SURAT

જાડી-મૂળી (જડીબુટ્ટી)ની દવા આપનારાઓની ઓળખ ધરાવતું ઉચ્છલ તાલુકાનું આ ગામ

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના (Tapi District) ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું મૌલીપાડા ગામ એ સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામડું છે. જે સુરતથી ૧૧૦ અને તાલુકા મથકથી પૂર્વ દિશામાં આશરે ૧૦ કિ.મી.ના અંતરે તાપી નદીના (Tapi River) ઉકાઈ જળાશયના કિનારે આવેલું નાનકડું ગામ છે. આ ગામના રહેણાક વિસ્તારની આજુબાજુ મહુડાનાં વનો પુષ્કળ પ્રમાણમાં આવેલાં હતાં. આ ઝાડો પરથી આજુબાજુ ગામના (Village) લોકો ‘મૌલીપાડા’ના નામથી ઓળખવા લાગ્યા હતા. હાલમાં પણ આ ગામની આજુબાજુ મહુડાનાં ઝાડો જોવા મળે છે. ગામના વડવાઓને પૂછપરછ કરતાં ગામનું નામ અંગે જાણવા મળ્યું કે આ ગામનું નામ મહુડાઓનાં ઝાડને (Tree) સ્થાનિક બોલીમાં ‘મૌવ’ કે ‘મૌલી’નાં નામ તરીકે ઓળખાય છે. જ્યારે ‘પાડા’ એટલે ફળિયું એવો અર્થ થાય છે. આમ, આ ગામનું નામ મૌલીપાડાએ મહુડાનાં ઝાડ પરથી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહુડો એ આદિવાસીઓનું કલ્પવૃક્ષ તરીકે ઓળખી શકાય છે. જેનું ફળ, ફૂલ, ડોળી, લાકડું, પાંદડા દરેક વસ્તુઓને ઉપયોગ લઈ શકાય છે. તેથી મહુડાના ઝાડને ખૂબ જ પૂજનીય અને આદરની ભાવનાથી જોવાય છે. તેથી આ ઝાડની નીચે દેવી-દેવતાઓનાં દેવ સ્થાનો પણ સ્થાપિત કરાય છે.

વારસાગત ‘જાડી-મૂળી’ (જડીબુટ્ટી) દવાઓનું જ્ઞાન ધરાવનારા ગામની ઓળખ
વર્તમાન સમય આધુનિક ટેક્નોલોજી, કોમ્પ્યુટર, તાર્કિકતા, કોઈપણ સમસ્યાઓનો નિરાકરણ વૈજ્ઞાનિક પદ્વતિ દ્વારા લાવવામાં આવે છે. જ્યારે તબીબી ક્ષેત્રે પહેલાના સમયે દવાખાનાની શોધ થઈ ન હતી, તે સમયે માનવ બીમાર પડતાં આયુર્વેદિક દવા કે જડીબુટ્ટીનો સહારો લેતો હતો. સારવાર કરાવવા માટે હાઢવૈદ્ય, આયુર્વેદાચાર્ય કે ગામડાંમાં લોકો ઝાડ-પાનના વિવિધ ગુણધર્મની જાણકારી ધરાવનારા વ્યક્તિઓ પાસે જતા હતા. હાલમાં આધુનિક દવા, નવી નવી ટેક્નોલોજી, દવાખાનાં અસ્તિત્વમાં આવતાં માનવ તેનો લાભ લેવા લાગ્યો. સરકાર દ્વારા આરોગ્યનું માળખું અંતિમ ગામડાં સુધી પહોંચાડ્યું છે. વિવિધ રોગોનો જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમ અને જાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કોઇપણ નવી શોધે આખી દુનિયામાં તાત્કાલિક પ્રચાર-પ્રસાર થઈ જતો હોય છે. ગામડાંમાં પરંપરાગત વારસો પેઢીદર પેઢી ચાલતો આવતો હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ ઉચ્છલના મૌલીપાડા ગામમાં જોવા મળે છે. આજુબાજુનાં વિસ્તારમાં પરંપરાગત દેશી દવાઓ આપનાર વડવાઓનો વારસો આ ગામે સાચવી રાખ્યો છે. જે આ ગામની વિશિષ્ટતા કહી શકાય અનેક બીમારીઓની ‘જાડી-મૂળી’ (જડી-બુટ્ટી) આયુર્વેદિક કે વન્ય ઔષધીઓ આપનારા લોકોનું ગામ તરીકે સમગ્ર પંથકમાં પ્રચલિત છે.

ગામઠાણની જગ્યાની અછત
ગામમાં હાલમાં વસતીનો વધારો થતાં ઘરો બનાવવા માટે ગીચતા જોવા મળે છે. ગામની આજુબાજુ ખેતરો આવેલાં હોવાથી નવાં ઘરો બનાવવા ખૂબ જ મુશ્કેલીઓ સર્જાય છે. જેમની પાસે પોતાનાં ખેતરો હોવાથી તેઓએ નવાં ઘરો ખેતરોમાં બનાવ્યાં છે. પરંતુ જેઓની પાસે જમીન નથી તેમનાં પરિવારમાં સભ્યોની સંખ્યા વધતાં ગામમાં વસતી ગીચતા વધી ગઈ છે. પશુઓને બાંધવા માટે કોઠાની તેમજ છાણ નાંખવા ગામની બહાર દૂર માથે ટોપલો લઈને જવું પડે છે. ગામમાં પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાના અભાવે રસ્તા પર પાણીનો ભરાવો થાય છે. ચોમાસાની ઋતુમાં પાણીના નિકાલના અભાવે તેમાં મચ્છરોનો ઉપદ્રવ થવાની ભીતિ વર્તાઈ છે. તેથી પાણી જન્ય રોગોનો ઉપદ્રવ ફાટી નીકળે તો ગામમાં સામૂહિક રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ અહીં નકારી શકાય તેમ નથી. તેથી પાણીના નીકાલ માટે અહીં ગટર વ્યવસ્થા બનાવવી ખૂબ જ જરૂરી છે.

ગ્રામ પંચાયતનું મકાન બનાવવા માંગ
ગ્રામ પંચાયતનું મકાન કે કોમ્યુનિટી હોલનું મકાન એ કોઈપણ ગામની આંતર માળખાકીય સુવિધાઓમાં સમાવેશ થાય છે. સરકાર દરેક ગામને આ પ્રકારનાં મકાનોની સુવિધા ઊભી કરવામાં લાખો રૂપિયાની સહાય આપે છે. ગ્રામ પંચાયતનું મકાન ગામની આબરૂ પણ કહી શકાય છે. આ ગ્રામ પંચાયત મકાનમાં ગામ લોકોની વિવિધ પ્રસંગોએ સભા પણ ભરી શકાય છે. ગામના દસ્તાવેજો મૂકી શકાય, વિવિધ સામૂહિક સાધનો અન્ય મિલકતો મૂકી શકાય છે. જાહેર ઉત્સવો, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ગામના કોમ્યુનિટી મકાનની પ્રાંગણમાં યોજી શકાય છે. કોમ્યુનિટી હોલ એ આખા ગામનું વહીવટી ભવનની ગરજ સારે છે. તેથી આખા ગામનું ઘર તરીકે પણ ઓળખી શકાય છે. જ્યારે કોઈ સરકારી અધિકારી ગામમાં આવે ત્યારે તેમને બેસવા કે દફ્તર મૂકવા કાર્યાલય કે પંચાયતી મકાન ગામનો કોમ્યુનિટી હોલમાં પોતાની ઊઠવા-બેસવા માટે ઓફિસ બનાવે છે. સાથે રોકાણ કરવું હોય તો અલગથી રૂમની પણ વ્યવસ્થા કરાયેલી હોય છે. તાલુકા કે જિલ્લા કક્ષાએથી સરકારી માણસો ગામમાં કોઈપણ દસ્તાવેજ બનાવવા માટે આવે છે, ત્યારે પંચાયત મકાનમાં બેસીને ગ્રામજનોની કામગીરી કરતા હોય છે. આવાં મકાનોમાં ડિજિટલ ગામડાં બનાવતાં ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટની સુવિધા સહિત અનેક ઇલેક્ટ્રિક ઉપકરણની સુવિધા ઊભી કરાયેલી હોય છે. સરકારી દફ્તર તરીકે ગ્રામીણ કક્ષાએ ઉપયોગ કરતાં આવું મકાન ખૂબ જ ઉપયોગી હોય છે. રાજ્ય સરકાર દરેક ગામને એક ઈ-ગ્રામ યોજનાથી દરેક ગામને ડિજિટલ માધ્યમથી જોડવામાં આવ્યા છે. આથી કોમ્યુટરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ કીમતી સાધનો સુરક્ષિત રીતે સચવાય એ માટે ગ્રામ પંચાયત મકાનની જરૂર ઊભી થાય છે. મૌલીપાડા ગામે આ સુવિધા ઊભી નહીં કરાતાં ગ્રામજનોએ તંત્ર પાસે માંગણી ઉઠાવી છે.

ઉનાળામાં ઊભી થતી પીવાના પાણીની સમસ્યા
મૌલીપાડા ગામમાં પીવાના પાણી માટે હેડપંપ, મીની હેડપંપ, પાણીની પાઇપલાઇન દ્વારા છેવાડાના માનવી સુધી પાણીની સુવિધાઓ ઊભી કરવા જળથી નળ સુધી પાણીની સુવિધા ઊભી કરવા મુહિમ ચલાવાઈ રહી છે. પરંતુ આ ગામે ઉનાળામાં પાણીની ખૂબ જ તંગી ઊભી થાય છે. ઉકાઇ જળાશય કિનારે ગામ વસેલું હોવા છતાં અહીં ઉનાળાની ઋતુમાં પાણીના ખૂબ જ વલખા મારવા પડે છે. પાણી એ સરકારની મૂળભૂત સુવિધામાં સમાવેશ થાય છે. ગામના લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી પૂરી પાડતો પશુપાલનના વ્યવસાય માટે પાણીની ખૂબ જ આવશ્યકતા ઊભી થતી હોય છે. ઉનાળામાં પાણીની તંગીને લીધે ડેરી ઉદ્યોગને ખૂબ જ ફટકો પડે છે. પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી ઉનાળામાં પડતી હાલાકીને દૂર કરી શકાય. ઉચ્છલ તાલુકાની સૌથી મોટી પીવાના પાણીની સુવિધા એવી નારણપુર ગામેથી પાણીના સપ્લાયને વ્યસ્થિત સંચાલન કરવામાં આવે તો નડતી સમસ્યાને થોડા ઘણા અંશે દૂર કરી શકાય તેમ છે. પરંતુ આ યોજનાથી નિયમિત રૂપે પાણી મળતું નથી. આ યોજના પણ પાણીની તંગી દૂર કરવા કારગર નિષ્ફળ નીવડી છે. આ ગામે કરવામાં આવેલી પાણીની મીની પાઇપલાઇન યોજના મારફતે બોરમાં ગોઠવવામાં આવેલી મોટર બગડતાં પાણીની ટાંકીઓ ખાલી ભંગાર હાલતમાં પડેલી છે.

રાજકીય દાવપેચમાં કોતર પર મંજૂર થયેલો પુલ રદ થયો
મૌલીપાડા ગામથી કાચલી, પેથાપુર, સસા, મોગરબારા થઈ ઉચ્છલ-નિઝરના રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડાતા માર્ગ પર ખૂબ જ ઊંડું કોતરડું આવેલું છે. આ કોતરડામાં આજુબાજુ વિસ્તારમાંથી ચોમાસાનું વરસાદી પાણી આવતાં નદીનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી આ કોતર પર ચેકડેમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉકાઈ જળાશયનું પાણી ભરાતાં સામે પાર જવા માટે ચાર પાંચ કિ.મી.નો ચકરાવ લગાવવો પડે છે. જો ન ફરવું હોય તો હોડીનો ઉપયોગ કરવો પડે છે. આ કોતરમાંથી સામેની બાજુએ જવા માત્ર એક મિનીટનો સમય લાગે છે, પરંતુ અહીં પાણી રહે છે. તેથી ચાર કિ.મી. જેટલા અંતરનો ફેરો મારવો પડે છે. જેના લીધે ઘણો સમય નીકળી જાય છે. આ રસ્તો ખેતરોમાંથી પસાર થતો હોય ખેતીમાંથી ઉત્પાદિત વસ્તુઓ ટ્રક કે ટ્રેક્ટરમાં લાવવા-લઈ જવાનો ફક્ત આ એક જ રસ્તો હોવાથી મોટો ચકરાવો મારવો પડતો હોવાથી સમય અને નાણાંનો વેડફાટ થાય છે. વળી, અહીં ચેકડેમ બનાવવામાં આવ્યો હોવાથી ચેકડેમ બનાવવામાં આવવાથી કોતરનું પાણી રોકાઈ રહેતાં ઉનાળાની શરૂઆત સુધી ટકે છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ કોતર પર પુલ બનાવવા માટે નાણાં મંજૂર થઈ ગયાં હતાં. રેતી, કપચી સહિત અનેક સામગ્રીઓ લાવવામાં આવી હતી. પરંતુ રાજકીય કાવાદાવા વચ્ચે આ પુલ બનતા રહી ગયો છે. જેનો ભોગ નિર્દોષ પ્રજા બની છે. અટવાયેલો આ પુલ છેલ્લે રદ થઈ ગયો હતો. ફરી સરકારી તંત્ર દ્વારા આ પુલ બનાવવા નાણાં મંજૂર કરી આ કોતર પર પુલ બનાવે તેમજ બાકી રહેલો કાચો રસ્તો પાકો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

સનદ મળેલી ખેતીની જમીન પિયતની સુવિધાથી વંચિત
ઉકાઇ ડેમનો પાયો નાંખવામાં આવતાં મૌલીપાડા ગામની કેટલીક જમીન ડુબાણમાં જવાથી ગામ લોકો એ જંગલની જમીન ખેડીને ખેતી કરતા હતા. વર્ષોથી મહા મહેનતે જંગલની જમીન ખેડનારા ખેડૂતોને જંગલ જમીનની સનદ મળી, પરંતુ પિયત સુવિધા માટે ‘લિફ્ટ ઇરિગેશન’ સુવિધાથી વંચિત રહેલા છે. ઉકાઇ વિસ્થાપિત તાલુકાનાં ગામડાંમાં ઉકાઇ જળાશયમાંથી ઉદવહન સિંચાઈ મારફતે સાત/બાર અને સનદના દસ્તાવેજ ધરાવનાર ખેડૂતને ‘લિફ્ટ ઇરિગેશન’ મારફતે તે જમીનને પિયતની સુવિધા પૂરી પાડવા યોજના અમલમાં છે. પરંતુ મૌલીપાડા ગામની પંદર જેટલા ખેડૂતોને જંગલની જમીનની સનદ મળી, છતાં જમીન પિયતની સુવિધાથી વંચિત રહ્યા છે. ગામના કાચલી ગામે લિફ્ટ ઇરિગેશન યોજના કરવામાં આવી છે. પરંતુ પાણી પાઈપ લાઈનનું કનેક્શન આપવામાં આવ્યું નથી. ઉદ્દવહન સિંચાઇ યોજનાથી બાકી રહી ગયેલા ખેડૂતોમાં ૧. રમીલાબેન રમેશભાઇ, ૨. રાજુભાઇ રોતાભાઇ,૩. પ્રદિપભાઇ રમેશભાઇ, ૪. વિનેશભાઇ ગાંવજીભાઇ, ૫. દિનેશભાઈ રાવજીભાઈ, ૬. યશવંતભાઇ રોતાભાઈ, ૭. ધીરૂભાઈ સેગાભાઇ,૮. દેવીદાસભાઇ જલમાભાઇ, ૯. અશોકભાઇ દિનકરભાઇ, ૧૦. ઇસ્માઈલભાઇ કમાજીભાઇ, ૧૧. રામદાસભાઇ બુધિયાભાઈ, ૧૨. જયંતભાઈ કમાજીભાઇ, ૧૩. જીતેન્દ્રભાઇ જલમાભાઈ, ૧૪. ગેમાભાઈ ડુંગરીયાભાઇ, ૧૫. બિંદુભાઇ રતુભાઇનો સમાવેશ થાય છે.

સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર માટે મકાન બનાવવા માંગ
સરકાર દ્વારા દરેક ગામોમાં સ્મશાનભૂમિમાં મૃત્યુ પામેલા શબને અગ્નિસંસ્કાર કરવા માટે સુવિધાજનક પાકા મકાન સહિત પાણી માટે બોરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મૌલીપાડા ગામે આવી કોઈ સુવિધા કરવામાં આવી નથી. તેથી ગ્રામજનોએ અગ્નિસંસ્કાર કરવા સ્મશાનભૂમિમાં ખુલ્લી જગ્યાઓએ કરવું પડે છે. ચોમાસામાં ભીંની જગ્યાએ શબને અગ્નિદાહ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. જો મકાન બનેલું હોય તો વ્યવસ્થિત વિધિવિધાનો સાથે અંતિમસંસ્કાર કરી શકાય. આ મકાનના અભાવે ચોમાસામાં ખૂબ જ કફોડી હાલત ગ્રામજનોની થઈ જાય છે. તેથી ચુંટાયેલા લોક પ્રતિનિધિ અને સરકારી તંત્ર ગામના લોકોની માંગ પૂરી કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

સરદાર આવાસ ક્યારે પૂરા થશે ? તપાસ જરૂરી
ગરીબ લોકોને રહેવા માટે પાકું મકાન મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ માટેની આર્થિક સહાય આપવામાં આવે છે. આજથી છ-સાત વર્ષ પહેલાં આવાસ યોજનાના લાભાર્થીઓને ઘર બનાવવા માટે આર્થિક સહાય ફાળવવામાં આવી હતી. પહેલો ચેક આપ્યા પછી અડધુ ઘર બની ગયા પછી બીજો ચેક આપવામાં આવે છે. પરંતુ હાલના સમય સુધી બીજો ચેક મળ્યો નથી. ગરીબ ઘરના પરિવારોએ કેટલાંયે વર્ષો વીતી ગયા, નીચે ધરતી અને ઉપર આકાશ સિવાય કશું જ રહ્યું નથી. તેથી ઘરો અધૂરાં રહી ગયાં છે. આ ઘરો પેપરના પાને પૂરાં થઈ ગયાનું બતાવી ગરીબોના પૈસા ક્યાંક ખીસ્સાં તો નથી ભરાયાને ? ગ્રામ લોકોએ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. અધૂરાં મકાનો રહી ગયેલા લાભાર્થીઓમાં ૧. વસંત જોલમા ગામીત, ૨. યશવંતભાઈ રોતાભાઈ વળવી, ૩. રમેશભાઈ રોતાભાઈ વળવી, ૪. રાવજીભાઈ પુન્યાભાઈ વળવી, ૫. દેવીદાસભાઈ પુન્યાભાઈ વળવી, ૬. સંપતભાઈ વિજયભાઈ ગામીત, ૭. રાકેશભાઈ રોતાભાઈ વળવી, ૮. શિવાજી દાદલ્યાભાઈ ગામીત, ૯. કિશન દિતુભાઈ ગામીત, ૧૦. ગણેશભાઇ નુરજીભાઇ કાથુડ, ૧૧. હોમાભાઈ કાતુડિયાભાઈ ગામીત અને ૧૨. વિલાસભાઈ દેવજીભાઈ ગામીતનો સમાવેશ થાય છે.

ટોઇલેટની સુવિધામાં વેઠ ઉતારાઈ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજના મારફતે દરેક શહેરો, નગર, જાહેર શૌચાલય, કચરાના નિકાલ માટે અને વેસ્ટેજ, કચરામાંથી ઉપયોગી વસ્તુ બનાવવું તેમજ ગામડાંમાં ખુલ્લામાં કરાતી શૌચક્રિયામાંથી મુક્તિ માટે ઘરદીઠ શૌચાલય બનાવવાની ગતિવિધિ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પણ સ્થાનિક તંત્ર દ્વારા આ કામગીરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જેણે આ કામગીરી હાથમાં લીધી તેમણે તંત્રના મિલી ભગતથી વેઠ ઉતાર્યા સિવાય કશું જ કર્યુ નથી. અહીં બનાવવામાં આવેલાં ટોઇલેટ થોડાક જ વર્ષોમાં તૂટીને જમીનદોસ્ત થઈ ગયાં છે. ગામડાંમાં જે હેતુ માટે આ યોજના અમલમાં લાવવામાં આવી તે સાર્થક થઈ નથી. ફરી પરિસ્થિતિ જૈસે થે જેવી નિર્માણ પામી છે. ગ્રામ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે. છેવાડાનાં ગામડાંમાં કેવી રીતે સરકારી કામોમાં વેઠ ઉતારાય છે ? તેનો ઉત્તમ દાખલો જોવો હોય તો મૌલીપાડા ગામે જોઈ શકાય છે. ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવી તપાસ હાથ ધરવામાં આવે તો અહીં દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેમ છે. ગ્રામજનોએ ફરી તૂટી ગયેલાં શૌચાલય રિપેર કરવા અને જે લાભાર્થીઓને આ યોજના લાભ મળ્યો નથી તેને ટોઇલેટ આપવામાં આવે તેવી સ્થાનિક તંત્ર પાસે માંગ ઉઠાવી છે.

સામાજિક-સાંસ્કૃતિક પરંપરા
ભાતીગળ સાંસ્કૃતિક વિરાસત ધરાવતા ભારત દેશમાં વિસ્તાર અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ સંસ્કૃતિ અને પ્રથાઓ જોવા મળે છે. ઉચ્છલના મૌલીપાડા ગામ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ગામની પરંપરાગત સામાજિક વ્યવસ્થાઓ આવેલી છે, જે ગ્રામીણ વ્યવસ્થાનું સંચાલન, વહીવટ અને અનેક સમસ્યાઓનું નિરાકરણ કરે છે. વર્ષ દરમિયાન ઋતુચક્ર પ્રમાણે આવતા તહેવારોમાં સામાજિક-સાંસ્કૃતિક જીવન વ્યવહારનો ભાગ જોડાયેલો હોય છે. આ ગામના લોકો ખેતીના મુખ્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી ચોમાસાની ઋતુનું આગમન થતાં લોકો કામકાજે લાગી જતા હોય છે. ખેતીની આર્થિક પ્રવૃત્તિઓ સાથે અનેક તહેવારોની આખું ગામ સામૂહિક રીતે ઉજવણી કરે છે. આ આ દિવસે ગામના લોકો ખેતીના કામકાજમાંથી મુક્તિ મેળવે છે, તે દિવસે જાહેર રજા પાળે છે. નંદુરોદેવ, વાઘદેવ, સીમદેવ, ગાવ પાડોર, ખેતરનો દેવ, હત્રી દેવ વગેરે દેવી દેવતાના તહેવારો ઉજવે છે. ચોમાસામાં પ્રથમ વરસાદે ઊગી નીકળતા લીલાં કૂમળા ઘાસચારાને ઉત્સવ તરીકે ઉજવે છે. આ દિવસે ગામનાં લોકો પોતાના પૂર્વજોની યાદમાં જંગલમાં ઊગી નીકળતી શાકભાજી અર્પણ કર્યા પછી જ ખાવા માટે ઉપયોગમાં લે છે. દેવપૂજન કાર્યમાં ભેગા થયેલા ગ્રામજનો વિવિધ મજૂરીના દર નક્કી કરે છે. સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થાનું દર્શન થાય છે. મૌલીપાડા ગામ એ આદિવાસી વસતી ધરાવનાર નાનકડું ગામડું છે. મોટા ભાગે આદિવાસીઓનાં ગામડાંમાં દેવી-દેવતાઓ સ્થાન ગામડાંની બહાર દૂર ડુંગર પર ઝાડ નીચે સ્થાપિત કરાયેલાં જોવા મળે છે. પરંતુ આ ગામની અંદર મંદિરો બનાવવામાં આવ્યા હોવાનું જોવા મળે છે.

ગામમાં જાડી-મૂળી(જડી-બુટ્ટી)ના જાણકાર અને સફળ ખેડૂત વસંતભાઈ નંદાભાઈ વસાવા
ઉચ્છલના મૌલીપાડા ગામના વસંતભાઈ નંદાભાઈ વસાવાએ બાપદાદાઓનું વારસાગત જ્ઞાન ધરાવે છે. ધોરણ-5 સુધી ભણેલા છે. પોતે કુળદેવી યાહામોગીના ભક્ત પણ છે. તેઓ “જાડી-મૂળીની વંશી” (આયુર્વેદિક) દવાની જાણકારી ધરાવતા હોવાથી તેમની પાસે પંથકના અનેક લોકો સારવાર માટે આવે છે. શરીરના સાંધાના દુખાવા, પથરી, એપેન્ડીસ જેવી બીમારીઓની પણ દવા આપે છે. તૂટેલાં હાડકાંને ફરી સહી સલામત કુનેહથી જોડી અનેક દર્દીઓને સારવાર આપી છે. અત્યાર સુધી તેઓ હજારો તૂટેલાં હાડકાંના દર્દીઓને સાજા કરી ચૂક્યા છે. પોતાની પાસે રહેલા જ્ઞાનની ક્યાંથી શીખ્યા હોવાનું પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોતાના પિતાજી આ પ્રકારની દવા આપતા હતા. હાલમાં તેઓ નથી તેથી અત્યારે પોતે દવાઓ આપે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં નવયુવાનોમાં મોંઘીદાટ મોટરગાડીઓ પૂરપાટ ઝડપે ચલાવતા હોવાથી એક્સિડન્ટની ઘટનાઓ પણ વધી છે. આ કિસ્સાઓમાં હાડકાંમાં તિરાડ પડી જવું કે તૂટી જવું એ સામાન્ય ઘટના બની ગઈ છે. આવા હજારો દર્દીઓને સાજા કર્યા છે. આ ઉપરાંત પોતે સફળ અને કુશળ પશુપાલક છે. તેમણે પોતાના ખેતરમાં ગાય અને ભેંસનો તબેલો બનાવ્યો છે. ફક્ત ચાર ભેંસ અને બે ગાય છે. આશરે ગાય અને ભેંસનું એક ટંકનું દસ લીટર વધુ દૂધ ગામની દૂધમંડળીમાં ભરે છે. તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન અને ખેતી કરે છે. તેઓની ભાગમાં ત્રણ એકર જેટલી ખેતીની જમીનમાં શેરડી, ખાવા માટે શાકભાજી પકવે છે. પશુઓના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી પણ કરે છે. આ સંપૂર્ણ પ્રાકૃતિક જીવન જીવે છે. જેઓ પ્રેરણા સ્ત્રોત સમગ્ર પંથકમાં બન્યા છે.

નકટી દેવીનું પ્રાચીન દેવસ્થાન
આદિવાસીઓની આ વિસ્તારમાં નકટી દેવીનું પ્રસિદ્વ દેવસ્થાન આવેલું છે. આ દેવીનું મૂળ સ્થળ ઉકાઇ જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં આવતું હોવાથી દર વર્ષે ચોમાસાનું પાણી ભરાતાં આ દેવ સ્થાન ડૂબમાં જતું હતું. તેથી ગામના ભક્તને સપનામાં દર્શન આપ્યું હતું. માતાનું દેવસ્થાન અહીંથી ખસેડી સુરક્ષિત જગ્યા પર સ્થાપિત કરવું. મૌલીપાડા ગામથી આશરે દૂર બે કિ.મી.ના અંતરે દૂર ડુંગરામાં ઝાડ નીચે સ્થાપિત કરાયેલાં છે. નાનાં બાળકોની સારા સ્વાસ્થ્ય માટે આ દેવીની પ્રાર્થના કરાય છે. આજુબાજુના ભક્તો ખેતીમાંથી પાકેલું નવું અનાજ પણ પહેલા આ દેવીને અર્પણ કરે પછી જ તેને ખાવાનો રિવાજ રહેલો છે.

આર્થિક વ્યવસ્થા
ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ગામમાં દૂધમંડળી આવેલી છે. ખેતીમાં લોકો ડાંગર, જુવાર તુવેર, અડદ, વાલ, ચણા વગેરે મુખ્ય પાકો પકવે છે. હાલમાં પિયતની સુવિધા થતાં શાકભાજી સહિત રોકડિયા પાકો કરે છે. મોટા ખેડૂતો શેરડીનો પાક પકવે છે. ખેતીની સાથે સાથે પશુપાલનનો વિકાસ થતાં દૂધમંડળી ઈ.સ. ૧૯૯૫માં સ્થાપી હતી. જે ગામની સૌથી મોટી આર્થિક સંસ્થા આવેલી છે. દૂધમંડળીમાં ૧૧૯ જેટલા સભાસદ જોડાયેલા છે. દૂધમંડળી દ્વારા મહિને એક લાખ કરતાં વધુ દૂધનો પગાર ચૂકવાય છે. ખેતી પછી સ્થાનિક કક્ષાએ સૌથી મોટી રોજગારી આપનાર આર્થિક સ્ત્રોત તરીકે સાબિત થઈ છે. પશુપાલન થકી સ્થાનિક કક્ષાએ રોજગારી મળતાં અન્ય સ્થળે રોજગારી માટે સ્થળાંતર અટક્યું છે. આ ઉપરાંત નજીકના તાલુકા મથકે હીરા ઘસવાની કામગીરી સાથે સંકળાયેલા છે. તો કેટલાક લોકો અન્ય સ્થળે છૂટક મજૂરી કરવાની કામગીરી સાથે જોડાયેલા છે.

મહાશિવરાત્રિનો દેવમોગરા માતાનો મેળો પ્રચલિત
મૌલીપાડા ગામે આવેલા ડુંગર ઉપર પ્રખ્યાત દેવમોગરા માતાનું ધામ આવેલું છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રિના તહેવારમાં પાંચ દિવસ સુધી પ્રખ્યાત દેવમોગરા માતા મંદિરે મેળો યોજાય છે. આ મેળામાં સમગ્ર પંથકમાંથી દર્શનાર્થીઓ આવે છે. આ મેળામાં રાત્રિ સમય દરમિયાન પરંપરાગત નાટ્ય મંડળીના નાટકોનું મનોરંજન રાત્રિ સમય દરમિયાન યોજાય છે. જેને નિહાળવા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં આવે છે. આ મેળાની ઓળખ ગામ સાથે જોડાયેલી છે. મહાશિવરાત્રિના દિવસે હોબયાત્રા નીકળે છે. જેમા ગામ તેમજ આજુબાજુના ભક્તજનો જોડાય છે. દેવમોગરા માતાની મૂર્તિને ખભે લઇ તાપી નદીમાં નવડાવવા જવાની અનોખી પરંપરા રહેલી છે. આ દેવમોગરા માતાનું ધામ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગ્રામજનોએ માંગ કરી છે.

પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ અને પાણીની વ્યવસ્થા ઠપ
અહીં ધોરણ એકથી પાંચમા સુધી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં કુલ એકસો એક બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. ધોરણ-૬થી આગળના અભ્યાસક્રમ માટે અન્ય ગામે કે આશ્રમ કે નિવાસી શાળામાં ભણવા માટે જવું પડે છે. હાલ શાળામાં ત્રણ શિક્ષક ધોરણ-૫ સુધી શિક્ષણ આપી રહ્યા છે. ત્રીજા ધોરણ માટે વધુ ૧ શિક્ષકની ઘટ હોવાથી ગ્રામજનોએ ગામનાં બાળકોનું શિક્ષણનો પાયો કાચો રહી ન જાય એ માટે સ્થાનિક તંત્ર પાસે ખાલી જગ્યાની પૂર્તતા માટે માંગણી ઉઠાવી છે. શાળાના પ્રાંગણમાં બાળકોને પીવા માટે બોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કોઇ અસામાજિક તત્ત્વોએ તેમાં પથ્થર નાંખતાં બગડેલી હાલતમાં પડ્યો છે. તેથી બાળકોને પીવાનાં પાણી માટે, મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા અન્ય સ્થળે જવું પડે છે. પાણી મૂળભૂત સુવિધા કહેવાય, અહીં હજારો રૂપિયા ખર્ચીને સરકારે શાળાના પ્રાંગણમાં પાણીની સુવિધા કરવામાં આવેલો બોર બંધ પડતાં ટાંકી સહિત પાઇપલાઇન, મોટર, ઇલેક્ટ્રિક સાધનો જર્જરિત થવાનો ભય વર્તાઇ રહ્યો છે.

અનોખી પંચપ્રથા
ગામની પંચપ્રથા ગામનું કરોડરજ્જુ કહી શકાય. આ પંચપ્રથામાં ગામના મુખી, કામદાર, કારભારી, ગામના પૂજારી, એક સહાયકની વ્યક્તિની નિમણૂક કરેલી હોય છે. દરેક વ્યક્તિનાં અલગ અલગ કાર્ય હોય છે. ગામનો મુખી એ ગામનો વડો તરીકે સર્વોચ્ચ સ્થાન પર હોય છે. ગામના કામદારને વેઠિયો કે જાગલિયો તરીકે ઓળખવામાં આવે છે. તેની કામગીરી ગામમાં સંદેશો આપવાનું કે પ્રજાનો પ્રશ્નો ગામના વડા સમક્ષ રજૂ કરવાનો હોય છે. કોઈપણ કામની કામગીરી વહીવટ કરવાનો છે. જ્યારે ગામના પૂજારીની કામગીરી ધાર્મિક કાર્યક્રમોમાં પૂજાવિધિ અને વિધિવિધાનો કરવાની કામગીરી સાથે સંકળાયેલ છે. ગામમાં ક્યારે ધાર્મિક કાર્યક્રમો યોજવા કે ઉજવવા આ ગામના પંચપ્રથા નક્કી કરે છે. જ્યારે ગામનો મુખી એ આ પંચપ્રથા ગામમાં વહીવટની કામગીરી, આયોજન, લડાઈ ઝઘડાનું સમાધાન કરાવે છે. સમગ્ર ગામને એકસૂત્રતાને તાંતણે જોડવાની કામગીરી કરે છે.

ગામની આંગણવાડી અને શાળા
ગામનાં નાનાં બાળકોને કેળવણી દ્વારા સંસ્કારોનું સિંચન કરવું, કુપોષિત બાળકોને પોષણયુક્ત ખોરાક આપવો અને આરોગ્યની જાળવણી કરવાની કામગીરી સરકાર ગ્રામીણ ક્ષેત્ર ગામની આંગણવાડી દ્વારા કરવામાં આવે છે. મૌલીપાડા ગામમાં સૌથી વધુ બાળકો હાલ નોંધાયાં છે, જેમને પાયાનું શિક્ષણ, પોષણ અને આરોગ્યનું ગામની આંગણવાડી દ્વારા કરાઈ રહ્યું છે.
મૌલીપાડા-ખાબદા-બાબરઘાટ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો
રાધિકાબેન જયંતભાઈ વસાવા-સરપંચ રાજેશભાઈ વસાવા-ઉપ સરપંચ સભ્ય-મગનભાઈ વસાવા રાકેશભાઇ વસાવા
નરેશભાઈ વસાવા લતીફભાઈ વસાવા અંજલિબેન પાડવી વિનેશભાઈ ગામીત કિશનભાઇ ગામીત

Most Popular

To Top