Dakshin Gujarat

ઉકાઈ જળાશયમાં ઝેરી શેવાળ દેખાતા આરોગ્યને લઈ લોકો ચિંતિત

વ્યારા: (Vyara) ઉકાઈ (Ukai) જળાશયમાં છેલ્લા ૧૫ દિવસથી દેખાઈ રહેલા શંકાસ્પદ કેમિકલ્સયુક્ત (Chemical) પાણીના કારણે લોકો ચિંતિત બન્યા છે. આ પાણીનો પીવા (Drinking Water) માટે ઉપયોગ કરતા લાખો લોકોનાં આરોગ્ય (Health) સાથે ખીલવાડ થવાની દહેશત વચ્ચે વહીવટી તંત્ર આ મામલે તાબોટા પાડતું જોવા મળ્યું છે. આ ઝેરી શેવાળનો સેંકડો ટન જથ્થો દેખાઈ આવ્યો છે. કહેવાય છે કે, પાણીમાં આ હાનિકારક શેવાળ ત્યારે જ ઉત્પન્ન થાય છે, જ્યારે પાણીમાં પ્રદૂષણની માત્રા વધવાની સાથે સાથે તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધું હોય. શેવાળ એ એક પ્રકારનાં માઇક્રોસ્કોપિક સજીવો છે, જે સૂર્યપ્રકાશમાંથી ઊર્જા ઉત્પન્ન કરવા પ્રકાશ સંશ્લેશણનો ઉપયોગ કરે છે. થોડાક પ્રકાશે તે ઝેર ઉત્પન્ન કરી શકે છે. ઝેરનું ઉત્પાદન તેની પર્યાવરણીય પરિબળો પર અસર કરે છે. આલ્ગીનું ઝેર આસપાસના પાણી અથવા હવામાં ભળતા તે લોકો, પ્રાણીઓ, માછલીઓ અને ઇકોસિસ્ટમના અન્ય ભાગોને ગંભીર રીતે નુકસાન કરે છે.

  • ઉકાઈ જળાશયમાં છેલ્લા ૧૫ દિવસથી દેખાઈ રહેલા શંકાસ્પદ કેમિકલ્સયુક્ત પાણીના કારણે લોકો ચિંતિત
  • તપાસમાં વિલંબ થતાં હવે જળાશયના પાણીમાં ઝેરી શેવાળનો વિપુલ જથ્થો સપાટીએ દેખાયો
  • જળાશયનું પાણી ઝેરી કેમિકલ્સયુક્ત છે કે કેમ? એ જાણવા હજુ ૧૫ દિવસ સુધી રાહ જોવી પડશે

હાલ તો ઉકાઈ જળાશયની ડેમ તરફની સપાટીમાં એકાએક ઝેરી શેવાળનું સ્તર ઊંચું આવ્યું છે. ખાસ તો આ ઝેરી શેવાળ જળચર પ્રાણી કે માનવ માટે ઘાતક છે કે કેમ ? કેટલીક શેવાળના ઝેરથી દૂષિત થયેલા પાણીમાં ઉછેરાતી માછલી ખાવાથી લકવો કે અન્ય ગંભીર બીમારી પણ થઈ શકે છે. મોટા પ્રમાણમાં ઝેરી શેવાળ પેટમાં જવાથી લીવરને પણ નુકસાન થઈ શકે છે. જો તેનું પ્રમાણ ઓછું હોય તો લાંબા ગાળે સ્વાસ્થ્યને ગંભીર અસરો કરે છે. આવી ગંભીર બાબત હોવા છતાં હાલ વહીવટી તંત્રએ અચાનક પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળી આવેલી શેવાળનો પ્રકાર પણ જાણવાની તસદી લીધી નથી. સામાન્યત: મોટા જળાશયોમાં અચાનક પાણીની સપાટીએ મોટા પ્રમાણમાં તરી આવતી શેવાળ પ્રદૂષણ કે ઝેરી કેમિકલ્સયુક્ત પાણી અથવા તો જ્યાં ગંધકનું પ્રમાણ વધુ હોય તેવા પાણીનાં સ્તરો પર દેખાઈ આવે છે. હાલ અચાનક ઉકાઈ જળાશયમાં દુર્ગંધ મારતું, શંકાસ્પદ કેમિકલ્સયુક્ત પાણી દેખાયાને ૧૫ દિવસ થઈ ગયા છે.

આ સમગ્ર શેવાળનો જથ્થો ઉકાઈ ડેમમાં આગળ ભરેલ પાણી કે જ્યાંથી તાપી નદી અને કેનાલમાં પાણી છોડાઈ રહ્યુ છે તે ભાગે ઝેરી શેવાળનો વધુ પડતો જથ્થો તરતો દેખાઇ આવ્યો છે. ત્યારે આ ઝેરી શેવાળ યુક્ત પાણી બહાર આવવાની તેમજ લોકોનાં આરોગ્ય સાથે ખિલવાડ કરવાની શક્યતા અહીં નકારી શકાય તેમ નથી. આ સેમ્પલો ગાંધીનગર જીપીસીબીની મુખ્ય કચેરીએ મોકલ્યાં છે, તેનો રિપોર્ટ આશરે ૧૫ દિવસ પછી આવે તેમ છે. જેથી હજુ ૧૫ દિવસ સુધી તેની રાહ જોવી પડશે.

મારી એકલાની જ જવાબદારી ફિક્સ થતી નથી
ઉકાઈ ડેમના પાણીની તપાસ કરવાની જવાબદારી ડેમ ઓથોરિટીની છે. તેઓને સામાન્યત: ત્રણેક મહિને પાણીની ગુણવત્તાની તપાસ કરવાની રહે છે. આવા સમયે ડેમમાં આટલા મોટા પ્રમાણમાં અચાનક શેવાળનો જથ્થો તરી આવ્યો, તેમાં મારી એકલાની જ જવાબદારી ફિક્સ થતી નથી. હાલ તો આલ્ગી છે કે કેમિકલ્સ તેની તપાસ માટેનાં સેમ્પલ્સ લેવાયાં છે. તમે કહો છો તો આ શેવાળ કયા પ્રકારની છે ? તે પણ ચેક કરાવી લઉં છું. સામાન્યત: જળાશયમાં પ્રદૂષણ, નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધવાથી શેવાળ જોવા મળતી હોય છે.
એચ.એમ.ગામીત, જીપીસીબી, રિજિયોનલ ઓફિસર, નવસારી

Most Popular

To Top