Dakshin Gujarat

વાંસદા: ખાટાઆંબાના કોઝવે પર પાણી ફરી વળતા ચાર ફળિયાના 3000 લોકો સંપર્ક વિહોણા

વાંસદા: (Vasda) ખાટાઆંબાના કોઝવે (Cozway) પર પાણી ફરી વળતા ચાર ફળિયાના ૩૦૦૦ જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. વાહન વ્યવહાર અને જનજીવન ઠપ થઈ જતાં અનેક મુશ્કેલીઓ ઉદભવી હતી. વર્ષોથી ચોમાસા (Monsoon) દરમ્યાન આજ પરિસ્થિતિ સર્જાય છે. દર વર્ષે અહીં રહેતા લોકોને જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થવું પડે છે.

  • કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં મોટાપાડા, પાંબોનીયા, બોરિપાડા અને વજરા ફળિયાના લોકોને હાલાકી, ઊંચો પુલ બનાવવા માંગ
  • ખેડૂતોને શાકભાજી અને પશુપાલકોને દૂધ સપ્લાય કરવામાં મુશ્કેલી, પીએચસી સેન્ટર કોઝવેની સામે હોવાથી લોકો સારવારથી વંચિત

ઉપરવાસમાં સારો વરસાદ પડતા વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના મોટાપાડા, પાંબોનીયા, બોરિપાડા અને વજરા ફળિયા એમ ચાર ફળિયાને અસર કરતા કોઝવે પરથી પાણી ફરી વળતાં આશરે ૩૦૦૦ જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. કોઝવે પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અહીંના ખેડૂતોને (Farmers) ચોમાસા દરમિયાન શાકભાજી (Vegetable) વેચવા, પશુઓનો ચારો કાપવા, દૂધ ભરવા જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે અને ગામમાં કોઈ ગંભીર રીતે બીમાર હોય, સર્ગભા મહિલા કે અકસ્માતમાં ઘવાયેલા હોસ્પિટલ લઈ જવા માટે સમસ્યા સર્જાય છે તેમજ ગામનું પીએચસી સેન્ટર પણ કોઝવેની સામેની બાજુએ આવેલું હોવાથી ચોમાસામાં (Monsoon) પ્રાથમિક સારવાર માટે પણ લોકોએ વલખા મારવા પડે છે, જેથી અહીં કોઝવેની બાજુમાં ઊંચો પુલ બનાવવો જરૂરી છે, એમ, ખાટાઆંબા ગામના સરપંચ શાંતિબેન એસ.ગાંવિતએ જણાવ્યું છે.

દર ચોમાસામાં 180 બાળકોને કોઝવે પરથી જીવના જોખમે શાળાએ જવું પડે છે અથવા મોટો ચકરાવો લેવો પડે છે
દર ચોમાસામાં કોઝવે પરથી વરસાદના પાણી ફરી વળતાં આશરે ૧૭૦થી ૧૮૦ જેટલા બાળકોએ જીવને જોખમમાં મુકી પસાર થવું પડે છે. તો ઘણીવાર ગામના યુવાનો કોઝવે પર પાણીમાં ઉભા રહી શાળાએ જતા બાળકોને પાણીમાંથી પસાર કરવામાં પણ મદદ કરતાં હોય છે. તો કેટલીક વાર પાણીના તેજ પ્રવાહને કારણે બાળકોએ આંબાનાપાડા ગામ થઈ ડુંગરી પરથી ખૂબ જ ચકરાવો લઇ શાળાએ જવાની ફરજ પડે છે, હાલ કોરોના મહામારીને લઇ સરકારની ગાઇડલાઈન મુજબ શાળાઓ બંધ છે પરંતુ જો શરૂ થાય તો આજ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે

Most Popular

To Top