સુરત: પેટ્રોલ, ડીઝલ, એલપીજી, કોલસો અને હવે શાકભાજી. દેશમાં દરેક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે. એક લિટર પેટ્રોલના ભાવ 100 રૂપિયા થયા છે, તો બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડૂંગળી પણ હવે દોહ્યલી બની ગઈ છે. સુરતમાં 1 કિલો ડુંગળીની કિંમત 45 રૂપિયા પર પહોંચી ગઈ (Onion Price Hike)છે. વાવાઝોડા અને પાછોતરા વરસાદની અસરને લીધે ડુંગળીના ભાવો સતત વધી રહ્યા છે. હોલસેલમાં ભાવ રોજેરોજ વધી રહ્યા હોવાથી સુરતની શાકભાજી માર્કેટોમાં એ ગ્રેડની ડુંગળીના ભાવો કિલોએ 45 રૂા. થયા છે જયારે મધ્યમ કદની ડુંગળીના ભાવ કિલોએ 35 રૂા. નોંધાયા છે.
સુરત એપીએમસીના (Surat APMC Market) ડિરેકટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને સૌરાષ્ટ્રમાં છેલ્લા પખવાડિયા દરમિયાન જે પ્રકારે દેમાર પાછોતરો વરસાદ પડયો તેને લીધે ખેતરોમાં પાણી ભરાઇ જતા ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તહેવારોની સીઝન છે ત્યારે ડુંગળીની ડિમાન્ડ સામે સપ્લાય ઓછી રહેતા છેલ્લા એક અઠવાડિયામાં સુરત એપીએમસીમાં 20 કિલો ડુંગળીના હોલસેલના ભાવમાં 300 થી 500 રૂપિયાનો વધારો થયો છે. આજે 20 કિલોનો ભાવ 600 થી 850 નોંધાયો છે. અત્યારે જુની ડુંગળી મહારાષ્ટ્રના સટાના, પીપલગાંવમાંથી આવી રહી છે જયારે નવી ડુંગળી કર્ણાટકના કોલ્હાપુર અને હુબલી જિલ્લામાંથી આવી રહી છે. દિવાળી પછી હુબલી અને કોલ્હાપુરમાંથી ડુંગળીની આવક વધવાની શકયતા છે. ડિમાન્ડ સામે સપ્લાય ઓછી હોવાથી ડુંગળીના ભાવો ચાલુ માસના અંત સુધીમાં વધવાની શકયતા છે. એક અંદાજ પ્રમાણે ડુંગળીના ભાવ છુટક માર્કેટમાં 60 રૂા. સુધી જઇ શકે છે.
દિવાળી પછી કર્ણાટકના હુબલી અને કોલ્હાપુરમાંથી નવી આવક થશે ત્યારે જ ભાવો ઘટી શકે
APMC ના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં છેલ્લા પખવાડિયા દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે ડુંગળીનો 30 થી 40 ટકા પાક ખરાબ થયો છે તેને લીધે હોલસેલ અને રીટેલ માર્કેટમાં તેના ભાવ ઝડપથી વધ્યા છે. દિવાળી પછી કર્ણાટકના હુબલી અને કોલ્હાપુરમાંથી નવા માલની આવક શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવો ઘટવાની શકયતા ઓછી છે.
પાછોતરા વરસાદની મારને લીધે શાકભાઇના ભાવો પણ સતત વધ્યા
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાછોતરા વરસાદને લીધે શાકભાજીના પાકને નુકસાન થતા ભાવો સતત વધી રહ્યા છે. ખાસ કરીને 20 કિલો વટાણાનો ભાવ 2300 થી 2400 રૂા., ગીલોડાનો ભાવ 700 થી 800, તુવેરનો ભાવ 1300 થી 1400, પાપડીનો ભાવ 1000 થી 1200, ભીંડા અને પરવળ 600 થી 700, ગવાર 900 થી 1000, ચોળી 1050 થી 1150 અને સરગવાનો ભાવ 700 થી 750 રૂા. ચાલી રહ્યો છે. તેને લઇને મધ્યમ વર્ગ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
સુરતની શાકભાજી માર્કેટોમાં છુટક શાકભાજીના ભાવ
શાકભાજી કિલોના ભાવ
- વટાણા 220-240
- ટીંડોરા 150-160
- ચોળી 120-140
- રીંગણ 110-120
- ગુવાર 120-140
- ટામેટા 60-80
- પરવળ 80-100
- ભીંડા 60-80
- પાપડી 150-170
- તુવેર 130-150