Madhya Gujarat

આપણને નમાલો વિપક્ષ મળ્યો છે: મંત્રી

નડિયાદ: કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી થઈ રહી છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી.એસ શ્રીસ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિશાળ જનસભામાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પૂ.સર્વમંગલ સ્વામી (નડિયાદ મંદિરના કોઠારી), પૂ.ભગવત ચરણ સ્વામી (આણંદ મંદિરના કોઠારી), અક્ષરનયન સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણે પોતાની રાજકીય કારકિર્દીમાં આશીર્વાદરૂપી મદદ કરનારાઓને બિરદાવ્યાં હતાં અને સંનિષ્ઠ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. જ્યારે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાંએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ સહિત વિપક્ષી દળો ઉપર આકરાં પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નબળો અને નમાલો વિપક્ષ મળ્યો છે, જે જુઠ્ઠાણું ફેલાવે છે અને એ પણ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરે છે. ૧૪ વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા. અગાઉ સાંસદને ગેસની માત્ર દસ કુપન મળતી હતી. નર્મદાના નીર ગુજરાતમાં ખેતરે-ખેતરે પહોંચ્યા, તેનો યશ નરેન્દ્રભાઈ મોદીની સરકારને જાય છે.

ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટે લાખો રૂપિયા સાથે સરપંચોને અધિકાર પણ આપ્યા. જેમાં પુરે પુરી વહીવટમાં પારદર્શિતા એ નરેન્દ્રભાઈ મોદી સરકારની સહુથી મોટી દેન છે. કોંગ્રેસે તેના કાર્યકાળમાં ખેડૂતોને કઈંજ નથી આપ્યું. આજે ખેડૂત સન્માનનિધિના નાણાં સીધા ખેડુતોના બેંક ખાતામાં જમા થાય છે. કોરોના સામે પણ પણ દેશ અને દુનિયાના લોકોને રક્ષા કરવામાં પણ આ દેશના તબીબો, પાઈલોટો વગેરેએ જીવના જોખમે કામ કરી દવાઓ અને રસી પહોંચાડી છે. ભારત મદદ કરનારા દેશ તરીકે દુનિયામાં ઓળખાયો એનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને સહીસલામત લાવવાનું કામ ભારત સરકારે કર્યું છે. વિકાસના કામોએ દેશમાં હરણફાળ ભરી છે. રોડ, કૃષિ, આરોગ્ય તમામ ક્ષેત્રે ભારતમાં વિકાસ થયો છે. તેમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારનું નોંધપાત્ર યોગદાન છે. આ વિશાળ જનસભામાં પૂર્વ સાંસદ ડો.કે.ડી.જેસવાણી, ખેડા જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ખેડા-અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top