Business

હીરા કારખાનેદારો માટે ખુશખબર, જાણીતી માઈનીંગ કંપની રફ ડાયમંડ વેચવા સુરત આવશે

સુરત: મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સની (BDB) મુલાકાતે આવેલા રશિયાની (Russia) ડાયમંડ માઇનિંગ કંપની અલરોઝાના (Alroza) ડેપ્યુટી સીઇઓ એવગેની એગુરેવ ગ્રાહક બાબતોના પ્રમુખ સ્ટેનિસ્લાવ માર્ટનસ અને ડિમિત્રી એમએલક્ને GJEPCના ચેરમેન કોલિન શાહ (Colin Shah) અને વાઇસ ચેરમેન વિપુલ શાહ (Vipul Shah) સહિતના ઉચ્ચ પદાધિકારીઓ સાથે રફ ડાયમંડના (Rough Diamond) વેપારને લઇ ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં GJEPCએ સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરમાં (International Dia trade center) રફ ડાયમંડનું ઓક્શન યોજવા અલરોઝાના અધિકારીઓને વિનંતી કરી હતી.

  • GJEPCના ચેરમેન કોલિન શાહને વાઇસ ચેરમેન વિપુલ શાહની હાજરીમાં અલરોઝાના ઉચ્ચ અધિકારીઓએ સુરતના ડાયટ્રેડ સેન્ટરમાં ઓક્શન રાખવા સંદર્ભે વિગતો મેળવી
  • હીરા ઉદ્યોગના જેટલા MSME કારખાનાઓ છે તેના માટે વ્યવસ્થા કરાશે, અલરોઝા ડાયમંડ ઉત્પાદન વધારવા માટે તૈયાર

તાજેતરમાં વિશ્વની બીજા ક્રમાંકની હીરાની ખાણ ગણાતી અલરોઝા માઇનિંગ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાતે આવ્યા હતા. અને તેમણે સુરત ડાયમંડ બુર્સ તથા ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કની (Gem and Jwellery Park) મુલાકાત લીધી હતી. મુંબઇમાં આવેલા ત્રણે અધિકારીઓ હીરાના વેપાર માટે નિર્ણાયક હોવાથી કાઉન્સિલે સુરતના MSME હીરા ઉદ્યોગકારોને SIDCના માધ્યમથી સીધી રફ સપ્લાય મળે તેના માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો.

આ સેન્ટર સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન (SEZ) હોવાની માહિતી પણ પ્રતિનિધિ મંડળને આપવામાં આવી હતી. સંવાદ દરમિયાન ડાયમંડના મેન્યુફેક્ચરિંગ સેક્ટરના MSME વિશ્વની ટોચની માઇનિંગ કંપની સાથે સીધા સંપર્કમાં આવે એ પ્રકારના મોડેલની કાઉન્સિલે ભલામણ કરી હતી. તે ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રત્નકલાકારો માટે ચાલતી સ્વાસ્થ્ય રત્ન યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે ડાયમંડ માઇનિંગ કંપનીઓ, સરકારો, બેંકરો, હીરા ઉત્પાદકો અને વિક્રેતાઓને સંયુકત પ્રયાસોને લીધે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ કોરોના મહામારીની મુશ્કેલીમાંથી બહાર આવી ગયો છે. જો આ દરખાસ્ત માન્ય રહેશે તો અલરોઝા વિશ્વની પ્રથમ માઇનિંગ કંપની બનશે. જે હીરા ઉદ્યોગના MSMEને સીધી રફ સપ્લાય કરનાર કંપની બનશે.

છેલ્લા બે વર્ષથી અલરોઝા સાથે તેને લઇને સંવાદ ચાલી રહ્યો છે જો તેમા સફળતા મળશે તો બંને દેશોને તેનો લાભ મળશે. અલરોઝા 31.5 મિલિયન કેરેટ હીરાના ઉત્પાદનને વધારે 33 મિલિયન કેરેટ લઇ જવા માંગે છે. GJEPCના વાઇસ ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે અલરોઝા સીધી રફ સપ્લાય માટે તૈયાર થશે તો ભારતમાં હીરા-ઝવેરાતનું ઉત્પાદન અને વેચાણ વધી શકે છે. રફની સીધી સોર્સિંગથી ભારતના હીરા ઉદ્યોગકારોને ખાસ કરીને MSMEને હીરા-ઝવેરાતનો વેપાર વધારી શકશે અને આંતરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા પણ આપી શકશે.

Most Popular

To Top