વોશિંગ્ટન: (Washington) ઓકટોબર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે અમેરિકામાં (America) ગેરકાયદે (Illegal) રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા વિક્રમી ૯૬૯૧૭ ભારતીયોની ધરપકડ થઇ છે એમ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન(યુસીબીપી)ના છેલ્લામાં છેલ્લા આંકડાઓ જણાવે છે.
- એક વર્ષમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતા ૯૭૦૦૦ જેટલા ભારતીયો પકડાયા
- આમાંથી ૩૦૦૦૦ જેટલા કેનેડિયન સરહદે અને ૪૧૦૦૦થી વધુ મેક્સિકન સરહદેથી પકડાયા
- છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા પકડાઇ જતા ભારતીયોના પ્રમાણમાં પાંચ ગણો વધારો
અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે પકડાઇ જતા ભારતીયોના પ્રમાણમાં છેલ્લા કેટલાક વર્ષમાં પાંચ ગણો વધારો થયો હોવાનું કહેવાય છે. ૨૦૧૯-૨૦માં આ રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ૧૯૮૮૩ ભારતીયો પકડાયા હતા. ૨૦૨૦-૨૧માં ૩૦૬૬૨ ભારતીયોની ધરપકડ થઇ હતી જ્યારે ૨૦૨૧-૨૨માં આ આંકડો ૬૩૯૨૭નો થયો હતો એમ ડેટા પરથી જાણવા મળે છે. ઓકટોબર ૨૦૨૨ અને આ વર્ષન સપ્ટેમ્બર વચ્ચે જે ૯૬૯૧૭ ભારતીયો પકડાયા છે તેમાંથી ૩૦૦૧૦ કેનેડિયન સરહદે અને ૪૧૭૭૦ મેક્સિકો સાથેની સરહદેથી પકડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનું નાણાકીય વર્ષ ૧ ઓકટોબરથી ૩૦ સપ્ટેમ્બર સુધીનું હોય છે તેથી આ સમયગાળા માટે આંકડાઓ આપવામાં આવે છે. જેમની ધરપકડ કરવામાં આવે છે તેમને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવે છે – સંગાથીઓ સાથેના સગીર વયના લોકો, કૌટુંબિક એકમમાંના લોકો, એકલા પુખ્ત વયના લોકો અને સંગાથ વિનાના સગીર વયના બાળકો. ભારતીયોની રીતે જોઇએ તો નાણાકીય વર્ષ ૨૦૨૩માં એકલા પ્રવેશવાનો પ્રયાસ કરતા પુખ્તોનું પ્રમાણ સૌથી વધારે હતું જેમાં ૮૪૦૦૦ ભારતીય પુખ્તોએ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આ વર્ષ દરમ્યાન ધરપકડ કરાયેલા લોકોમાં ૭૩૦ સંગાથ વિનાના સગીર વયના લોકોનો પણ સમાવેશ થતો હતો.
ગેરકાયદે ઘૂસણખોરી અંગે સેનેટમાં બોલતા સેનેટર જેમ્સ લેંકફોર્ડે કહ્યું હતું આ લોકો અમેરિકા આવવા માટે ચાર જેટલી ફ્લાઇટો પકડે છે અને મેક્સિકો પહોંચે છે. મેક્સિકોમાં અમેરિકાથી સૌથી નજીકના એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ ત્યાંથી અમેરિકા સરહદ નજીક આવવા માટે બસ પકડે છે જે બસો કેટલીક ટોળકીઓ ચલાવે છે. આ લોકોને છેવટે સરહદ નજીક મૂકી દેવામાં આવે છે જ્યાંથી તેઓ અમેરિકામાં પ્રવેશે છે. …તેઓ કહી શકે છે કે મને મારા દેશમાં ભય છે. લેન્ડફોર્ડ ભારતીયોનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે આ વર્ષે ૪૫૦૦૦ ભારતીયો દક્ષિણ સરહદેથી(મેક્સિકોથી) અમેરિકામાં પ્રવેશ્યા છે. તેઓ કહે છે કે મેક્સિકન ગુનાખોર મંડળીઓ દુનિયાભરમાંથી આવતા લોકોને શીખવે છે કે અમેરિકામાં કેવી રીતે પ્રવેશવું અને શું જવાબ આપવો. આપણે દુનિયાભરમાં લોકોને આપણી સિસ્ટમનો લાભ લેવા આમંત્રી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું.