Entertainment

વિકીના કૌશલની ધમાલ

વિકી કૌશલ લાંબો સમય ગાયબ રહ્યો, પણ હવે બબ્બે હીરોઇનો સાથે ‘ગોવિંદા નામ મેરા’થી પાછો વળી રહ્યો છે. લાગે છે આ એક મનોરંજક ફિલ્મ છે. કરણ જોહર નિર્માતા હોય તો બીજા પ્રકારની ફિલ્મોની અપેક્ષા પણ ન રાખી શકાય. પણ આપણે કહેવું જોઇએ કે વિકી કૌશલે તેની ફિલ્મોની સ્ટાઇલ બદલવા જેવી ય હતી. પોપ્યુલર સ્ટારની ઓળખ મેળવવી હોય તો પોપ્યુલર ટેસ્ટની ફિલ્મો જરૂરી બને છે. આ ફિલ્મનું નામ ‘મિ. લેલે’ હતું, જે હવે ‘ગોવિંદા નામ મેરા’ થયું છે. ‘હમ્પ્ટી શર્માકી દુલ્હનિયાં’, ‘બદરીનાથ કી દુલ્હનિયા’ અને ‘ધડક’ ફિલ્મના દિગ્દર્શક શશાંક ખૈતાનની આ ચોથી ફિલ્મ છે.

શશાંક ખૈતાન બને ત્યાં સુધી નવી પેઢીના અભિનેતા સાથે કામ કરે છે અને આ વખતે વિકી કૌશલ, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સ લીધા છે. મૂળ આ ફિલ્મ વરુણ ધવન સાથે બનવાની હતી પણ વિકી આવ્યો અને એમ કહી શકો કે આ ફિલ્મ ઝડપભેર પૂરી પણ થઇ ગઇ બાકી લોકો તો ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’, ‘સામ બહાદુર’ ફિલ્મ ઉપરાંત લક્ષ્મણ ઉતેકર અને આનંદ તિવારીની ફિલ્મો માટે રાહ જોતા હતા. આ તેની તેરમી ફિલ્મ છે. ગયા વર્ષે ‘સરદાર ઉદ્યમસિંહ’ આવેલી પણ બોકસ ઓફિસ પર ઉદ્યમ ઓછો પડયો હતો.

વિકી કૌશલ એક સાથે વધુ ફિલ્મમાં કામ કરતો નથી એ અત્યાર સુધીનું સત્ય છે પણ હવે તે વધારે ફિલ્મોમાં કામ કરવા માંડયો છે. લાગે છે કે કેટરીના કૈફ સાથે પરણ્યા પછી તે હવે ફિલ્મોની પસંદગી બાબતે બદલાવા લાગ્યો છે. આ સારો અભિગમ પણ છે કારણકે દરેક વખતે તમને અનુકૂળ વિષયની ફિલ્મો ન મળે અને મળે તો સફળ થાય તેની ગેરંટી નહીં. ગેરંટી તો આમ પણ નથી આપી શકાતી પણ ‘મસાન’ પછી નવી જિંદગી લઇને આવ્યો અને ‘રાઝી’, ‘સંજુ’, ‘ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઇક’ ફિલ્મોએ તેની કારકિર્દીને ટોપ ગિયરમાં નાંખી દીધી. પણ હવે જે ફિલ્મો આવી રહી છે જેમાં તેણે સલમાન, રણબીર કપૂર, રણવીર સીંઘ વગેરેનો મુકાબલો કરવાનો છે.

હવે તેણે ડાન્સ, એકશન, રોમાન્સ માટે પણ તૈયાર રહેવું પડશે. શમ્મી કપૂરને જેમ ગીતા બાલીએ બદલેલો તેમ કેટરીના આ વિકીને બદલી શકી હોય તો હવે એક નવો વિકી જોવા મળશે. વિકી વિશે એવું જરૂર કહી શકાય કે તેણે સ્ટાર તરીકે નવી શકયતા ઊભી કરી છે અને ૨૦૨૩ માં રજૂ થનારી તેની ફિલ્મો નવા વિકીને દેખાડશે. ‘ગોવિંદા નામ મેરા’ માં તેણે કિયારા સાથે મસ્ત ડાન્સ પણ કર્યો છે. જો કે હજુ તે મનોરંજક ફિલ્મમાં સ્ટાર તરીકે જેટલો સહજ દેખાવો જોઇએ એવો સહજ જણાતો નથી. મનોરંજક ફિલ્મોમાં કમ્ફર્ટેબલ દેખાવા માટે વધુ બે – પાંચ ફિલ્મોમાં કામ કરશે અને તે સફળ પણ જશે તો તે નવા આત્મ – વિશ્વાસ સાથે કામ કરી શકશે. દરેક પ્રકારની ફિલ્મો નવી તૈયારી માંગતી હોય છે.

પણ હવે તે મનોરંજક ફિલ્મમાં ગીતો પર કરવા પડતા ડાન્સ માટે તૈયાર થઇ ગયો છે. હમણાં ૯ ડિસેમ્બરે જ વિકી અને કેટરીનાની પહેલી મેરેજ એનીવર્સરી ગઇ. બન્ને એક બીજા સાથે ખુશ જણાય છે. કદાચ આ એક વર્ષમાં પરણેલા બધા જ સ્ટાર ખુશ જણાઈ રહ્યા છે. રણબીર – આલિયાની જેમ તેમના સંતાનના માતા-પિતા થવાની ઉતાવળ નથી. કેટરીના ‘ટાઇગર-3’, ‘મેરી ક્રિસમસ’ અને પ્રભાસ-સિધ્ધાર્થ આનંદની ફિલ્મમાં રોકાયેલી છે. વિકી કેટરીના સાથે પરણ્યા પછી જાણે જીવન અને કારકિર્દીના બીજા ઝોનમાં પ્રવેશી ગયો છે. ‘ગોવિંદા નામ મેરા’ માં તે બે સ્ત્રી વચ્ચે ફસાયો છે. આ ફસાવું તેને ફળશે? •

Most Popular

To Top