Comments

ગુજરાતમાં પાણી માટે આપણે અત્યારથી આયોજન કરવાની જરૂર છે

૧લી મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે સરકારી તંત્ર ૩૧મી માર્ચ જશે એટલે તરત ગુજરાત દિવસની ઉજવણીમાં લાગી જશે. શક્ય છે કે લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે ગુજરાત ભાજપના પક્ષ પ્રમુખની જાહેરાત થાય. કોંગેસમાંથી ભાજપમાં આવેલા અને વિધાનસભાની ચૂંટણી જીતેલા ઉમેદવારો હવે મંત્રી મંડળમાં સ્થાન પામવાની રાહ જોઈ રહ્યા છે, તેમની પણ તરસ છીપાય. જો કે, પ્રજાની તરસ છીપાવવા સરકાર શું આયોજન કરે છે તે જોવું રહ્યું કારણ કે, મે મહિનો આવતા જ ગુજરાતના અનેક જીલ્લામાં પાણીની દારુણ સ્થિતિ અને તંત્રની લાચારી જોતા જ આપણને એમ થાય કે મેં હસું યા રોઉં?. જ્યાં નર્મદા વહે છે, ત્યાથી નજીકના ગામડામાં બહેનો દૂર પાણી ભરવા જવું પડે છે.

ગુજરાતમાં પાણીની તંગી આજની નથી. કોંગ્રેસના શાસનમાં જે ન થયું તે ભાજપના ૨૫ વર્ષના શાસનમાં પણ ના થયું. આ વર્ષ તો ચૂંટણીનું હતું છતાં સરકારને જાણે કે નિરાંત હતી કે ગુજરતમાં પાણીનો પ્રશ્ન વિકટ નથી અને હોય તો પણ એ વોટીંગમાં અસર કરવાનો નથી. ગુજરાતના છ જીલ્લામાં છ મહિના પાણી નહિ આવે તો ય લોકો બોલવાના નથી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા તો છેવાડાનાં જીલ્લા છે, પણ રાજકોટ જેવા જીલ્લાઓમાં પાણીની તકલીફ છે. આ જળ સંકટ આજનું નથી, ગયા વર્ષે પણ સરકારે ખેડૂતોને ઉનાળુ પાક ના લેવા વિંનતી કરી હતી. ગુજરાતની જીવાદોરી સમી નર્મદામાં પણ પાણી ખૂટ્યા છે, ત્યારે થાય કે ક્યાંકને ક્યાંક આપણે જળ વ્યવસ્થાપનમાં ઉણા ઉતર્યા છીએ.

ગુજરાતમાં માત્ર પીવાના પાણીની તંગી છે એવું નથી, ખેતી માટે પણ પાણી નથી. હા ઉદ્યોગોએ બુમો નથી પાડી એ આશ્ચર્યની વાત છે. કારણ કે, ઉદ્યોગોને પણ પાણી ખૂબ જોઈએ છે. માટે એક શંકા એ પણ જાય કે વધારે પડતા ઉદ્યોગીકરણને કારણે તો આપણા તળના નીર ઊંડા નહિ ગયા હોય ને? આ ઉદ્યોગો વધારે પાણી ખેંચી જાય છે અને ખૂબ પાણી પ્રદુષિત કરે છે તે તો આપણા જળ સંકટ માટે જવાબદાર નહી હોય ને? ગુજરાતના સ્થાપના દિવસ નિમીત્તે જ્યારે અનેક મેસેજો ગુજરાત ગૌરવના જોયા ત્યારે થયું કે આપણે શહેરીજનોને આ ગ્રામ્ય પ્રજાની, પાયાની જરૂરિયાત માટે તરસતી પ્રજાની કેવી મશ્કરી કરીયે છીએ. આપણે કેવા ભ્રામક ખુશીના, જાતે જ પીઠ થાબડવાના કાર્યોમાં રત રહીએ છીએ.

જો આપણે બધા ખરેખર ગુજરાતી અને ગુજરાતનું હિત જોનારા છીએ તો આપણને રાજકોટમાં ત્રણ દિવસે પાણી મેળવતા લોકો કે બનાસકાંઠામાં કિલોમીટર દૂરથી થોડું પાણી ભરી આવતી સ્ત્રીઓની ચિંતા થાય છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો વખતે આપણે લખ્યું હતું કે આપણા શહેરી મતદારો માત્ર પોતાની જ હાલત વિશે વિચારે છે. આપણા ગ્રામીણ મતદારો અને શહેરી મતદારો જુદા મુદ્દે વોટીંગ કરે છે અને ગુજરાતમાં કુલ વસ્તીના ૪૫ ટકા શહેરી વસ્તી છે. અહીં ફ્લેટના ત્રીજા માળે બાથરૂમમાં પાણી આવે છે અને મકાન વેચનારા બિલ્ડરો જાહેરાત કરે છે ૨૪ કલાક પાણી મળશે અને આ બિલ્ડરો બોર ` બનાવી પાણી ખેંચી લે છે.

આ કુદરતી સંપત્તિ કોઈ પણ લૂંટી લે છે અને આ સગવડ ભોગવનારા ક્યારેય પેલા તરસ્યા લોકો અને સુક્કા ખેતરોની તકલીફ સમજી શકતા નથી કે, ના એમની તકલીફ દૂર કરવા સરકાર પર દબાણ બનાવે છે અને વાત માત્ર પાણીની નથી. કોઈપણ સરકારનું મૂલ્યાંકન કેવી રીતે કરાય? તો કે એ સરકારી તંત્ર દ્વારા અપાતી જાહેર સેવાઓનું મૂલ્યાંકન કરો, એની હાલત તપાસો અને ગુજરાતના સરકારી દવાખાનાની હાલત તપાસો, ગુજરાતની જાહેર પરિવહન સેવાની હાલત તપાસો. ગુજરાતની સરકારી શાળામાં જાવને તમારી જાતને પૂછો કે તમે અહીં તમારા બાળકને ભણાવશો? અને શહેરોના ટ્રાફિકનો અનુભવ કરો. કાયદો અને વ્યવસ્થા તપાસો.

આપણે રોજ સવાર પડેને આપણી હાલતને કોંગ્રેસના શાસન સાથે સરખાવીએ છીએ અને ગુજરાતને બિહાર અને ઉત્તરપ્રદેશ સાથે સરખાવીએ છીએ. આપણે આ બંધ કરવું જોઈએ. આપણે કોંગ્રેસ કે યુપી-બિહાર સાથે લેવા દેવા નથી. આપણે આપણી રોજીંદી જરૂરિયાતો સાથે લેવા દેવા છે અને આપણે જ્યારે બુલેટ ટ્રેન કે મેટ્રો ટ્રેનના લાખો-કરોડો રૂપિયા વાપરવા બેઠા હોઈએ, દુનિયામાં આપણા રાજ્યને મોડેલ સ્ટેટ કહેતા હોઈએ ત્યારે આ મોડેલ સ્ટેટ આ વિકાસનો અનુભવ ગુજરાતના છેલ્લા માણસને પણ થવો જોઈએ. અર્થશાસ્ત્રમાં કહેવાયું છે કે સાધનો માર્યાદિત છે અને જરૂરિયાતો અમર્યાદિત એટલે બુદ્ધિશાળી માણસ એ છે જે પોતાની જરૂરિયાતોનો કર્મ નક્કી કરે.

દુનિયાના જે દેશોમાં બુલેટ ટ્રેન છે ત્યાં બીજી બાજુ પીવાના પાણી માટે મહિનાઓ સુધી વલખા મારતા લોકો નથી. પ્રાથમિક શિક્ષણના અભાવે રખડતા બાળકો નથી, હોસ્પિટલોમાં સગવડના અભાવે રખડતા દર્દીઓ નથી. એ દેશોમાં પાયાની જરૂરિયાતો પત્યા પછી આધુનિકીકરણ થયું છે. આપણો જો ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનું આપણને ગૌરવ હોય તો આપણા જ ભાઈઓ તરસ્યા હોવાનું આપણને દુ:ખ પણ હોવું જોઈએ. મે મહિનો માત્ર ગરમીનો મહિનો નથી, એ તરસ અને પાણીની તંગીનો પણ મહિનો છે અને તે માટે પ્રજાએ તથા સરકારે અત્યારે એપ્રિલ મહિનાથી જ આયોજન કરવું પડશે. બાકી કહેવાય છે કે આ વખતે ગરમી બધા રેકોર્ડ તોડવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top