વ્યારા: (Vyara) વ્યારામાં ખૌફનાક રીતે સરાજાહેર બિલ્ડરની હત્યા (Murder) કરનાર ચારેય હત્યારા ઝડપાઇ ગયા બાદ પોલીસે કોર્ટથી મેળવેલા ૧ જૂન સુધીના પોલીસ કસ્ટડી રિમાંડ દરમિયાન મંગળવારે આ હત્યારાઓ પાસે હત્યાની ઘટનાનું રિહર્સલ કરાવાયું હતું. અહીં હત્યારાઓને નિહાળવા લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. બિલ્ડરની (Builder) હત્યા કઇ રીતે કરી એ સમગ્ર ઘટનાને પ્રત્યક્ષ નિહાળી હતી. આ બનાવની રાત્રે બિલ્ડર નિશિષ શાહ તરબૂચ લઈ પોતાના ઘરે જમવા માટે જઈ રહ્યો હતો. તે વેળાએ ચાર હત્યારાઓએ તલવાર સહિતના ઘાતકીય હથિયાર વડે બેરહેમીથી ૧૫ જેટલા ઘા ઝીંકી આ બિલ્ડરની ક્રૂર હત્યા કરી હતી. હાલ તો સોપારી આપનાર પકડાય નહીં ત્યાં સુધી હત્યાનું કારણ સ્પષ્ટ તારણ હાલ કાઢી શકાય નહીં.
- તલવાર સહિતનાં તીક્ષ્ણ હથિયારથી બિલ્ડરને હત્યારાઓએ માત્ર ૨૦ સેકન્ડમાં જ રહેંસી નાંખ્યો હતો
- સોપારી આપનાર પકડાય નહીં ત્યાં સુધી હત્યાનું કારણ સ્પષ્ટ તારણ હાલ કાઢી શકાય નહીં
વ્યારાના બિલ્ડર નિશિષ શાહની હત્યાની આ ઘટનાને ચારેય શખ્સોએ કઇ રીતે અંજામ આપ્યો હતો તે જાણવા આજે વ્યારા પોલીસે એલસીબી સાથે મળી હત્યારાઓને ઘટના સ્થળે લઇ જવાયા હતા. જાહેરમાં ઘાતકીય હત્યાનો જિલ્લામાં આ પ્રથમ બનાવ હોવાથી વ્યારા પંથકમાં આ હત્યાના આરોપીને જોવાની ઉત્સુકતા સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તપાસનો સંપૂર્ણ મદાર હત્યાની સોપારી આપનાર નવીન ખટિક પર છે, પણ તે હાલ પકડાયો નથી. પકડાશે કે કેમ ? તેવી અનેક શંકા-કુશંકાઓ વચ્ચે હાલ બિલ્ડરની હત્યાનાં આ પ્રકરણમાં ખરેખર કિંગ મેકરની મુખ્ય ભૂમિકા ભજવનાર અને હત્યાની સોપારી લેનાર ગેંગ પર સૌની નજર ટકી છે.
હાલ હત્યામાં ઉપયોગમાં લેવાયેલાં તીક્ષ્ણ હથિયારો પોલીસે કબજે કર્યા કે કેમ ? તે કઈ હોટલથી લીધા હતા ? વ્યારાની એક હોટલ પરથી મેળવેલા સીસીટીવી કેમેરાએ કયા રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો ? તે પણ હજુ બહાર આવ્યું નથી. ચાર હત્યારા પૈકી બે અને મદદ કરનારા અન્ય બે મળી કુલ છ આરોપી રિમાંડ પર છે. રિમાંડના પ્રથમ દિવસે જ હત્યા કરનાર ત્રીજો હત્યારો દેવા મરાઠી મુંબઈથી ઝડપાયા બાદ તેના બીજા દિવસે ચોથો હત્યારો મન્નુ માલીયા ઓરિસ્સાવાલા પણ ઝડપાઈ ગયો હતો. પણ બિલ્ડરની સોપારી આપનાર નવીન ખટિક હજુ પકડાયો નથી.