સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી બજાવે છે, પણ આપણે નાગરિકો જ્યાં ત્યાં કચરો અને પ્લાસ્ટિકની બેગ ફેકીએ છીએ. મેં જોયું છે કે કારમાંથી કચરો ભરેલી પ્લાસ્ટિકની બેગ ફૂટપાથ પર પધરાવે છે. કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નંખાય આવું નાગરિકોને કોણ શીખવી શકે? કચરા ગાડીઓ પોતાના નિયત સમયે કચરાનું વહન તો કરે જ છે. ગમે ત્યાં રસ્તા ઉપર પાનની પિચકારી મારવી એ શું નાગરિકોને શોભા આપે છે? પાનની પિચકારી મારનારાઓને મેં રોક્યા તો મને કહે: કે તારા બાપની જગ્યા છે? તારું શું જાય છે? નફ્ફટ લોકો હસતાં હસતાં ચાલી જાય છે, પણ તેના ઉપર કોઈ અસર થતી નથી. આપણી નાગરિક તરીકેની ફરજ બજાવીએ, કચરો ગમે ત્યાં ન નાખતા ડસ્ટબિનમાં જ નાખીએ તો સુરત હજી વધુ સુંદર બની શકે એમ છે. આ અંગેના અધિકારીઓ પણ નિષ્ઠાપૂર્વક સેવા કરે છે. તેજીને ટકોરો!
અડાજણ, સુરત – રમેશ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શહેરને સુરત માટે ઉપયોગી નેતાઓની જરૂર છે
સુરતના ધારાસભ્યો અને સસંદ સભ્યો સરકારના મંત્રીમંડળમા સ્થાન પામ્યા છે પરંતુ શહેરના હિતના કોઈ નોંધપાત્ર કામો અન્યાયપૂર્વક વર્તનથી હેરાન થાય છે. શહેરના ત્રણ મુળભુત સ્થળો જેવા કે સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા એરપોર્ટ દયનીય કક્ષાનું સ્ટેડીયમ નથી તથા એકપણ ઉચ્ચકક્ષાનું પર્યટન સ્થળ વિકસાવવામા આવ્યુ નથી. આટલી મોટી વસ્તી હોવા છતા સરકારી મહાવિદ્યાલયોની સંખ્યા ખુબ જ ઓછી છે. અડધા રનવેના એરપોર્ટને કારણે શહેરના ઉદ્યોગધંધા અને પર્યટનનો વિકાસ રૂંધાય છે. સુરત કરતા દશમા ભાગના રાજકોટ, વડોદરા તથા ભાવનગર શહેરોને અનેકગણી સગવડો પ્રાપ્ત થાય છે. સુરતને ખરેખર ચંદબાબુ નાયક (હૈદરાબાદ), વિજય રૂપાણી (રાજકોટ) અને અશોક ગેહલોત (જોધપુર) જેવા નેતાની અત્યંત જરૂર છે. શહેરના હાલના ધારાસભ્યો તથા સસંદસભ્યો ફક્ત સુરત મહાનગરપાલિકાના વિકાસકામોની રીબીન કાપીને તથા એવોર્ડ મેળવીને ખુશ થાય છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાને મળેલ તકનો ઉપયોગ કરી પોતાના શહેર માટે કંઈક યાદગાર કામો કરવા પડશે.
સુરત – અમીત દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.