સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) મોટો નિર્ણય લેવા જઈ રહી છે. જે નિર્ણય રાજ્યમાં તો દૂર દેશમાં પહેલી વખત લેવાશે. યુનિવર્સિટી લાયકાત ધરાવતા 11 મહિનાના કરાર આધારિત અધ્યાપકોને પીએચ.ડી.ના (Ph.d) ગાઇડ બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ તે પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની મંજૂરી મેળવશે.
યુનિવર્સિટીમાં બુધવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. એમાં નેકમાં બી ડબલ પ્લસ ગ્રેડ આવવા પાછળનું એક કારણ રિસર્ચનો અભાવ હોય અને યુનિવર્સિટીની 12 ફેકલ્ટીના અમુક વિષયોમાં એક પણ પીએચ.ડી. ગાઇડ ના હોય તે મામલે ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓ પીએચ.ડી.ના ફોર્મ ભરવાથી માંડીને એન્ટ્રસ્ટ ટેસ્ટ પાસ કરવા સુધીની પ્રક્રિયા કરતા હોય છે. પરંતુ અંતે ગાઇડ ન હોવાથી યુનિવર્સિટી વિદ્યાર્થીને જે-તે વિષયમાં પીએચ.ડી.માં એડમિશન અપાતાં નથી. આમ, આવી સ્થિતિથી યુનિવર્સિટીનું રિસર્ચ વર્ક ડાઉન દેખાય છે. ઉપરાંત રાજ્ય સરકાર પણ અધ્યપાકોને ભરતી કરવાની મંજૂરી આપતી ના હોવાથી નવા ગાઇડો ઊભા થતા નથી. જો કે, આવી સમસ્યા માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નહીં, પણ રાજ્યોની તમામ સરકારી યુનિવર્સિટીમાં જોવા મળી છે. જેને કારણે અમુક વિષયોમાં પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓએ અંતે ગુજરાત રાજ્ય છોડવું પડતું હોય છે કે પછી પ્રાઇવેટ યુનિવર્સિટીનો સહારો લેવો પડતો હોય છે.
તમામ ચર્ચાઓના અંતે એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યોએ પીએચ.ડી.ના ગાઇડની લાયકાત ધરાવતા 11 મહિનાના કરાર આધારિત અધ્યાપકોને પીએચ.ડી. ગાઇડ બનાવવા કે કેમ? તે મામલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને પૂછવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહીં, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એમને પીએચ.ડી. ગાઇડ બનવા લાયક કોઈ પોલિસી છે કે કેમ? તે પણ ચેક કરવાનો નિર્ણય કર્યો છે. આમ, આ કાર્યવાહીમાં હરી ઝંડી મળશે તો પછી અધ્યાપકોની સાથે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાશે.
યુપીએસસી પાસ છે, પણ માસ્ટર કર્યું નથી તો પીએચ.ડી.માં પ્રવેશ આપવો કે કેમ?
એકેડેમિક કાઉન્સિલે યુપીએસસી પાસ કરનારા અધિકારીઓ કે પછી નિવૃત્ત અધિકારીઓને પીએચ.ડી.માં પ્રવેશ આપવો કે કેમ? એ મામલે પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને પૂછવાનો નિર્ણય કર્યો છે. એક અધિકારીએ અંડર ગ્રેજ્યુએટ બાદ યુપીએસસી પાસ કર્યું હતું, પણ તેણે માસ્ટર કર્યું ન હતું. જેથી તેણે પીએચ.ડી. કરવા માટે માસ્ટર કરવું પડે કે કેમ? તે મામલે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો.
યુજી બાદ જે-તે પ્રોફેશનમાં 15 કે તેથી વધારે વર્ષ કાઢ્યા હોય તો પીએચ.ડી.માં પ્રવેશ આપવો કે નહીં?
અંડર ગ્રેજ્યુએટ બાદ 50 કે તેથી વધારે વયના કર્મશીલો કે જે કલાક, શિક્ષણ, ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, સાહિત્ય, ઉદ્યોગ, પર્યાવરણ, આત્મનિર્ભરતા સહિતના અન્ય કોઈ પણ પ્રોફેશનમાં 15 કે તેથી વધારે વર્ષ કાઢ્યા હોય તેમજ માસ્ટર નહીં કર્યું હોય તો તેમને પીએચ.ડી.માં એડમિશન આપવું કે કેમ એ મામલે પણ ચર્ચા થઈ હતી, જેમાં પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો અભિપ્રાય લેવાનો નિર્ણય કરાયો છે.
સીએ, સીએસ અને સીએમએને માસ્ટરમાં પ્રવેશ આપવો કે નહીં?
સીએ, સીએસ અને સીએમએને માસ્ટરમાં પ્રવેશ આપવો કે નહીં? તે મામલે પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને પૂછવાનો નિર્ણય કરાયો છે. કારણ કે, સીએ, સીએસ અને સીએમએની ડિગ્રી માસ્ટર ડિગ્રી સમકક્ષ ગણાતી હોય છે. તેવામાં જ સીએ થનારા એક વિદ્યાર્થીએ એક્સર્ટનલમાં માસ્ટર ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સમાં પ્રવેશ લેવા માટે યુનિવર્સિટીને એપ્લિકેશન કરી હતી.