ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ શેરડી રોપાણ અંગે નિર્ણય લેવામાં વામણું!

બારડોલી : દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર મિલોના ખેડૂત સભાસદો દ્વારા વહેલી શેરડી રોપવા માટે પડાપડી થતી હોય છે. સામાન્ય રીતે 1લી સપ્ટેમ્બરથી શેરડી રોપાણ થતું હોય છે. પરંતુ કેટલીક સુગર મિલો પોતાના નિયમો બનાવી ઓગસ્ટ માસથી જ રોપણીને મંજૂરી આપી દેતી હોય છે. આ સમયગાળા દરમ્યાન વરસાદ વરસતો હોય શેરડીના ઉત્પાદન પર તેની અસર થતી હોય છે. ત્યારે સુગર મિલોના બનેલા સંગઠન અનેક છેલ્લા કેટલાક સમયથી શોભાના ગાંઠિયા સમાન બની રહેલ ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા આ મામલે તમામ સુગર મિલોને 1લી ઓક્ટોબરથી રોપણીની શરૂઆત કરવા આદેશ કરે તે જરૂરી બની ગયું છે.

ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ એ રાજ્યમાં આવેલી સહકારી સુગર મિલોનું બનેલું એક સંગઠન જેવું જ છે. જે સુગર મિલો પર દેખરેખ રાખવાની સાથે સાથે વિવિધ નિયમો બનાવી તેનો અમલ કરાવે છે. જો કે હાલમાં ખાંડ ઉદ્યોગ સંઘ એક નિષ્ક્રિય સંસ્થા જ બની ગઈ હોય તેમ ખેડૂત હિતના કોઈ નિર્ણયો લેવામાં આવતા નથી. ખાંડ ઉદ્યોગ સંઘમાં બેઠેલા હોદ્દેદારો પણ ખેડૂત સભાસદોની જગ્યાએ સરકારની વાહવાહીમાં જ વધુ રચ્યા પચ્યાં રહેતા હોય છે. હાલ તમામ સુગર ફેક્ટરીઓમાં જો કોઈ મહત્વનો મુદ્દો હોય તો તે શેરડી રોપણીના સમયગાળા છે.

ખાંડ ઉદ્યોગ સંઘ એક નિષ્ક્રિય સંસ્થા જ બની ગઈ હોય તેમ ખેડૂત હિતના કોઈ નિર્ણયો લેવામાં આવતા નથી

સામાન્ય રીતે મોટા ભાગની સુગર મિલો 1લી સપ્ટેમ્બરથી જ રોપણીની શરૂઆત કરતી હોય છે. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે સપ્ટેમ્બર માસમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. આખો મહિનો વરસાદ પડતો હોય આ સમયે પણ શેરડી રોપણી કરવી યોગ્ય ન હોવાનું જાણકારો માને છે. હાલ મોટા ભાગના ખેડૂતો 1લી ઓક્ટોબરથી શેરડી રોપાણની શરૂઆત થાય તે માટે રાજી હોવાનું જાણવા મળ્યું છે.

ખેડૂત સંઘ દ્વારા આ મામલે સુગર મિલોને માત્ર શેરડી રોપાણના સમયગાળા અંગે માત્ર સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ સુગર મિલો ઉપર રહેલા ખાંડ ઉદ્યોગ સંઘે તમામ સુગર મિલોને પરિપત્ર મારફતે આદેશ કરી 1લી ઓક્ટોબરથી જ શેરડી રોપાણ કરવાની ફરજ પાડવી જોઈએ. પરંતુ ઉપર બેઠેલા કેટલાક હોદ્દેદારો પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે આદેશ કરવાની જગ્યાએ તમામ જવાબદારી જે તે સુગર મિલો પર થોપી દીધી છે. આથી સુગર મિલો પોતાની મનમરજી મુજબ રોપાણનો સમયગાળો નક્કી કરતી હોય છેવટે ભોગવવાનું ખેડૂત સભાસદોએ જ આવે છે. કેટલીક સુગર મિલો તો ઓગસ્ટમાં જ શેરડી રોપાણને મંજૂરી આપી દેતી હોય છે. જે વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના રહે છે.

Related Posts