Charchapatra

અંધશ્રદ્ધા સામે લડનારાં બિરુબાલા જેવું આપણે પણ કરીએ

આસામમાં છેક ૧૯૮૫ થી અંધશ્રદ્ધા વિરોધી ઝુંબેશ ચલાવનાર અને તે માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ મેળવનાર આસામી મહિલા બિરૂબાલાનું ગત ૧૩ મેના રોજ અવસાન થયું છે. ૨૦૨૧ માં તેને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી ઇલકાબ એનાયત થયો તે અરસામાં તેને કેન્સરનું નિદાન થયેલું. ગૌહતીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ રાખવાની સાથે પોતાની તબિયતે ગત વર્ષે ગંભીર વળાંક લીધો ત્યાં સુધી અંધશ્રદ્ધા વિરોધી ઝુંબેશ જોરશોરથી ચાલુ રાખી હતી. આ મહિલાનો માત્ર ૫ ધોરણ સુધી જ અભ્યાસ હતો.

પરંતુ ૧૯૮૫માં તેમનો સૌથી મોટો પુત્ર માંદો પડ્યો. સ્થાનિક ભુવાએ નિદાન કર્યું કે તે એક પરીના પ્રેમમાં છે અને ત્રણ દિવસમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે. પણ ત્રણ દિવસમાં કાંઈ થયું નહીં. ઉલ્ટું, પુત્ર સામે થયો. ત્યારથી બિરુબાલાએ અંધશ્રધ્ધા વિરોધી- ખાસ કરી ડાકણ પ્રથા સામે- ઝુંબેશ શરૂ કરી અને આસામના કોઈ પણ ભાગે કોઈ સ્ત્રીને ડાકણ ગણી અત્યાચાર થયાના સમાચાર મળે તેની કડકડતી ઠંડી હોય કે બળબળતી ગરમી કે અંધારી રાત હોય, તે ગામ પહોંચી જતી. તેણી પર હુમલાઓ થતા, ગાળોનો વરસાદ વરસતો.

પરંતુ તે એકલે હાથે પીડિત મહિલાને અત્યાચારથી છોડાવીને જ જતી.  ૨૦૦૧માં તેમણે કેટલાક સાથીઓની મદદથી ‘મહિલા સમિતિ’ ના નેજા હેઠળ આ ઝુંબેશ વેગવંતી બનાવી હતી. પછી ૨૦૧૧માં બિરૂબાલા મિશન’ સંસ્થાની સ્થાપના કરી. તેમાં કેટલાંક કર્મશીલો, વકીલો તેમજ પીડિત મહિલાઓ જોડાતાં સંગઠન મજબૂત થયું. તેણે એકલે હાથે ડાકણ તરીકેના અત્યાચારોથી ૩૫ મહિલાઓને અને સંસ્થાની મદદથી ૫૫ પીડિત મહિલાઓને મુક્ત કરાવી છે. કોઈ વ્યક્તિની હિંમત કેટલું મોટું પરિવર્તન લાવી શકે તેનો ઉત્તમ નમૂનો બિરુબાલાની કામગીરી પૂરો પાડે છે.

બિરૂબાલાની આ ઝુંબેશનો પડઘો માત્ર ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરી પૂરો પાડયો નથી. તે અગાઉ આસામ સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાનૂન ખરડો (Bill) ૨૦૧૫માં રાજ્ય ધારાગૃહમાં રજૂ કરી તેને કાયદો બનાવી પણ દીધો છે. ગુજરાતમાં આવો કાનૂન ઘડવા ગુજરાત-મુંબઈ રેશનાલીસ્ટ એસોસીએશન, ગોધરા-અમદાવાદ, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, પાલનપુર તેમ જ સુરતની સત્યશોધક સભા અથાગ મહેનત કરી રહેલ છે, પરંતુ સરકાર જરા પણ મચક આપતી નથી. જેનાથી લાખો રૂા. ની છેતરપિંડી થાય છે, બાળકોને રોગની સારવાર માટે કામ અપાય છે. સ્ત્રીઓનું યૌન શોષણ કરાઈ રહ્યું છે, આ ધંધા ગૌરખધંધા બંધ કરાવવાનું આટલી રજૂઆતો પછી પણ સરકારને કેમ સૂઝતું નથી તે પ્રશ્નાર્થ છે. આ સરકારને પ્રગતિશીલ અને ગતિશીલ કહી શકાય?
પાલનપુર  – અશ્વિન ન. કારિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top