SURAT

અડાજણના આ લેક ગાર્ડનમાં લોકો વોક કરી રહ્યાં હતાં ત્યારે અચાનક બની એવી ઘટના કે લોકો ચોંકી ગયા

સુરત (Surat) : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગાર્ડનના તળાવમાં અચાનક માછલીઓ મરવા લાગતા કુતૂહુલ સર્જાયું હતું. મૃત માછલીઓને ખાવા મોટી સંખ્યામાં કાગડાઓ ઉડવા લાગતા ગાર્ડનમાં વોક પર નીકળેલા લોકોનું ધ્યાન ગયું હતું. મ આ મામલે સુરત મહાનગરપાલિકાને જાણ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

  • શ્રી કવિ કલાપી ગાર્ડનના તળાવ કિનારે મૃત હાલતમાં માછલીઓ મળી આવી : પાલિકા અજાણ
  • કાગડાઓનું ઝૂંડ માછલીઓના ખોરાક માટે દોડતા લોકોનુ ધ્યાન પડ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ (Adajan) ગામમાં આવેલા શ્રી કવિ કલાપી ગાર્ડનના (ShriKaviKalapiGardan) તળાવમાં મંગળવારે સાંજે એકાએક માછલીઓ (Fish) મરવા (Death) લાગી હતી. તળાવના (Lake) કિનારે મૃત હાલતમાં માછલીઓ તણાઈ આવી હતી. કિનારા પર મૃત માછલીઓનો ઢગલો થઈ ગયો હતો. આ મૃત માછલીઓને ખાવા માટે કાગડાઓના ઝૂંડ ભેગું થઈ જતા વોકર્સની નજર પડી હતી.

વોકર્સનું માનવું છે કે કેમિકલવાળા દૂષિત પાણીના લીધે માછલીઓનું મૃત્યુ થયું છે. જોકે, ગાર્ડનમાં દૂષિત પાણીની સમસ્યાને લીધે અનેક માછલીઓના મોત થવા અંગે પાલિકા અજાણ હતી. વોકિંગ કરતા નાગરિકોએ આ મામલે મનપા કમિશનરને જાણ કરી હતી. ત્યાર બાદ અધિકારીઓ દોડતા થયા હતા.

સુરત મનપાને આ મામલે ફરિયાદ કરનાર મહેશ પટેલે કહ્યું કે, આ ઘટના મંગળવારની સાંજે બની હતી. મિત્રો સાથે ગાર્ડનમાં ઈવનિંગ વોક કરતા હતા ત્યારે અચાનક નજર પડી હતી. તળાવ કિનારે અનેક માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી હતી. તાત્કાલિક વિડીયો બનાવી પાલિકા કમિશનરને ફોરવર્ડ કરી ઘટનાની જાણ કરી હતી. થોડા સમયમા જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બસ આજે સવારથી તળાવને સાફ કરી મૃત માછલીઓ બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે.

કોન્ટ્રાક્ટર ટ્રીટ કર્યા વિના તળાવમાં ગંદુ પાણી ઠાલવતો હોવાનો આક્ષેપ
વધુમાં મહેશ પટેલે જણાવ્યું હતું કે આ તળાવમાં તરસાડી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરવામાં આવે છે. તે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોન્ટ્રાકટ પર આપી દેવાયો છે. ડ્રેનેજના પાણીને ચોખ્ખું કરી તળાવ ભરવાની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે. જોકે કોન્ટ્રાક્ટર ટ્રીટ કર્યા વિના ડ્રેનેજનું પાણી સીધું જ તળાવમાં ભરી દેતા આ ઘટના બની હોય એવું બની શકે છે. માછલીઓનું પોસ્ટ મોર્ટમ કરી મૃત્યુનું સાચું કારણ જાણી સત્ય હકીકત બહાર લાવવી જોઈએ.

1000થી વધુ માછલીઓ મૃત્યુ પામી
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષો પહેલા આ તળાવની સંપૂર્ણ જવાબદારી પાલિકા જ નિભાવતી હતી. ત્યાર બાદ કોન્ટ્રાકટ પર આપી દેવાયો હતો. આ તળાવમાં માછલીઓનો ઉછેર કરાતો હતો. તમામ દેશી માછલીઓ જ હતી. તળાવની સુંદરતા વધારવા માછલીઓનો ઉછેર કરાયો હતો. જોકે આ દુર્ઘટના બાદ 1000 થી વધુ માછલીઓ મૃત્યું પામી હોય એમ કહી શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ.

Most Popular

To Top