપર પણ ઢાંકણ લગાડવા માટે કહેવું જોઇએ. જો આમ થાય તો ઘણા નિર્દોષ જીવો બચી જવા પામે ખરા. લોકોએ પણ આવા કામમાં સહભાગી થઇને કૂવાઓ પૂરી દેવા જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.