સુરત: સુરત સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital) માં ફરી એકવાર પોર્ટેબલ વેન્ટિલેટર (Portable Ventilator) ધૂળ ખાતી હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ આ તમામ વેન્ટિલેટરના વપરાશથી પરિચારિકા અને રેસિડેન્ટ તબીબો પણ અજાણ હોવાનું સાંભળવામાં આવ્યું છે.
લાખો રૂપિયાની કિંમતના વેન્ટિલેટરનું દુર્દશા જોઈ એમ કહીં શકાય કે આ તમામ વેન્ટિલેટરની સર્વિસ પણ કરવામાં કે કરાવવામાં કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. સાથે સાથે વેન્ટિલેટર ને ઢાંકીને રાખવાની પણ દરકાર લેવાતી ન હોવાનું વાઇરલ વિડીયો પરથી કહી શકાય છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ મહામારી દરમિયાન દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી એવા પોર્ટેબલ વેન્ટિલેટરને તાત્કાલિક ખરીદી કરવા સરકાર દ્વારા સૂચન કરાયું હતું. એટલું જ નહીં પણ કોરોના પોઝિટિવ દર્દી ની સારવાર માટે જરૂરી સાધન-સામગ્રીઓની ખરીદી કરાઈ હતી. જેના ભાગ રૂપે પોર્ટેબલ વેન્ટિલેટર લેવાયા હતા.
જોકે કોવિડ મહામારી બાદ આ વેન્ટિલેટરને સ્ટેમ સેલ બિલ્ડીંગમાંથી કિડની બિલ્ડિંગમાં લવાયા બાદ રઝળતી હાલતમાં છોડી દેવાયા હોય એમ વાઇરલ વિડીયોના આધારે કહી શકાય છે. આ તમામ વેન્ટિલેટર કિડની બિલ્ડીંગના બીજા અને ચોથા માળે ખુલ્લી હાલતમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ નહીં પણ લાખોની કિંમતના વેન્ટિલેટર ને ઢાંકીને રાખવાની પણ સિવિલના વહીવટદારોમાં સૂઝબૂઝ ન હોવાનું દેખાય રહ્યું છે. હાલ આ વેન્ટિલેટર ચાલુ હાલતમાં છે કે પડ્યા પડ્યા ધૂળ ખાય ને બગડી ગયા છે એ પણ કહેવું મુશ્કેલ બને છે. સિવિલમાં આવતા કેટલાક દર્દીઓને વેન્ટિલેટર બેડ ખાલી ન હોવાનું કહી તગેડી મુકાય છે. આવા સંજોગોમાં પોર્ટેબલ વેન્ટિલેટરનો વપરાશ કરી દર્દીનો જીવ બચાવવાના બદલે મરણ હાલતમાં છોડી દેવા પાછળ નો હેતુ તો સત્તાધીશ અધિકારી જ કહી શકે છે.
ધૂળ ખાતી હાલતમાં પડેલા વેન્ટિલેટર વપરાશને લઈ પરિચારિકાઓ કે રેસિડેન્ટ તબીબોને કોઈ ટ્રેનિંગ સુદ્ધાં ન અપાતા વપરાશમાં ન લેવાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજીબાજુ આ તમામ વેન્ટિલેટર ની સર્વિસ ની વાત કરીએ તો કોવિડ સમય ગયા બાદ એકવાર પણ કરાઈ ન હોવાનું કહેવાય રહ્યું છે.
પોર્ટેબલ વેન્ટિલેટર ની આવી હાલત જોયા બાદ એમ કહી શકાય કે હવે આરોગ્ય વિભાગ લકવાગ્રસ્ત હાલતમાં આવી ગયું છે. જો દર્દીઓના જીવ બચાવવા લેવાયેલા વેન્ટિલેટર ને ધૂળ ખાતી હાલતમાં છોડી દેવા જેવી ગંભીર બેદરકારી બીજી કોઈ ન હોય શકે એ વાત ને નકારી શકાય નહિ.
કેતન નાયક (RMO, સિવિલ હોસ્પિટલ, સુરત) એ જણાવ્યું હતું કે આ બાબતે હજી મારા ધ્યાન પર આવું કઈ આવ્યું નથી, પણ જોઈ કે તપાસ કરી લઉં છે.
વીડિયો વાઈરલ થતા તંત્રએ તાબડતોબ વેન્ટીલેટર પહેલા માળે ખસેડ્યા
સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં પોર્ટેબલ વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હોવાના અહેવાલ પ્રકાશિત થતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું. ચોથા માળે પડેલા તમામ વેન્ટિલેટરને તાત્કાલિક પહેલા માળે સ્ટોર રૂમમાં ખસેડી દેવાયા હતા. જોકે ત્યાં પણ વેન્ટિલેટરની બિસમાર હાલત જોવા મળી હતી. આરોગ્ય વિભાગ ગાંધીનગરના અધિકારીઓને ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ પહેરતા સુરત સિવિલ હોસ્પિટલને લકવાગ્રસ્ત બનાવવામાં કોઈ કસર બાકી ન રાખતા હોવાનું સામે આવ્યું છે.