Business

અમારે લૂંટાવું છે.. છે કોઈ લૂંટવાવાળું?!

છે લ્લા સાતેક મહિનામાં વિભિન્ન  સમાચાર માધ્યમોમાં ચમકેલાં  આ કેટલાંક શીર્ષક પર નજર ફેરવી જઈએ,જેમ કે…. મોંઘાં મોબાઈલનો જ્થ્થો મેળવવાની લાલચમાં 24,00,000 ગુમાવ્યાં…. વિદેશી મિત્રની જ્વેલરી ગિફટમાં લેવાની લાલચ 25,00,000 લાખમાં પડી.… ઊંચા વ્યાજના લોભમાં 94,00,000 ગાયબ.. દારૂની તલપ એક ડૉકટરને 1,40,000 પડી… ‘ફેસબુક’ની ફ્રેન્ડશીપ પાછળ એક મહિલાને 44,00,000 ગુમાવવાની  નોબત આવી…  હવે તમને ખ્યાલ આવી ગયો હશે  કે આજનો આપણો વિષય શું છે, પણ્ ના..અહીં આપણે માત્ર સાઈબર ફ્રોડ કે ક્રાઈમની વાત નથી કરવી…

જેમ ‘દુનિયા ઝુકતી હૈ..ઝુકાનેવાલા ચાહીયે…’ એથી વિરુધ્ધ અહીં કેટલાક લોકો લૂંટાવા બેઠા છે. બસ, ઉત્સુકતાથી રાહ જોઈને બેઠા છે એમને લૂંટવાવાળાની! હવે થોડાં ફ્લેશબૅક્માં જઈએ.. નોટબંધી પછીની કટોકટી વખતે  આર્થિક વ્યવહાર માટે ડિજિટલ આપ-લે પર વધુ ધ્યાન  આપવાનું  સરકાર તરફ્થી સૂચન વત્તા તાકીદ હતી. પરંપરાગત  ભારતીય અર્થવ્યવસ્થા રોકડ લેતી-દેતી  પર વધુ અવલંબે છે એમાં અચાનક નોટબંધી ત્રાટકી પરિણામે આપણું અર્થતંત્ર સમૂળગું  કડડભૂસ થઈ જશે એવી તીવ્ર આશંકા હતી. શરૂઆતમાં નોટબંધીની આડઅસર પણ દેખાવા માંડી.

કેટલાક મહિના રોકડ અને ડિજિટલ વચ્ચેની અવઢવમાં વીત્યા  પણ પછી બધાના સદભાગ્યે,મહાનગરોના શહેરીજનોથી લઈને  ગામલોકોએ ધાર્યા કરતાં ઓછા સમયમાં ડિજિટલ અર્થ-વ્યવસ્થા અપનાવી લીધી. દેશના ઝડપી વિકાસ માટે આ બહુ જરૂરી હતું. આર્થિક ક્ષેત્રે ડિજિટલ યુગમાં આપણે જેમતેમ ઝડપથી પ્રવેશી તો ગયા પણ એની સાથે આપણે એની કેટલીક આડ-અસરો પણ લઈ આવ્યા, જેમ કે   સાઈબર  ક્રાઈમ- અપરાધ રૂપે… એને રોકવા- અટકાવવા માટે આપણા કાયદા-કાનૂનના હાથ ન તો લાંબા હતા કે ન તો સુસજ્જ. આ પરિસ્થિતિથી આપણે પૂરા અવગત થઈએ એ પહેલાં આ ડિજિટલ દૈત્યના વરવાં રૂપ-સ્વરૂપ જોવાં મળ્યાં.

– આપણે ડિજિટલ પધ્ધતિથી આર્થિક વ્યવહાર કરતાં શીખ્યાં પણ એમાં કઈ રીતે અપરાધ આચરવામાં આવે છે એ વિશે ન તો આપણને મૂળભૂત જ્ઞાન હતું  કે  ન તો એના વિશે પ્રાથમિક માર્ગદર્શન આપનારું કોઈ હતું. પરિણામે આપણે ત્યાં શરૂઆતમાં જે ઓનલાઈન અપરાધ થયા એમાં સાઈબર ગુનેગારોની હોંશિયારી  કરતાં આપણી અજ્ઞાનતા વધુ હતી. લોકડાઉનમાં દારૂની દુકાનો બંધ હતી ત્યારે ઘણાએ નશાની તલપમાં ઓનલાઈન દારૂ મંગાવ્યો ને ડિજિટલ પેમેન્ટ કરવા જ્તાં પોતાના ઍકાઉન્ટની બધી જ માહિતી પૂરી પાડી દીધી એમાં ઘણાના ઍકાઉન્ટમાંથી 7000થી લઈને 4,70,000 સુધીની  રકમ અલોપ થઈ ગઈ!  

– આ બીજો કિસ્સો આપણા બધા માટે આંખ ઉઘાડનારો છે. મુંબઈની એક યુવતી પોસ્ટ ગ્રેજ્યુએશનના વધુ અભ્યાસ માટે નેધરલેન્ડ જવાની તૈયારીમાં હતી. એ માટે સારી એવી બચત પણ કરી રાખી હતી. કઈ બૅન્ક દ્વારા એ રકમ વિદેશ મોકલી શકે એની ‘ગુગલ’ સર્ચમાં એનો સંપર્ક એક રાષ્ટ્રીયકૃત બૅન્ક સાથે થયો. એના કોઈ એક  ઑફિસરે એને એક લીન્ક મોકલી. એ દ્વારા એ વિદેશ સત્તાવાર રીતે રકમ મોકલી શકશે એવી ‘સમજણ’ આપી. પેલી યુવતીએ એ લીન્ક ક્લિક કરી અને ગણતરીના કલાકોમાં એના ઍકાઉન્ટ્માંથી વિદેશ અભ્યાસ માટે બચાવેલા રૂપિયા 5,00,000 ગાયબ…! 

શરૂઆતમાં આવી બેવકૂફી અને અજ્ઞાનને કારણે આવા  કિસ્સા ઘણા બન્યા અને   આજે પણ હ્જુ બહાર આવી રહ્યા છે. આ પ્રકારના ગુના અટકાવવા આપણે ત્યાં સાઈબર ક્રાઈમ સેલની રચના થઈ ત્યારે  એના અધિકારીઓને  પણ પલ્લે નહોતું પડતું કે  આવા ઓનલાઈન અપરાધોને નાથવા કેમ? જો કે હવે આ દિશામાં આપણે ત્યાં સાઈબર સેલ વધુ કાર્યક્ષમ અને અનુભવી બની રહ્યું  છે. સાઈબર ગુનાખોરીથી કેમ સુરક્ષિત રહેવું એનું માર્ગદર્શન પણ આ સેલ નિયમિત આપે છે અને ખરે ટાંકણે સાઈબર ક્રાઈમના ભોગ બનવામાંથી પણ ઉગારે છે. આ કિસ્સો જાણવા જેવો છે…

મુંબઈના એક વેપારી  મોંઘાં મોબાઈલના ધંધામાં હ્તા. ત્રણેક મહિના પહેલાં એ વાયા વાયા ગ્વાલિયરની એક સેલફોન કંપનીના માલિકના પરિચયમાં આવ્યા. એમને જ્થ્થાબંધ મોબાઈલ ખરીદવા માટે ખાસ ડિસકાઉન્ટની ઑફર મળી. સેલ ફોન મોંઘી કિંમતના હતા પણ વળતર પણ ધાર્યા કરતાં સારું હતું એટલે એમણે ૨૦૦ મોબાઈલ સેટનો ઑર્ડર ગ્વાલિયરની કંપનીને આપ્યો અને પેલાએ જણાવેલા બૅન્ક ઍકાઉન્ટમાં રૂપિયા 24,00,000 ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી દીધા. પછી ન તો માલ આવ્યો કે ન તો પેલા ગ્વાલિયરના વેપારી સાથે સંપર્ક થતો.

મુંબઈના વેપારીએ સાઈબર ક્રાઈમ સેલને ફરિયાદ કરી અને સાઈબર સેલે ઝડપી પગલાં લઈને પેલા ગ્વાલિયરવાળા લાપતા વેપારીને શોધી- એનો બૅન્ક  ઍકાઉન્ટ ફ્રીઝ કરી મુંબઈના વેપારીના 24,00,000 રૂપિયા તાત્કાલિક પરત કરાવ્યા… આવી જ રીતે ‘ તમારો વધારાનો ફ્લેટ મારે ભાડે જોઈએ છે..’ એવી મીઠી મીઠી વાતચીત કરી પોતે  આર્મી સાથે સંકળાયેલી ઑફિસર છે એવો પરિચય આપીને એક લલનાએ નિવૃત્ત ઈજનેરને લલચાવી ઓનલાઈન 1,00,000 રૂપિયા પડાવી લીધા. આ કેસ પણ મુંબઈ સાઈબરે ગણતરીના કલાકોમાં ઉકેલી આપ્યો હતો. આવા તો ઓનલાઈન ફ્રોડના અનેક કિસ્સા બનતા રહે છે. મહારાષ્ટ્ર- મુંબઈ સાઈબર ક્રાઈમ આવા અપરાધના ભોગ કઈ રીતે ન બનવું એનું જાહેર માર્ગદર્શન  આપતું રહે છે ઉપરાંત  કહે પણ  છે કે આમ છતાં અજાણતા આવા છટકામાં તમે સપડાવ તો તાત્કાલિક  અમને જાણ કરો અમે ૯૯ % તમારો કેસ ઉકેલી આપશું.

– જો કે આ દાવો સંપૂર્ણપણે ખરો ન પણ  કહેવાય.  આખા દેશની સરખામણીએ  મહારાષ્ટ્ર્-મુંબઈમાં સાઈબર ક્રાઈમની સંખ્યા સૌથી વધુ છે. છેલ્લા ૧૨ મહિનામાં અહીં ઓનલાઈન ફ્રોડની 58000થી વધુ ફરિયાદ મળી છે, જેમાંથી મુંબઈ એકલામાંથી 14000 ફરિયાદ મળી છે. એમાંથી હ્જુ 8૦૦ જેટલા કેસની સત્તાવાર પૂર્ણ  તપાસ થઈ છે. અન્ય  ફરિયાદો  હજુ તપાસના તબક્કામાં છે. બીજી તરફ, દિલ્હી-રાજ્સ્થાન   સાઈબર પોલીસનો દાવો છે કે એણે અત્યાર સુધીમાં રૂપિયા 113 કરોડની રકમ પાછી મેળવી છે.   – ખેર, આવા દાવા તો થતાં રહેશે પણ સો વાતની એક મહત્ત્વની વાત એ છે કે આવા અપરાધની તાત્કાલિક ફરિયાદ થાય તો આપણા સાઈબર જાસૂસોને પણ કેસ ઉકેલવામાં સરળતા રહે અને સફળતા પણ મળે. – અહીં આપણે વાત માત્ર સાઈબર ક્રાઈમની નથી કરવી. માનવસહજ લોભ-લાલચ જેવી નબળાઈ પણ અપરાધીઓને  પ્રોત્સાહન આપે છે.

– ફેસબુક-ઈન્સ્ટાગ્રામ- ટિવટર -ઈત્યાદિ જેવી સોશ્યલ નેટ્વર્કિંગ સાઈટ પર ભેજાંબાજ અપરાધીઓ પણ એમની જાળ પાથરીને બેઠાં  હોય છે. મુંબઈ -ઘાટકોપરના એક બહેનને  ‘ફેસબુક’ પર એક વિદેશી યુવક સાથે  સારી એવી મિત્રતા થઈ. નિયમિત મેસેજની આપ-લે થતી. એમાં પેલા યુક્રેનનિવાસી યુવકે   ઘાટકોપરની મહિલાના બર્થ-ડે પર ખાસ આગ્રહ કરી ગિફ્ટ રૂપે થોડી જ્વેલરી મોકલી,  મહિલાએ અમુક ડ્યુટી આપીને એ પાર્સલ મેળવી લેવાનું હતું. થોડા દિવસ પછી એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો કે યુક્રેનથી ગોલ્ડ ઑર્નામેન્ટસનું પાર્સલ આવ્યું છે, ડ્યુટી તેમ જ ડિલિવરી ચાર્જની  કુલ રકમ 55000 રૂપિયા ફ્લાણી લીન્ક ક્લિક કરી પેમેન્ટ કરી દો. મહિલાએ હોંશે હોંશે એ ભરી દીધાં. એકાદ દિવસ પછી પેલા એના યુક્રેનના ફ્રેન્ડનો ફોન આવ્યો કે જ્વેલરી મોંઘી છે -હજુ  પણ થોડી રકમ ભરવી પડશે… સસ્તી કિંમતે આવી મોંઘી જ્વેલરી  ભેટમાં મળી જશે એની લાલચમાં આપણાં ઘાટકોપરવાસી બહેને  અલગ અલગ તબક્કે કુલ 1,50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા. હવે નથી પેલાં પાર્સલનો અત્તોપત્તો કે નથી પેલા  યુક્રેનના એના ફ્રેન્ડનો..! એમની ફરિયાદ પછી સાઈબર સેલની તપાસ ચાલે છે…  જો કે આવી જ ઠગાઈના એક કિસ્સામાં મુંબઈ સાઈબરને સફળતા મળી પણ છે. સસ્તા ભાવે સોનું મેળવવાની  લાલચે  મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી એક લેડીએ કોઈ કહેવાતા ઉચ્ચ અધિકારીની વાતમાં આવીને પેલાના ત્રણ બૅન્ક ખાતામાં  તબક્કા વાર  25,00,000ની રકમ જમા કરાવી પછી એને પોતાની બેવકૂફીનું ભાન થતાં એ  સાઈબર ક્રાઈમ સેલ પાસે પહોંચી અને ગણતરીના દિવસોમાં જ સાઈબર પોલીસે રાજસ્થાનના ભીલવાડાથી પેલા ધુતારાને ઝડપી લઈને 25,00,000 પરત પણ મેળવ્યા.

– લાલચ ઉપરાંત કેટલીક વાર ભયના માર્યા પણ લોકો ભેજાબાજ ઠગના સકંજામાં સપડાઈ જતા હોય છે. આયરલૅન્ડમાં અભ્યાસ કરતા મુંબઈના એક વિદ્યાર્થીને અમેરિકાના એક નંબરથી ફોન મળ્યો કે ‘ તેં ફલાણી વેબ સાઈટ વિઝિટ કરી એમાં  તારું મુંબઈનું બૅન્ક ઍકાઉન્ટ હૅક થઈ ગયું છે. એ ખાતામાં રહેલી રકમ સેફ રાખવા માગતો હોય તો અમે માગીએ તે બૅન્કની વિગતો અમને આપ…’  ડરીને પેલાએ વિગત આપી દીધી. પછી એ વાત એણે મુંબઈ એના પિતાને કહી.

પિતાએ સાઈબર સેલને જાણ કરી. આ દરમિયાન પેલા ઈ-ઠગોએ  વિદ્યાર્થીના ખાતામાંથી 5,50,000 રૂપિયા ઉપાડી લેવાની પેરવી શરૂ કરી હતી ત્યાં સાઈબર સેલે બૅન્કને સમયસર ચેતવીને 5,50,000ની ટ્રાન્સ્ફર અટકાવી દીધી. – આમ અપરાધની આવી ઘટનાઓ પરથી એ પણ સાબિત થાય છે કે સામાન્ય પ્રજાજનને   ડિજિટલ અને  ઓનલાઈન માધ્યમનું અજ્ઞાન ઉપરાંત લોભ-લાલચ અને ભય  જેવી એની ખુદની માનવસહજ નબળાઈઓ  પણ સાઈબર લૂટારા  અને ધુતારાઓને આવા અપરાધ તરફ વધુ આકર્ષે છે. આવા ઓનલાઈન તરકટીઓથી હેમખેમ રહેવાનો એક જ ઉપાય છે : ડિજિટલ આર્થિક વ્યવહારનું જ્ઞાન કેળવો અને પૂર્ણપણે સતર્ક રહો….

Most Popular

To Top